ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે ફાર્મહાઉસના માલિક, વિડિયો બનાવવા આવેલા ટિકટૉકર નોમાન હસન અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે.
વિડિયો લેવા માટે પાંજરામાંથી કાઢેલી સિંહણે ૧૯ વર્ષના ટીનેજરનો ભોગ લીધો
પાકિસ્તાનના લાહોરમાં પ્રાઇવેટ ફાર્મહાઉસમાં એક સિંહણ સાથે વિડિયો લેવાના ચક્કરમાં એક ટીનેજરનો ભોગ લેવાયો હતો. પાકિસ્તાનનો નોમાન હસન આએદિન જંગલી પ્રાણીઓ સાથેના વિડિયો સોશ્યલ મીડિયા પર મૂકતો હોય છે. બુધવારે આવા જ કોઈ વિડિયો માટે તેણે એક પ્રાઇવેટ ફાર્મહાઉસમાં પુખ્ત સિંહણ સાથે ગેલ કરતો વિડિયો લેવા માટે રિક્વેસ્ટ કરી હતી. ફાર્મહાઉસમાં કામ કરતો તલ્હા નામનો ૧૯ વર્ષનો કૅરટેકર સિંહણને પાંજરામાંથી બહાર લાવ્યો હતો. જોકે એ વખતે સિંહણનો મિજાજ બગડતાં તેણે કૅરટેકર પર જ હુમલો કરી દીધો હતો. આ ઘટના બની ત્યારે યુવકના પિતા અને ભાઈ પણ ત્યાં હાજર હતા અને તેમની નજર સામે જ સિંહણે ટીનેજર પર હુમલો કર્યો હતો.. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે ફાર્મહાઉસના માલિક, વિડિયો બનાવવા આવેલા ટિકટૉકર નોમાન હસન અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે.
લાહોર પોલીસે કહ્યું હતું કે વિડિયો બનાવવા આવેલા ટિકટૉકરની હાજરીમાં સિંહણ બેકાબૂ બની ગઈ હતી અને તેણે કર્મચારી પર હુમલો કર્યો હતો. સત્ય છુપાવવા માટે સિંહણના હુમલાને કૂતરાના હુમલામાં ખપાવવાનો પ્રયાસ થયો હતો. ઘટના પછી હુમલો કરનાર સિંહણને વન્યજીવ વિભાગને સોંપી દેવામાં આવી છે. પંજાબના વન્યજીવ કાયદા મુજબ લાહોરમાં લાઇસન્સ વિનાના સ્થળે હિંસક પ્રાણીઓને રાખવાં કે પાંજરામાંથી બહાર કાઢવાં ગેરકાયદે છે.’
