કિડનીની સર્જરીમાં ડૉક્ટરો વધારાની નળીઓ અંદર ભૂલી ગયા એ માટે દરદીની મમ્મીએ હૉસ્પિટલ પર ઠોક્યો ૧૦.૬૩ કરોડનો દાવો
પ્રતીકાત્મક તસવીર
રશિયામાં ૧૫ વર્ષના મૅક્સિમ નામના કિશોરને કિડનીમાંથી મૂત્રાશયમાં લઈ જતી નળીઓમાં ગરબડ થઈ હોવાથી સર્જરી કરવી પડી હતી. ડૉક્ટરોએ સર્જરી કરીને યુરિનને રિવર્સમાં જતું અટકાવ્યું હતું. એ માટે પહેલાં સર્જરી કરીને બે દિવસ માટે નકલી નળીઓ લગાવવામાં આવી અને પછી બે દિવસ બાદ એ દૂર કરી દેવાની હતી. એ નળીઓ દૂર કરવાની સર્જરીમાં ડૉક્ટરોએ કંઈક ભૂલ કરતાં બે નળી અંદર જ રહી ગઈ. સર્જરીમાંથી મૅક્સિમ જેવો બહાર આવ્યો એના બીજા જ દિવસથી તેને દુખાવો થવા લાગ્યો. ડૉક્ટરોએ તેને કહ્યું કે આવું તો સર્જરી પછી થાય. દુખાવા સાથે જ તેને ડિસ્ચાર્જ પણ આપી દીધો. એક-બે મહિના સુધી પરિસ્થિતિ સુધરી નહીં એટલે મૅક્સિમની મમ્મીએ બીજી હૉસ્પિટલમાં કન્સલ્ટ કર્યું. ત્યાં પણ પહેલાં તો દવાઓ જ કરવામાં આવી. દુખાવો અસહ્ય થતાં પરીક્ષણ કરતાં ખબર પડી કે જૂની મેડિકલ સહાય માટેની નળીઓ અંદર જ રહી ગઈ છે. ડૉક્ટરોએ ફરીથી સર્જરી કરીને એ કાઢી. જોકે ત્યાં સુધીમાં કિશોરની કિડની એટલી બગડી ચૂકી હતી કે તેને હવે કાયમ માટે હાઇપરટેન્શનની દવાઓ લેવી પડશે. મૅક્સિમને હવે દુખાવો નથી રહેતો, પરંતુ કિડની ખૂબ ડૅમેજ થઈ ચૂકી હોવાથી ગમે ત્યારે કિડની ફેલ્યર થઈ શકે એવી સંભાવના પેદા થઈ છે. આ સંજોગોમાં મૅક્સિમની મમ્મીએ પહેલી ભૂલ કરનારી હૉસ્પિટલ પર બેદરકારીને કારણે દીકરાના શરીરને થયેલા નુકસાનના વળતર પેટે ૧૦.૬૩ કરોડ રૂપિયાનો દાવો ઠોક્યો છે. અલબત્ત, આ કેસ હજી કોર્ટમાં છે. જોકે પેલી હૉસ્પિટલનું કહેવું છે કે પહેલાં તેની મમ્મી પહેલી સર્જરીના બિલમાંથી ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવાની બાકી છે એ તો ચૂકવે, એ પછી જ તેના આરોપ પર સુનાવણી થવી જોઈએ.


