રૂબેને ભારતના સિદકદીપ સિંહ ચહલનો ચાર ફૂટ અને ૯.૫ ઇંચ લાંબા વાળનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.
રૂબેન
સામાન્ય રીતે લાંબા વાળનું ઘેલું છોકરીઓને હોય, પણ અમેરિકાના સાઉથ ડકોટાના રૅપિડ સિટીમાં રહેતા રૂબેન નામના ટીનેજરને વાળ વધારવાનું પૅશન છે. બે વર્ષની વયે તેણે વાળ કાપવાનું બંધ કરી દીધું હતું જે અત્યારે ૧૭ વર્ષની ઉંમરે પાંચ ફુટ અને ૩.૩ ઇંચ લાંબા થઈ ગયા છે. આ કારનામાએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વના સૌથી લાંબા મેલ ટીનેજરના વાળનું બિરૂદ મેળવી લીધું છે. રૂબેને ભારતના સિદકદીપ સિંહ ચહલનો ચાર ફૂટ અને ૯.૫ ઇંચ લાંબા વાળનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.
રૂબેન જ્યારે નાનો હતો ત્યારે તેને હૅર-ક્લિપ્સનો ડર લાગતો હતો એટલે તેનો એ ડર દૂર થાય એ માટે તેના પેરન્ટ્સે રૂબેનના વાળ કપાવવાનું બંધ કરી દીધું હતું. લાંબા વાળને મૅનેજ કરવા તેણે ક્લિપ લગાવવી જ પડે એ વાત સમજાતાં તેને એ ગમવા લાગ્યું. આટલા લાંબા વાળને મૅનેજ કરવા માટે તેને ઘણો સમય ફાળવવો પડે છે. વીસ મિનિટ તેને વાળ ધોતાં અને શૅમ્પૂ કરતાં લાગે છે. એ પછી એક કલાક એને ડ્રાય થતાં લાગે છે અને વાળમાં કાંસકો ફેરવીને ઓળતાં દસેક મિનિટ જાય છે.


