જીવતા કે મરેલા પાંચ મચ્છર લાવો અને દોઢ રૂપિયો મેળવો
ફિલિપીન્સનાં કેટલાંક ગીચ વસ્તી ધરાવતાં ગામોમાં મચ્છરનો ત્રાસ વધી ગયો
ફિલિપીન્સનાં કેટલાંક ગીચ વસ્તી ધરાવતાં ગામોમાં મચ્છરનો ત્રાસ વધી ગયો છે. એને કારણે ડેન્ગીનો વાવર ફેલાઈ રહ્યો છે. જોકે મેન્ડલુયૉન્ગ શહેર પાસે આવેલા એડિશલ હિલ્સ વિલેજમાં મચ્છર અને ડેન્ગીને નાથવા માટે અનોખી સ્ટ્રૅટેજી અપનાવવામાં આવી છે. પહેલી ફેબ્રુઆરીથી ફિલિપીન્સમાં ૨૮,૨૩૪ ડેન્ગીના કેસ નોંધાયા છે અને એક શહેરમાં તો ૧૦ જણ ડેન્ગી ફીવરને કારણે મૃત્યુ પામ્યા છે. એવામાં ઍડિશલ હિલ્સ વિલેજમાં જ્યાં લગભગ એક લાખ લોકો વસે છે ત્યાં પાણીના ભરાવાની જગ્યાઓને સાફ કરવાનું અભિયાન હાથ ધરાયું છે. અલબત્ત, આ બધી જદ્દોજહદ સાથે સ્થાનિક પ્રશાસને લોકોને મચ્છર મારવા માટે પ્રોત્સાહન આપવા પૈસા આપવાની સ્કીમ બહાર પાડી છે. લોકો પાંચ જીવતા કે મરેલા મચ્છર લાવીને એક પેસો એટલે કે દોઢ રૂપિયા મેળવી શકે છે. આ સ્કીમ પછી કેટલાક લોકોએ જમા થયેલા પાણીની આસપાસ જઈને મચ્છરો પકડવાનું શરૂ કરી દીધું છે અને વળતર પણ મેળવી રહ્યા છે. જોકે કેટલાક લોકોને લાગે છે કે આ ઑફર બૅકફાયર થઈ શકે એમ છે, કેમ કે લોકો પૈસા મેળવવા માટે વધુ મચ્છર પેદા કરીને એ સ્થાનિક પ્રશાસનને વેચવાનું નવું રૅકેટ શરૂ કરી શકે છે.


