જલંધરની હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓ મસ્તમજાનું પંજાબી લોકસંગીત માણે છે
કોરોનાના દર્દીઓ મસ્તમજાનું પંજાબી લોકસંગીત માણે છે
લૉકડાઉનના દિવસોમાં ઘરમાં પુરાઈ રહેતા લોકો પરેશાન હોય તો આઇસોલેશન- ક્વૉરન્ટીનમાં રાખવામાં આવેલા કોરોના પૉઝિટિવ હોય એવા દરદીઓને એકાંત અને નિષ્ક્રિયતા સાથે બીમારીની તકલીફ કેટલી થતી હશે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં પંજાબના જલંધરમાં કોરોના-ઇન્ફેક્શનના દરદીઓ તેમના બેડ પર બેઠાં-બેઠાં પંજાબી લોકગીતના તાલે તાળીઓ પાડતા અને ઝૂમતા જોવા મળે છે. જલંધર સિવિલ હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં માસ્ક પહેરીને બેડ પર બેઠેલા દરદીઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ટેલિવિઝન પર વાગતા પંજાબી લોકગીતના તાલે થનગનતા જોવા મળે છે.
આ વૉર્ડમાં કુલ ૧૨ દરદીઓ હતા. એમાંથી ૧૧ દરદી નાચતા-ગાતા હતા ત્યારે બારમાએ આ વિડિયો ઉતાર્યો હતો. રોગની ચપેટમાં આવ્યા પછી પણ જુસ્સો જાળવી રાખવાના દરદીઓના આ પ્રયાસને સોશ્યલ મીડિયામાં ઘણી સરાહના મળી હતી.

