NASA Astronaut Shares Maha Kumbh Mela photos: પૃથ્વીથી 28,000 કિમી પ્રતિ કલાકની ઝડપે પરિભ્રમણ કરતા ISS એ તેના હાઈ-પાવરવાળા કૅમેરાનો ઉપયોગ કરીને મહાકુંભની ચમક તેમાં કેદ કરી હતી. ત્યારથી ઇન્ટરનેટ પર અદભુત ફોટાઓની પ્રતિક્રિયાઓ છવાઈ ગઈ છે.
ડૉન પેટિટે પોસ્ટ કરેલી તસવીરો (સૌજન્ય: સોશિયલ મીડિયા)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. જોકે હવે મહાકુંભની પ્રસિદ્ધિ પૃથ્વી સુધી જ ન રહેતા તે હવે સ્પેસ એટલે કે અવકાશ સુધી પહોંચી ગઈ છે. મહાકુંભ હાલમાં અવકાશમાંથી કેવું દેખાય છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી હતી, જેણે હવે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર સવાર NASA અવકાશયાત્રી ડૉન પેટિટે આ મહાકુંભની તસવીરો શૅર કરી છે, જેમાં આકાશમાંથી તેની ભવ્યતા દેખાઈ રહી છે. ડૉન પેટિટ, જે તેમના અસાધારણ ખગોળ ફોટોગ્રાફી માટે જાણીતા છે, તેમણે X પર તસવીરો પોસ્ટ કરીને લખ્યું, "2025 મહા કુંભ મેળો ગંગા નદીની યાત્રા રાત્રે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી. વિશ્વનો સૌથી મોટો માનવ મેળો સારી રીતે પ્રકાશિત છે."
ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓના સંગમ નજીક પ્રયાગરાજનું તંબુ શહેર ચિત્રોમાં ચમકી રહ્યું છે. દર 144 વર્ષે એકવાર યોજાતો મહા કુંભ મેળો, યાત્રાળુઓના વિશાળ મેળાવડા અને તેના ઊંડા આધ્યાત્મિક મહત્ત્વ માટે પ્રખ્યાત છે. પૃથ્વીથી 28,000 કિમી પ્રતિ કલાકની ઝડપે પરિભ્રમણ કરતા ISS એ તેના હાઈ-પાવરવાળા કૅમેરાનો ઉપયોગ કરીને મહાકુંભની ચમક તેમાં કેદ કરી હતી. ત્યારથી ઇન્ટરનેટ પર અદભુત ફોટાઓની પ્રતિક્રિયાઓ છવાઈ ગઈ છે. એક યુઝરે ટિપ્પણી કરી, "આ મને અવકાશમાં એક તારો હોવાની અને બીજા તારાઓ મારી સાથે ભેગા થવાની યાદ અપાવે છે જ્યાં સુધી આપણે સુપરનોવા ન બનાવીએ અને પરિણામે એક નવું બ્રહ્માંડ રચાય." બીજાએ લખ્યું, "રાત્રે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પરથી જોવા મળતો ગંગા નદી પરનો 2025નો મહા કુંભ મેળો આ ધાર્મિક યાત્રાના વિશાળ કદને દર્શાવે છે. વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા તરીકે ઓળખાતો આ મેળાવડો અવકાશમાંથી આશ્ચર્યજનક રીતે પ્રકાશિત દેખાય છે." "વાહ, દ્રશ્યો અદ્ભુત છે," એક ટિપ્પણીમાં લખવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
2025 Maha Kumbh Mela Ganges River pilgrimage from the ISS at night. The largest human gathering in the world is well lit. pic.twitter.com/l9YD6o0Llo
— Don Pettit (@astro_Pettit) January 26, 2025
પ્રયાગરાજમાં મહાકુંભમાં શુક્રવારે આશરે ૨૫૦૦ ડ્રોનથી અદ્ભુત શો કરવામાં આવ્યો હતો અને આજે પણ આ શો સાંજે જોવા મળવાનો છે. ઉત્તર પ્રદેશમાં આ સૌથી મોટો ડ્રોન શો હતો જેમાં ૨૫૦૦ ડ્રોનની મદદથી આકાશમાં અનેક કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. સંસ્કૃતિ, અધ્યાત્મ અને ટેક્નૉલૉજીનો અદ્ભુત નજારો જોઈને લોકો ગદ્ગદ થયા હતા. મેળા ક્ષેત્રના સેક્ટર સાતમાં આ ડ્રોન શોની શરૂઆત શંખનાદથી કરવામાં આવી હતી. સંગમ તટ પર કુંભની મહત્તા, સંગમ સ્નાનનું મહત્ત્વ અનોખા રૂપમાં પ્રસ્તુત કરવામાં આવતાં શ્રદ્ધાળુઓએ સમુદ્રમંથનનું મહાકાવ્ય આકાશમાં જીવંત થતું જોયું હતું. ડ્રોનથી આકાશ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઊઠ્યું હતું. કુંભ કળશમાંથી અમૃતની બુંદો છલકાવવામાં આવી હોય એવું દૃશ્ય ડ્રોને દર્શાવ્યું હતું. ગંગાસ્નાનથી દિવ્યશક્તિ સંચારને પણ દર્શાવવામાં આવ્યું હતું.


