૯૯,૦૦૦ રૂપિયામાં લાઇફટાઇમ અનલિમિટેડ પાણીપૂરીની સ્કીમ ઉપરાંત તેની પાસે બીજી પણ ઘણી બધી ઑફરો છે
નાગપુરનો આ પાણીપૂરીવાળો તો જબરો ઑફર-કિંગ નીકળ્યો
બધાને ભાવતી પાણીપૂરી માટે એક ચટાકેદાર ઑફર છે. નાગપુરમાં પાણીપૂરીનો સ્ટૉલ ધરાવતા વિજય મેવાલાલ ગુપ્તાએ પોતાના સ્ટૉલ પર પાણીપૂરી ખાવા આવતા લોકોને અનોખી ઑફર આપી છે કે એક વાર ૯૯,૦૦૦ રૂપિયા આપો અને જિંદગીભર જ્યારે ખાવી હોય ત્યારે પાણીપૂરી ખાવા આવો. આ ઑફર મુજબ ખાસ બન્ને પાર્ટી વચ્ચે કાયદેસર કરાર કરવામાં આવે છે અને એના પર સહીસિક્કા પણ કરવામાં આવે છે. જાણવા મળ્યા મુજબ બે જણે આ ઑફર લીધી છે. આ ઑફર વિશેની ખબર સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં તેમનો પાણીપૂરીનો સ્ટૉલ પ્રખ્યાત થઈ ગયો છે અને ઠેર-ઠેર લોકો આ યુનિક ઑફર પર ચર્ચા કરી રહ્યા છે. વિજય ગુપ્તા પોતાના સ્ટૉલ પર જુદી-જુદી ઑફર આપવા અને પાણીપૂરી ખાવાની કૉમ્પિટિશન રાખવા માટે જાણીતા છે. તેઓ ૧ રૂપિયાથી લઈને ૯૯,૦૦૦ રૂપિયા સુધીની જુદી-જુદી ઑફર આપી રહ્યા છે. ૧ રૂપિયાની ઑફર છે મહાકુંભ ઑફર જેમાં જો કસ્ટમર એકસાથે ૪૦ પાણીપૂરી ખાય તો તેણે માત્ર ૧ રૂપિયો જ આપવો પડે. લાડલી બહન યોજનામાં ૬૦ રૂપિયામાં તેઓ અનલિમિટેડ પાણીપૂરી આપે છે. જે એકસાથે ૧૫૧ પાણીપૂરી ખાઈ શકે તેને ૨૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. ૫૦૦૦ રૂપિયા ભરો તો આખું વર્ષ ૧૦,૦૦૦ રૂપિયા સુધીની પાણીપૂરી આપે છે. ૬૦૦ રૂપિયા આપીને એક અઠવાડિયું પેટભર પાણીપૂરી ખાવાની ઑફર પણ તેમણે આપી છે. રોજના ગ્રાહક માટે ૯૫ રૂપિયામાં અનલિમિટેડ પાણીપૂરીની ઑફર પણ છે. આવી જુદી-જુદી માર્કેટિંગ ઑફર તેઓ આપે છે. સોશ્યલ મીડિયા પર બધા તેમની આ રીતને માર્કેટિંગ માઇન્ડ કહી રહ્યા છે. ઘણા મજાક પણ કરે છે અને હિસાબ લગાવે છે કે ૯૯,૦૦૦ રૂપિયા વસૂલ કઈ રીતે થાય.


