બાપ-દીકરાએ સાથે દારૂ પીધો એ પછી કોઈક વાતે ઝઘડો થવાથી દીકરાએ બાપની ડંડા મારી-મારીને હત્યા કરી નાખી
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના સતના જિલ્લાના બદખર વિસ્તારમાં ૪૫ વર્ષના ભૈયન મવાસી નામના ભાઈ તેમના દીકરા રિન્કુ સાથે રવિવારે સાંજે દારૂ પીતા હતા. બન્ને સાથે દારૂ અને ચખનાની મજા લઈ રહ્યા હતા ત્યારે કોઈક વાતે તેમની વચ્ચે બોલાચાલી થઈ. વાત એટલી વણસી કે દીકરા રિન્કુએ પિતા પર હુમલો કરી દીધો. દારૂના નશામાં બન્નેને ખબર નહોતી કે તેઓ શું કરી રહ્યા છે. લાકડાના કારખાનામાં મજૂરી કરીને થાકેલા બાપ-દીકરાને દારૂનો નશો એટલો ચડેલો કે નાનીઅમથી વાત પર દીકરો લાકડી લઈને પિતા પર હુમલો કરવા આવ્યો. લાકડીથી ઢોરમાર મારતાં પિતાને નાક અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અન્ય મજૂર સાથીઓએ પિતાને દવાખાને પહોંચાડ્યા હતા, પરંતુ સ્થિતિ ગંભીર હોવાથી મોટી હૉસ્પિટલમાં શિફ્ટ કરવા પડ્યા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.


