આ મેળામાં આખો સમાજ એકઠો થાય છે. સામાન્ય રીતે મહેમાનોને થાળીમાં ઘી પીરસવાની પરંપરા મૃત્યુભોજમાં જોવા મળે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
રાજસ્થાનના મારવાડમાં પાણીની અછત હોય છે, પણ ઘી-દૂધની નહીં. મારવાડીઓના ભોજનમાં ઘીની નદીઓ વહેતી હોય છે એવું કહેવાય છે. જોકે સોશ્યલ મીડિયા પર એક ભાઈએ ઘીની નદીઓ એટલે શું એ વર્ણવતી ક્લિપ શૅર કરી છે. એમાં ટોળે વળીને બેઠેલા ૩-૪ જણની સામે ખીચડીની થાળી પડી છે અને પીરસણિયો જગ લઈને ઘી રેડવા આવે છે. એમાં એક-બે ચમચી નહીં, વાટકા ભરીને ઘી રેડાય છે. આટલું ઓછું હોય એમ આ જ વિડિયોમાં પાસે બેઠેલા એક ગ્રુપમાં તો પીરસણિયો જગમાંથી ઘી રેડે છે અને થાળમાંથી એક માણસ ઘી ગટગટાવે છે. આ વિડિયો શૅર કરનાર કપિલ બિશ્નોઈ નામના ભાઈએ લખ્યું છે, ‘મારવાડમાં પાણીની અછત હોઈ શકે, ઘી-દૂધની નહીં. અમારા મારવાડમાં આજે પણ એવાં ઘરો છે જ્યાં ૨-૪ હજાર લોકોનું જમવાનું પણ પૂરા ઘીમાં જ બને છે. મારવાડી ઘરોમાં તમને દેશી ઘીનો ભરપૂર સ્ટૉક મળી જશે.’ વિડિયો-ક્લિપ કોઈ લગ્ન કે શુભ પ્રસંગની નહીં, પરંતુ સારસ્વત સમાજના પિસ્તાળીસમા મેળામાં બનેલી ઘટનાની છે. આ મેળામાં આખો સમાજ એકઠો થાય છે. સામાન્ય રીતે મહેમાનોને થાળીમાં ઘી પીરસવાની પરંપરા મૃત્યુભોજમાં જોવા મળે છે.
