લોકોને નવાઈ લાગી કે આટલા પાણીમાં કોઈ મહિલા ઝાડ પર કેમ બેઠી હશે? તેમણે પોલીસને જાણ કરી અને પોલીસે આવીને માલતીને રેસ્ક્યુ કરી હતી
માલતી નામની મહિલા
નાની વાતે ગુસ્સામાં આવીને આત્મહત્યા જેવું પગલું લઈ લેવાતું હોય છે, પણ જો એ પગલામાં બચી જવાય તો મન જીવવા માટે છટપટતું પણ હોય છે. આવું જ કંઈક કાનપુર પાસે આવેલા અહિરવા ગામમાં થયું. માલતી નામની મહિલાનો પતિ સુરેશ સાથે ચા બનાવવા બાબતે ઝઘડો થઈ ગયો. બોલાચાલી એટલી વધી કે ગુસ્સે થઈને માલતી મરી જવા માટે ઘરની બહાર નીકળી ગઈ. તે એટલી આવેશમાં હતી કે તેણે કંઈ પણ વિચાર્યા વિના ગંગા નદીમાં છલાંગ મારી દીધી. પાણીમાં પડ્યા પછી તેને થયું કે આ તો બહુ ખોટું પગલું લેવાઈ ગયું છે. તેને તરતાં આવડતું હતું એટલે તેણે હિંમત એકઠી કરીને તરીને કિનારા પાસે જવાની કોશિશ કરી. જોકે એવામાં તેને નદીમાં જ મોટો મગર તરતો દેખાયો. સામે મોત જોઈને ડરથી કંપી ગયેલી માલતીએ સૂઝબૂઝથી કામ લીધું. તરીને તે એક વૃક્ષ પાસે ગઈ અને એના પર ચડી ગઈ. અંધારું થઈ ગયું હતું અને નીચે મગર હતો એટલે તેણે જેમ-તેમ વૃક્ષ પર જ આખી રાત કાઢી નાખી. સવાર પડતાં જ તેને પુલની પાસે પસાર થતા લોકો જોવા મળ્યા. તેણે મદદ માગી. લોકોને નવાઈ લાગી કે આટલા પાણીમાં કોઈ મહિલા ઝાડ પર કેમ બેઠી હશે? તેમણે પોલીસને જાણ કરી અને પોલીસે આવીને માલતીને રેસ્ક્યુ કરી હતી.


