તેણે હાથમાં હાર્ટ શેપનું નવું ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે, જીભ પણ વચ્ચેથી કપાવી નાખી છે
જેસન શૉલ્ટ્સ
અમેરિકાના ઇન્ડિયાનામાં રહેતા જેસન શૉલ્ટ્સ નામના ભાઈ ટિકટૉક ઍપ પર મોટું ફૅન-ફૉલોઇંગ ધરાવે છે. તેમને શરીરમાં ગમે ત્યાં પિઅર્સિંગ કરાવવાનો શોખ છે અને બૉડીમાં ઠેર-ઠેર કાણાં પણ પડાવ્યાં છે. જોકે નાકમાં તેમણે જે ‘ટનલ’ બનાવી છે એ વિશાળ છે. નાકનાં બન્ને નસકોરાંને જેસનભાઈએ વીંધાવ્યાં છે. આ વીંધણું સૉય જાય એટલું નહીં, આખેઆખો સિક્કો જતો રહે એટલું મોટું છે. આટલું ઓછું હોય એમ તેમણે બે નસકોરાંને અલગ પાડતી દીવાલ જેને મેડિકલ ભાષામાં સેપ્ટમ કહેવાય એની અંદર પણ કાણું પાડ્યું છે. છેલ્લાં ૧૫ વર્ષમાં જેસને એ કાણાંમાં વધુ ને વધુ મોટી ચીજો ભરાવીને એને પહોળું કરવાનો પ્રયત્ન કર્યો છે અને આજે આ કાણાનો વ્યાસ ૨.૧૫ સેન્ટિમીટર જેટલો છે એટલે એમાંથી કોઈની આંગળી તો ઠીક, અંગૂઠો પણ આરપાર થઈ જાય છે. જેસનભાઈ એક કાર ઑડિયો કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ છે અને બાળપણથી જ વિયર્ડ અને ટૅબુ ગણાતી સંસ્કૃતિઓને જાણવા-સમજવાનું આકર્ષણ ધરાવે છે. તેણે હાથમાં હાર્ટ શેપનું નવું ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે, જીભ પણ વચ્ચેથી કપાવી નાખી છે અને હવે તેના નાકનું કાણું એટલું જાયન્ટ થઈ ગયું છે કે નાકની એક બાજુથી કોઈ ચીજ નાખે તો સામેના નાકમાંથી એ બહાર નીકળી જાય. આ પરાક્રમે જેસનને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન અપાવ્યું છે.


