રામાયણની એશિયાની સફર દર્શાવશે ડૉક્યુમેન્ટરી સિરીઝ ઇતિહાસ.
શશી થરૂર
રાજકારણી શશી થરૂર હવે ટીવી-હોસ્ટ તરીકે પોતાની નવી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. તેઓ ડિસ્કવરીની આગામી ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘ઇતિહાસ : રામાયણ બિયૉન્ડ બૉર્ડર્સ’ને હોસ્ટ કરતા જોવા મળશે. ૪ એપિસોડની આ સિરીઝનું પ્રીમિયર ૭ ડિસેમ્બરે ડિસ્કવરી અને ડિસ્કવરી પ્લસ પર થશે. એના ચારેય એપિસોડ દર અઠવાડિયે એક પછી એક પ્રસારિત કરવામાં આવશે. દર્શકો આ સિરીઝ હિન્દી, અંગ્રેજી, તામિલ, તેલુગુ, બંગાળી, મલયાલમ અને કન્નડા સહિત અનેક ભાષાઓમાં જોઈ શકશે. નિર્માતાઓએ સિરીઝનો પ્રોમો પણ રિલીઝ કરી દીધો છે જેમાં દર્શકોને એની એક ઝલક જોવા મળી છે.
આ સિરીઝમાં ‘રામાયણ’ની એ સફર દર્શાવવામાં આવશે જે સદીઓ દરમ્યાન ભારતની સરહદો પાર કરીને એશિયાના અનેક દેશો સુધી પહોંચી હતી. ભગવાન રામ, સીતા, હનુમાન અને રાવણ જેવાં મહત્ત્વનાં પાત્રોના માધ્યમથી આ મહાકાવ્યનાં અલગ-અલગ સાંસ્કૃતિક સ્વરૂપોને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે.
