ઇન્દોરમાં ભૂલથી કચરામાં ગયેલો પરિવારનો બે કિલો વજનનો પરંપરાગત ચાંદીનો કળશ શોધવા નગરપાલિકાના 20 કર્મચારીઓએ ડમ્પિંગ યાર્ડમાં 24 કલાક સુધી ટનબંધ કચરો ખંગાળ્યો. આખરે વિશેષ શોધખોળ બાદ કળશ મળી આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો.
ચાંદીના કળશ
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક ચાંદીના લોટાએ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ધંધે લગાડી દીધા હતા. વાત એમ હતી કે ઇન્દોરના રાજેન્દ્ર નગર વિસ્તારમાં રહેતા રાવેરકર પરિવારે ભૂલથી તેમનો પરંપરાગત ચાંદીનો કળશ કચરામાં નાખી દીધો હતો. છેક સાંજે પરિવારજનોને ભાસ થયો કે પૂજાના કચરાને સમેટીને પેટીમાં નાખતી વખતે કળશ પણ કચરામાં જતો રહ્યો છે. તેમણે પોતાની સોસાયટીની પેટીઓ ખોલી તો ખબર પડી કે નગરનાલિકાની કચરાની ગાડી એ વિસ્તારમાંથી કચરો ઉઠાવીને જતી રહી હતી. પરિવારજનોએ તરત નગરપાલિકાનો સંપર્ક કર્યો. કળશ લગભગ બે કિલો ચાંદીનો હતો અને પરિવારને પરંપરાગત રીતે મળેલો હોવાથી એનું ખાસ મહત્ત્વ પણ હતું. એ કળશ પાછો મેળવવા માટે પરિવારે નગરપાલિકાને એડીચોટીનું જોર લગાવવાની રિક્વેસ્ટ કરી. તરત જ પાલિકાના ઑફિસરોએ તેમના વિસ્તારની કચરાની ગાડીઓનો રૂટ ટ્રૅક કર્યો તો ખબર પડી કે એ ગાડી તો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પણ ઠલવાઈ ચૂકી છે.
એ પછી નગરપાલિકાના બે કર્મચારીઓ અને ૧૮ સફાઈ-કામદારોએ એ ડમ્પિંગ યાર્ડને ફંફોસવાનું શરૂ કર્યું. ડમ્પિંગ યાર્ડમાંથી રીસાઇક્લિંગ માટે કચરો છૂટો પાડનારી ટીમને પણ અલર્ટ કરી દેવામાં આવી. લગભગ ૨૪ કલાક ઑપરેશન કળશ ચાલ્યું અને આખરે કળશ મળ્યો.
શુક્રવારે સવારે રાવેરકર પરિવારના ઘરેથી કચરામાં ગયેલો કળશ શનિવારે સાંજે કચરામાંથી જ મળી આવ્યો.
