કેટલાકને લાગે છે કે આમ કરીને જૂની પરંપરાઓની મજાક થઈ રહી છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હિન્દુઓ માટે સારા પ્રસંગે ગાયમાતાની પૂજાનું મહત્ત્વ છે. કેટલાક સમાજમાં ગૃહપ્રવેશ દરમ્યાન ગાયમાતાનાં પગલાં પહેલાં પડે તો સંસાર સુખમય રહે છે એવી માન્યતા છે. જોકે આજના જમાનામાં ઘરો ઊંચાં બિલ્ડિંગોમાં હોય છે ત્યારે ગાયને ઘરમાં લાવવાનું શક્ય જ નથી. જોકે એક પરિવારે આનો પણ જુગાડ કાઢી લીધો હતો. ભલે સાચકલી ગાય ઘરમાં ન લાવી શકાય, ગાયનાં પગરણ તો ઘરમાં પડવાં જ જોઈએ. આ પરંપરા પૂરી કરવા તેમણે રિમોટ કન્ટ્રોલ અને સેલથી ચાલતું ગાયનું રમકડું પૂજામાં મૂક્યું હતું. રમકડાની ગાયને ચૂંદડી ચડાવી, પૂજા-અર્ચના કરીને એને ઘરમાં ઘુમાવી હતી. આ દરમ્યાન પૂજારી મંત્રોચ્ચાર કરતા રહ્યા. પરંપરા પણ પૂરી થઈ અને જોનારા લોકોને મજા પણ પડી ગઈ. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
લોકોને આ નવો અખતરો ગમ્યો કેમ કે એનાથી મૂંગાં પ્રાણીઓ પર ક્રૂરતા પણ નથી થતી. જોકે કેટલાકને લાગે છે કે આમ કરીને જૂની પરંપરાઓની મજાક થઈ રહી છે.


