ગ્રેટર નોએડાના આકાશ નાગરે ઑનલાઇન સ્માર્ટફોન મગાવ્યો હતો, પરંતુ પાર્સલ ખોલતાં બૉક્સમાંથી મોબાઇલને બદલે ગાયનું છાણનું ખાતર નીકળ્યું હતું. છેતરપિંડીની ફરિયાદ પોલીસ અને સાઇબર ક્રાઇમ સેલમાં નોંધાવી છે.
મગાવ્યો સ્માર્ટફોન, નીકળ્યું છાણ
ઑનલાઇન શૉપિંગ કર્યા પછી ઘણી વાર જે મગાવ્યું હોય એને બદલે ભળતું જ કંઈક આવ્યું હોય એવા ઘણા કિસ્સા બને છે, પણ ગ્રેટર નોએડાના એક યુવકે મગાવેલા સ્માર્ટફોનના બૉક્સમાંથી ગાયનું છાણ નીકળવાની ઘટના બની છે. આકાશ નાગર નામના આ યુવાને પાર્સલ આવ્યું ત્યારે ઉત્સાહમાં આવીને જેવું કુરિયરનું પૅકિંગ ખોલ્યું કે તરત જ તેની ખુશી આઘાતમાં ફેરવાઈ ગઈ. ઑર્ડર કરેલા મોબાઇલને બદલે બૉક્સની અંદર ગાયના છાણનું ખાતર ભરેલું હતું. ઑનલાઇન શૉપિંગના નામે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં જ આકાશે તાત્કાલિક સ્થાનિક પોલીસ-સ્ટેશન અને સાઇબર ક્રાઇમ સેલમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે.
