ઉલ્લેખનીય છે કે આ રૂટ દરમ્યાન જ વિસર્જન માટે મોટા-મોટા ગણપતિની શોભાયાત્રા કાઢવામાં આવે છે
તસવીર : આશિષ રાજે
ગણેશોત્સવ દરમ્યાન કોઈ પણ પ્રકારની અપ્રિય કે અનિચ્છનીય ઘટના ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે મુંબઈ પોલીસ દ્વારા સાઉથ મુંબઈના સંવેદનશીલ વિસ્તાર ગણાતા બે ટાંકીથી ગિરગામ ચોપાટી સુધી ગઈ કાલે ફ્લૅગમાર્ચ કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ રૂટ દરમ્યાન જ વિસર્જન માટે મોટા-મોટા ગણપતિની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને એમાં મોટી સંખ્યામાં ગણેશભક્તો ભાગ લે છે. એ ક્ષણનો લાભ લેવા હજારો મુંબઈગરાઓ પણ ઊમટે છે. અસામાજિક તત્ત્વો પોતાનું માથું ન ઊંચકે અને કોઈ વિષમ પરિસ્થિતિ ઊભી ન કરે એ માટે અહીં પૂરતો પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
અટલ સેતુ, અદ્ભુત આકાશ અને એકદંત
ADVERTISEMENT

ક્યારેક કુદરતના કૅન્વસ પર ખૂબ જ બેનમૂન નજારો જોવા મળે છે. એવો જ નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે નવી મુંબઈના કામોઠ્યાચા વિઘ્નહર્તાની મૂર્તિ અટલ સેતુ પરથી પસાર થઈ રહી હતી. અટલ સેતુ જેવું એન્જિનિયરિંગ માર્વલ, પાછળ આછું ફૂલગુલાબી અને શ્યામરંગ વાદળાંથી ઘેરાયેલું આકાશ અને અત્યંત સુંદર શ્રી એકદંતની મૂર્તિ આ ત્રણેયના સંગમને કારણે ખૂબ જ સુંદર દૃશ્ય સર્જાયું હતું.
ગંગાધર પર ગણરાયાનો અભિષેક

મીરા-ભાઈંદરમાં પહેલી જ વખત બૅલૅન્સિંગ ગણેશમૂર્તિનું આગમન થયું છે, જેને જોઈને શહેરીજનોમાં ખૂબ જ આનંદ ઉપરાંત આશ્ચર્ય પણ જોવા મળી રહ્યું છે. જમીનથી અધ્ધર રહેલા ગણેશજી તેમના પિતા શિવશંકર શ્રી ભોળાનાથના શિવલિંગ સ્વરૂપનો જળાભિષેક કરતા હોય એવી આ બૅલૅન્સિંગ મૂર્તિ છે. આ મૂર્તિને જોવા માટે મીરા-ભાઈંદરના લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
એક કૅન્ડલ કૅન્સરપીડિત બાળકો માટે

આખા સપ્ટેમ્બર મહિનાને ઇન્ટરનૅશનલ ચાઇલ્ડહુડ કૅન્સર અવેરનેસ મન્થ તરીકે જોવામાં આવે છે અને એ દરમ્યાન આ બાબતે જાગરૂકતા ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમો અને ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. બાળપણથી જ આ જીવલેણ બીમારીનો ભોગ બનેલા માસૂમોને આશા આપવા માટે અને આ બીમારી સામે બાથ ભીડવાની હિંમત આપવા માટે ઍક્સેસ લાઇફ અસિસ્ટન્સ ફાઉન્ડેશન નામના નૉન-ગવર્નમેન્ટલ ઍર્ગેનાઇઝેશન (NGO) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે ગઈ કાલે કૅન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ભાગ લેનારા લોકોએ કૅન્સરથી ઝઝૂમી રહેલાં બાળકોમાં હિંમત અને જુસ્સો આવે એવાં સૂત્રો લખેલાં હોર્ડિંગ્સ પણ હાથમાં લીધાં હતાં. તસવીર : આશિષ રાજે
ચાલતી કારમાં ડિવાઇસની મદદથી નંબરપ્લેટ ઢાંકી દેનારો પકડાયો
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર જતી ગાડીએ એક ડિવાઇસનો ઉપયોગ કરીને કારની નંબરપ્લેટ છુપાવી દીધી હતી. આ વિડિયો વાઇરલ થયા બાદ પિંપરી-ચિંચવડની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ કારના માલિકને ૪૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક્સપ્રેસવે પર જઈ રહેલી MH14LN4888 નંબરના રજિસ્ટ્રેશન-નંબરવાળી કારની પાછળની નંબરપ્લેટ અચાનક કાળા કલરથી ઢાંકી દેવાય છે એવો વિડિયો વાઇરલ થયો હતો. પૂછપરછ કરવામાં આવી ત્યારે કારના માલિકે કહ્યું કે તેણે ઈ-ચલાનથી બચવા માટે પંજાબમાં નંબરપ્લેટને કાળી ફિલ્મથી ઢાંકતું ડિવાઇસ લગાવ્યું હતું. આ કારઓનર પર એક લાખ રૂપિયા સુધીના દંડનાં ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં છે.
આ વીક-એન્ડ પર બફારાથી છુટકારો મળશે, શનિ-રવિ બે દિવસ સારા વરસાદની આગાહી
લાંબા વિરામ પછી આ વીક-અેન્ડમાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ફરી સારો વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે મુંબઈ, થાણે, પાલઘરમાં હળવાંથી મધ્યમ ઝાપટાં પડશે જેના માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. આ દિવસોમાં વાવાઝોડાં, વીજળી અને ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અેવી ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં નૉર્થવેસ્ટ અને વેસ્ટ સેન્ટ્રલ બાજુ સર્જાયેલા લો પ્રેશરને પગલે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં કોકણ અને મુંબઈમાં વરસાદી વાદળો ખેંચાઈને આવવાનો વરતારો છે જે વધતી ગરમી અને ઉકળાટ વચ્ચે મુંબઈગરાને થોડી રાહત આપશે. ઑગસ્ટમાં મુંબઈમાં સામાન્ય કરતાં ૬૬ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. હવે સપ્ટેમ્બરમાં વરસાદ સારો રહે એવી આશા છે.
વસઈમાં જન્મદિવસે જ ૧૫ વર્ષના ટીનેજરનું રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ
વસઈ-ઈસ્ટના ઇન્દિરાનગર નવજીવન વિસ્તારમાં રહેતા ૧૫ વર્ષના રોહન દંડવતે નામના ટીનેજરનું તેના જન્મદિવસે જ અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સોમવારે સવારે ૬ વાગ્યે રોહને પરિવારજનોને જણાવ્યા વગર જ પોતાના પિતરાઈ ભાઈની બાઇકની ચાવી લીધી હતી અને ઘરની બહાર નીકળ્યો હતો. ત્યાર બાદ તુંગારેશ્વર નજીક ગુજરાત લેન પર તેની બાઇક અકસ્માતગ્રસ્ત થઈ હતી, જેમાં આશાસ્પદ ટીનેજરનું મૃત્યુ થયું હતું. જે દિવસે તેનો જન્મદિવસ હતો એ જ દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
