યુવતીને હતું કે એક વાર ઘરમાં બાળક આવી જશે પછી વાંધો નહીં આવે
નોરા ફતેહી
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે મારો પતિ મને રોજ મારા શરીર માટે ટોણા મારે છે. તેનું કહેવું છે કે મારે નોરા ફતેહી જેવું ફિગર બનાવવું. એ માટે તે મને ત્રણ-ત્રણ કલાક જિમમાં મોકલે છે જેથી હું પાતળી થાઉં. જો કસરત ન કરું તો ખાવા નથી આપતો. આ ફરિયાદમાં મહિલાએ તેનો બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવાની કોશિશ કરવાનો પણ આરોપ મૂક્યો હતો. મૂળે મુરાદનગરમાં પિયર ધરાવતી આ મહિલાનાં લગ્ન માર્ચ મહિનામાં મેરઠમાં રહેતા ફિઝિકલ એજ્યુકેશન ટીચર સાથે થયાં હતાં. મહિલાએ લગ્ન વખતે મોટું દહેજ પિતા પાસેથી માગ્યું હોવાનો આરોપ પણ મૂક્યો છે. તેનું કહેવું છે કે ‘મારાં લગ્નમાં પિતાએ કાર, ઘરેણાં અને રોકડ રકમ એમ કુલ ૭૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એ પછી પણ સાસરિયાં ટૉર્ચર કરે છે. લગ્નની પહેલી રાતે જ પતિ કોઈ બહાનું બનાવીને રૂમમાંથી બહાર નીકળીને માતા-પિતા સાથે સૂઈ ગયો હતો. એ પછી પણ પતિનો મારા તરફ બહુ સારો રવૈયો નહોતો. હું બહુ સુંદર નથી એટલે પતિને મારા દેખાવ અને કદ-કાઠીથી એટલી નફરત હતી કે તે મને ટોણા મારતો હતો. તેનું કહેવું હતું કે તેને તો નોરા ફતેહી જેવી ખૂબસૂરત છોકરી મળી શકતી હતી, તું રોજ જિમ જા. તે રોજ ૩ કલાક એક્સરસાઇઝ કરવા માટે દબાણ કરતો. જો ઓછી કસરત થાય તો મને ખાવાનું નહોતો આપતો.’
યુવતીને હતું કે એક વાર ઘરમાં બાળક આવી જશે પછી વાંધો નહીં આવે. જોકે મહિલા ગર્ભવતી થઈ એ વાત પતિએ સાસુને કરતાં સાસુએ તેને ગર્ભ પાડી નાખવાની દવા ખવડાવી દીધી હતી. જ્યારે તેની તબિયત બગડી અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી એ પછી ખબર પડી કે તેનો જબરદસ્તી ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.


