બસ્તરને નક્સલમુક્ત જાહેર કર્યા બાદ આત્મસમર્પણ કરનારી કેટલીક પૂર્વ મહિલા નક્સલીઓએ રાયપુરમાં હૅન્ડલૂમ ડેના કાર્યક્રમમાં મૉડલ બની રૅમ્પ વૉક કર્યું. હથિયાર છોડીને સામાન્ય જીવન તરફ આગળ વધતી આ મહિલાઓની કહાની પ્રેરણાદાયી બની.
બંદૂક છોડીને ફૅશનના રૅમ્પ પર ઊતરી નક્સલી મહિલાઓ
છત્તીસગઢના બસ્તરને ૨૦૨૬ની ૩૧ માર્ચે નક્સલમુક્ત જાહેર કરવામાં આવ્યું છે. માત્ર નક્સલીઓ પાસેથી હથિયાર જ છીનવાયાં છે એવું નથી. જેમણે પણ હથિયાર છોડીને આત્મસમર્પણ કર્યું છે તેમને સામાન્ય જનપ્રવાહ સાથે ભેળવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આવા જ મિશન અંતર્ગત તાજેતરમાં રાયપુરમાં નૅશનલ હૅન્ડલૂમ ડે નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં એક દિલ જીતી લે એવી ક્ષણ રચાઈ હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક હૅન્ડલૂમ અને પરંપરાગત ફૅશનનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે જે મહિલાઓ રૅમ્પ પર ઊતરી હતી તે બીજી કોઈ નહીં પણ થોડા સમય પહેલાં હથિયાર લઈને બસ્તરના જંગલોમાં નક્સલવાદી બનીને ઘૂમી રહી હતી. આ મહિલાઓએ હથિયાર છોડીને આત્મસમર્પણ કર્યું હતું. એ પછી તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવીને નૉર્મલ જિંદગી માટે તૈયાર કરવામાં આવી છે. આ મહિલાઓએ જ્યારે મૉડલ બનીને સ્થાનિક સંસ્કૃતિને દર્શાવવા રૅમ્પ પર કદમ માંડ્યાં ત્યારે આ વૉક હિંસાના રસ્તેથી નીકળીને સામાન્ય જીવન તરફ વધવાનું સૌથી મોટું ઉદાહરણ બન્યું હતું.
