વિડિયોમાં એક યુવક શાર્પ બ્લૅક સૂટ અને એક યુવતી દુલ્હનના વાઇટ ગાઉનમાં સજીને એક ટેબલ સાથેની ડોલી પર બેસે છે.
રૂંવાડાં ખડાં કરી દે એવું રોમૅન્ટિક ડાઇનિંગ
દરિયાકિનારે કે પર્વતોની ટોચ પર રોમૅન્ટિક ડિનર કરતાંય ચાર ચાસણી ચડે એવું ઍડ્વેન્ચરસ રોમૅન્સ કરનારા દુનિયામાં પડ્યા છે. રવિવારે સોશ્યલ મીડિયા ‘એક્સ’ પર શૅર થયેલો એક વિડિયો ખરેખર રૂંવાડાં ખડાં ન કરી દે તો જ નવાઈ. વિડિયોમાં એક યુવક શાર્પ બ્લૅક સૂટ અને એક યુવતી દુલ્હનના વાઇટ ગાઉનમાં સજીને એક ટેબલ સાથેની ડોલી પર બેસે છે. એ ડોલી બે ઊંચા પર્વતોની વચ્ચે બાંધેલા રોપવે પર ઝૂલે છે. ડિનર માટેનું ટેબલ અને ચૅર બધું જ દોરડા પર બાંધેલું છે. ધીમે-ધીમે પર્વતની એક સાઇડથી એ ટેબલને પર્વતથી દૂર વચ્ચે ધકેલવામાં આવે છે. બે પર્વતની વચ્ચે યુવક-યુવતીનું રોમૅન્ટિક ડિનર શૂટ થાય છે. આ સાહસ કરનારાં યુવક-યુવતી કોણ છે એ જાહેર નથી થયું, પરંતુ તેમના આ વિડિયાને એક-બે દિવસમાં જ ૮૦ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. કોઈકે કમેન્ટ કરી છે કે ‘આ તો લાસ્ટ સપર છે.’ તો કોઈકે લખ્યું છે, ‘રોમૅન્સને ખરેખર (લિટરલી) નવી ઊંચાઈ પર લઈ ગયાં છે આ તો.’

