મમતા બૅનરજીની પાર્ટીમાં બળવા વચ્ચે સોનિયા-રાહુલ સાથેની મુલાકાતોથી ઊડેલી વાતોને કૉન્ગ્રેસે ફગાવી
મમતા બેનર્જી
તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નો કૉન્ગ્રેસમાં વિલય થવાની અટકળોને કૉન્ગ્રેસે સત્તાવાર રીતે પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી છે. કૉન્ગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલે આ ચર્ચાઓને માત્ર અફવા ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તાજેતરમાં કૉન્ગ્રેસ અને તૃણમૂલના ટોચના નેતાઓ વચ્ચે થયેલી બેઠકો ગઠબંધનની નિયમિત ચર્ચાઓનો જ એક ભાગ હતી.
મંગળવારે તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજીએ સોનિયા ગાંધી સાથે અને બુધવારે TMCના મહાસચિવ અભિષેક બૅનરજીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે દોઢ કલાક લાંબી બેઠક કર્યા બાદ વિલયની અફવા ઊડી હતી. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કૉન્ગ્રેસમાં વ્યાપક બળવો ફાટી નીકળ્યો છે. મમતા બૅનરજી પક્ષ પર પકડ જાળવી રાખવા સંઘર્ષ કરી રહ્યાં છે, કારણ કે બહુમતી વિધાનસભ્યો અને સંસદસભ્યોએ બળવો કરીને અલગ જૂથો બનાવી લીધાં છે. આ આંતરિક સંકટ વચ્ચે અભિષેક બૅનરજીએ વિપક્ષી મોરચામાં રાહુલ ગાંધીના નેતૃત્વનો સંપૂર્ણ સ્વીકાર કર્યાના અહેવાલ છે.
