પરિવાર દલિત હતો અને તેમને ઉચ્ચ લોકો માટેના સ્મશાનમાં અંતિમક્રિયા કરતા રોકવા માટે થઈને કેટલાક દુકાનદારોએ અતિક્રમણ કર્યું હતું
રસ્તા વચ્ચે જ લાશ મૂકી દીધી અને લાકડાં લાવીને ચિતા ગોઠવી દીધી હતી
બિહારના વૈશાલી જિલ્લામાં માનવતાને ઝંઝોળી મૂકે એવી એક ઘટના સામે આવી છે. દલિત પરિવારનાં એક વૃદ્ધાનું મૃત્યુ થતાં તેમની અર્થીને સ્મશાન સુધી લઈ જઈ ન શકાય એ માટે કેટલાક દુકાનદારોએ રસ્તો બ્લૉક કરી દીધો હતો. પરિવાર દલિત હતો અને તેમને ઉચ્ચ લોકો માટેના સ્મશાનમાં અંતિમક્રિયા કરતા રોકવા માટે થઈને કેટલાક દુકાનદારોએ અતિક્રમણ કર્યું હતું. ૯૧ વર્ષનાં ઝપકીદેવીની અર્થીને અધવચ્ચે જ અટકાવી દેવી પડતાં પરિવારજનો ધૂંધવાયા હતા. તેમણે રસ્તા વચ્ચે જ લાશ મૂકી દીધી અને લાકડાં લાવીને ચિતા ગોઠવી દીધી હતી. લાશના અંતિમ સંસ્કાર ભરબજારમાં રોડની વચ્ચે થવાથી વાત પોલીસ સુધી પહોંચી. જિલ્લા-કલેક્ટર વર્ષા સિંહ પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. આજે એકવીસમી સદીમાં પણ સમાજમાં મોત પછી મલાજો જળવાય એ રીતે સ્મશાન સુધી લાશને પહોંચાડી શકાય એવી વ્યવસ્થા નથી થઈ શકી એ તો શરમજનક છે જ, પણ દલિત અને સવર્ણના ભેદ મોત પછી પણ નડે છે એ પણ બહુ મોટો સવાલ છે.


