સાઉથ બૅન્ગલોરની રેસ્ટોરાંએ બોર્ડમાં લખ્યું છે કે આ સ્થળ માત્ર જમવા માટે છે, રિયલ એસ્ટેટ અથવા રાજકારણની વાતો કરવા માટે નહીં
બૅન્ગલોરની રેસ્ટોરાંમાં અનોખો નિયમ
બૅન્ગલોરમાં એક રેસ્ટોરાંએ એમાં આવતા ગ્રાહકો માટે એક અજબ અનુરોધ કર્યો છે અને એવું બોર્ડ માર્યું છે જેનાથી સોશ્યલ મીડિયામાં એની જોરદાર ચર્ચા થવા લાગી છે. સાઉથ બૅન્ગલોરની રેસ્ટોરાંએ બોર્ડમાં લખ્યું છે કે આ સ્થળ માત્ર જમવા માટે છે, રિયલ એસ્ટેટ અથવા રાજકારણની વાતો કરવા માટે નહીં; કૃપા કરીને સમજો અને સહયોગ કરો.
આ બોર્ડનો ફોટોગ્રાફ લઈને કોઈએ એને સોશ્યલ મીડિયામાં મૂક્યા બાદ લોકો એના પર ચર્ચા કરી રહ્યા છે. યુઝર્સ લખી રહ્યા છે કે ઘણા લોકોને સાર્વજનિક સ્થળોની શાલીનતાનો અર્થ ખબર હોતો નથી; ૧૦ લોકો આવે છે અને પાંચ કૉફી ઑર્ડર કરીને શોર મચાવે છે, આવું ન થવું જોઈએ. જોકે બીજા લોકો આ નિયમ સાથે સહમત નથી. આ મુદ્દે એક યુઝરે લખ્યું હતું કે આ અજીબ છે, રેસ્ટોરાંએ એ જોવાની જરૂર નથી કે એના ગ્રાહકો કયા મુદ્દે વાત કરે છે; તેમણે એ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ ખાવાના પૈસા આપી રહ્યા છે કે નહીં.

