કીબોર્ડ ક્લીનિંગ સ્પ્રે સૂંઘતી હોય એવો વિડિયો રેકૉર્ડ કરી પોસ્ટ કરીને મશહૂર થઈ જવાની ખ્વાહિશે લીધો જીવ
૧૯ વર્ષની રેના
અમેરિકાના ઍરિઝોનાની ૧૯ વર્ષની રેના નામની ટીનેજરે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા ડસ્ટિંગ ટ્રેન્ડને ફૉલો કરવામાં જીવ ગુમાવ્યો હતો. આ ટ્રેન્ડમાં લોકો કીબોર્ડ ક્લીનિંગ સ્પ્રે સૂંઘે છે અને એ દરમ્યાન વિડિયો રેકૉર્ડ કરે છે. આ ટ્રેન્ડની નકલ કરતી વખતે રેનાને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હતો. તેના પપ્પાનું કહેવું છે કે ‘તે હંમેશાં કહેતી હતી કે આનાથી હું ફેમસ થઈ જઈશ, પાપા તમે જોતા રહેજો. કમનસીબે એવું ન થયું.’
સ્પ્રે સૂંઘવાથી તેનું હૃદય અચાનક કામ કરતું બંધ થઈ ગયું હતું એટલે તરત જ તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે ત્યાં તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી. ડસ્ટિંગ ટ્રેન્ડને કેટલાક લોકો ક્રોમિંગ ટ્રેન્ડ પણ કહે છે. આ માટે ખાસ સ્પ્રે આવે છે જે સૂંઘવાનું હોય છે. સ્પ્રેમાંનાં કેમિકલ્સ શ્વાસ વાટે ફેફસાંમાં જાય છે ત્યારે એ ધીમે-ધીમે આખા શરીરમાં ફેલાઈ જાય છે અને એ ઑક્સિજનનું સ્થાન લે છે. આ કેમિકલથી શરૂઆતમાં ખૂબ ઉત્સાહ અને ઉન્માદ અનુભવાય છે, પરંતુ એને કારણે શરીરમાં થતા બદલાવો રિવર્સેબલ નથી હોતા.

