ડેમોક્રૅટ્સને ટેકો આપે તો ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી
ઈલૉન મસ્ક, ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક ટીવી-ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ટેસ્લા અને સ્પેસએક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઈલૉન મસ્ક સાથેના તેમના સંબંધો સમાપ્ત થઈ ગયા છે અને તેમને મસ્ક સાથેના તેમના સંબંધો સુધારવાની કોઈ ઇચ્છા નથી. ટ્રમ્પે એવી ચેતવણી પણ આપી હતી કે જો ઈલૉન મસ્ક ટૅક્સ બિલ માટે ડેમોક્રૅટિક ઉમેદવારોને ભંડોળ પૂરું પાડશે તો તેને ખૂબ જ ગંભીર પરિણામો ભોગવવાં પડશે.
NBC ન્યુઝ સાથેના એક ફોન-ઇન્ટરવ્યુમાં ટ્રમ્પને મસ્ક સાથેનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે હું માનું છું કે હા. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમની ફરીથી કનેક્ટ થવાની કોઈ યોજના નથી, તેમનો તેમની સાથે વાત કરવાનો કોઈ ઇરાદો નથી.
ADVERTISEMENT
જોકે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ મસ્કની કંપનીઓ સ્પેસએક્સ અને સ્ટારલિન્ક સૅટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક સાથેના અમેરિકન સરકારના કૉન્ટ્રૅક્ટ રદ કરવાનું હાલમાં વિચારતા નથી.
શું ઈલૉન મસ્કનું બદલાયેલું વર્તન તેમના ડ્રગ્સના સેવનને કારણે છે?
ટ્રમ્પે તેમના સહાયકોને પૂછ્યું...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેમના સહાયકો અને સલાહકારોને પૂછ્યું છે કે શું તેઓ પણ એવું માને છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્લાના માલિક ઈલૉન મસ્કનું વર્તન તેમના કથિત ડ્રગ્સના ઉપયોગ સાથે જોડાયેલું છે? જાહેરમાં ટ્રમ્પ તેમના મસ્ક સાથેના ઝઘડાને પ્રાધાન્ય આપવા માગતા નથી અને તેમણે એમ પણ કહ્યું છે કે હું તેના વિશે વિચાર પણ કરતો નથી. તેમણે મસ્કના કથિત ડ્રગ્સના ઉપયોગ પર જાહેરમાં ટિપ્પણી કરવાનો પણ ઇનકાર કર્યો છે.
અમેરિકાની એક ન્યુઝ-ચૅનલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ ટ્રમ્પે ખાનગી રીતે પ્રશ્ન કર્યો હતો કે શું ઈલૉન મસ્કના હાલના વર્તનને કથિત ડ્રગ્સના ઉપયોગ સાથે જોડી શકાય છે કે નહીં?
જ્યારે મસ્કના ડ્રગ્સના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડોનલ્ડ ટ્રમ્પે અનુમાન લગાવવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે ‘હું તેના ડ્રગ્સના ઉપયોગ પર કમેન્ટ કરવા માગતો નથી. ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ના અહેવાલમાં મસ્ક દ્વારા કેટામાઇન અને અન્ય પદાર્થોના કથિત ઉપયોગની વિગતો મને ખૂબ જ અન્યાયી લાગી હતી.’
આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસ્ક અગાઉ કરતાં વધુ તીવ્રતાથી દવાઓનો ઉપયોગ કરી રહ્યા હતા, જેમાં કેટામાઇનને અન્ય દવાઓ સાથે ભેળવવાનો સમાવેશ થાય છે. મસ્કે આ અગાઉ કહ્યું હતું કે મૂડને નિયંત્રિત કરવા માટે પ્રિસ્ક્રિપ્શન હેઠળ થોડી માત્રામાં હું કેટામાઇનનો ઉપયોગ કરું છું.

