દસથી પંદર ફીટ લાંબા અજગરો એટલા શક્તિશાળી હોય છે કે આખેઆખા માણસને ગળી જાય છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઇન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતમાં વિશ્વના જાયન્ટ અજગરો મોટી સંખ્યામાં છે. આ પ્રાંતમાં તો અનેક લોકો અજગર પોતાના ઘરમાં પણ પાળે છે. જોકે દસથી પંદર ફીટ લાંબા અજગરો એટલા શક્તિશાળી હોય છે કે આખેઆખા માણસને ગળી જાય છે. ગુરુવાર સાંજથી કલેમ્પનાંગ ગામમાં રહેતી ૪૫ વર્ષની ફરીદા નામની મહિલા ગાયબ હતી. ઘરમાં ચાર બાળકો અને પતિ તેની શોધ કરી-કરીને થાક્યાં. આસપાસમાં ક્યાંય ફરીદા જોવા ન મળી એટલે નજીકના જંગલમાં ગામલોકો શોધવા નીકળ્યા. જંગલમાં લગભગ સોળ ફીટ લાંબા એક અજગરનું પેટ જબરજસ્ત ફૂલેલું જોવા મળ્યું એટલે લોકોએ અજગરનું પેટ કાપવાનું નક્કી કર્યું. જેવું એનું પેટ કાપ્યું કે એમાંથી ફરીદાનું માથું જોવા મળ્યું. આખેઆખા માણસને જીવતા ગળી જાય એવા કિસ્સાઓ ઇન્ડોનેશિયામાં હવે અવારનવાર જોવા મળે છે. ગયા વર્ષે એક ખેડૂતને અજગર ગળી ગયેલો અને ૨૦૧૮માં પણ આવી જ ઘટના ઘટેલી.

