મનપ્રીતનું કહેવું છે કે તેના મામાની દીકરી તરફથી દેવરનું માગું આવ્યું એટલે તેણે સાસરિયાંઓને રાજી કર્યાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
પંજાબમાં અમ્રિતસરથી એક દુલ્હો ૪૦-૪૫ જાનૈયાઓ સાથે મોગા ગામ પહોંચ્યો ત્યારે જાનનું સ્વાગત કઈ રીતે થશે એ વિશે જાનૈયાઓમાં ઉત્સાહ હતો, પરંતુ આપેલા સરનામે પહોંચ્યા પછી ખબર પડી કે ત્યાં આવી કોઈ છોકરી રહેતી જ નથી જેની સાથે લગ્ન થવાનાં છે. વાત એમ છે કે દુલ્હાની ભાભી મનપ્રીત કૌરે પોતાના મામાની દીકરી સાથે દિયરનાં લગ્ન ગોઠવ્યાં હતાં. મનપ્રીત કૌરના પરિવારજનો હોવાથી દુલ્હાના પરિવારે તો ન પરિવાર જોયો કે ન ઘર કેવું છે એ જોયું. બસ, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને અમ્રિતસરથી જાન લઈને મોગા પહોંચી ગયા. અત્યાર સુધી લગ્નની તૈયારીઓ વિશેની વાતો દુલ્હન અને દુલ્હનના પરિવાર સાથે થતી રહેતી હતી. દુલ્હન તરફથી જે કંકોતરી છપાઈ હતી એમાં લગ્નનું સ્થળ લોહારા ચોકનું રૉયલ પૅલેસ લખેલું હતું. જાન ત્યાં પહોંચી તો હૉલ બંધ હતો. દુલ્હને તેના ઘરનું સરનામું મોગા ગામ સ્ટેશનની સામેની ગલી-નંબર પાંચ કહેલું. એ ગલીમાં પણ જાનૈયાઓ જઈ આવ્યા તોય કોઈ ન મળ્યું. દુલ્હો અને જાનૈયાઓ આખો દિવસ દુલ્હનની તસવીર લઈને ગામના ખૂણે-ખૂણે ફરી વળ્યા, પણ કોઈએ આ છોકરીને આ પહેલાં ગામમાં જોઈ સુધ્ધાં નહોતી. દુલ્હનના પરિવારના ફોન સ્વિચ્ડ-ઑફ થઈ ચૂક્યા હતા. આખરે તેઓ પોલીસ-સ્ટેશને ફરિયાદ લખાવવા પહોંચ્યા. મનપ્રીતનું કહેવું છે કે તેના મામાની દીકરી તરફથી દેવરનું માગું આવ્યું એટલે તેણે સાસરિયાંઓને રાજી કર્યાં હતાં.
આ પહેલાં પણ ૨૦૨૪ના ડિસેમ્બરમાં મોગામાં આવું જ બન્યું હતું. મૂળ જાલંધર ગામનો દુલ્હો છેક દુબઈથી લગ્ન કરવા માટે મોગા આવ્યો હતો. તેમની સાથે લગ્નના આગલા દિવસ સુધી ફોન પર બધી વાતચીત થતી રહી અને જેવી જાન મોગા મહોંચી કે છોકરીનો ફોન સ્વિચ્ડ-ઑફ થઈ ગયો હતો.

