આજકાલ ૨૪ કલાક યુટ્યુબ પર વિતાવવાનો પ્રયોગ કરનારા લોકોની સંખ્યા વધતી જાય છે.
સ્કિપ બોયસ
આજકાલ ૨૪ કલાક યુટ્યુબ પર વિતાવવાનો પ્રયોગ કરનારા લોકોની સંખ્યા વધતી જાય છે. અમેરિકાના યુટાહમાં રહેતા ૪૯ વર્ષના સ્કિપ બોયસ નામના ભાઈએ આ પ્રયોગ એક વર્ષ માટે શરૂ કર્યો છે. મલતબ કે સ્કિપભાઈ ૩૬૫ દિવસ માટે સતત તેઓ શું કરી રહ્યા છે એનું યુટ્યુબ પર લાઇવ પ્રસારણ કરશે. જોકે આ માટે તેમણે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી નાખી છે. આ રૂમમાં બાથરૂમ છે, રીડિંગ માટે લાઇબ્રેરી છે અને જિમનાં સાધનો છે. સ્કિપનું કહેવું છે કે તે આખું એક વર્ષ એકાંતવાસમાં કાઢવા ઇચ્છે છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે અનહેલ્ધી ખાણીપીણીથી છુટકારો મેળવવાનો અને ખોવાયેલી એકાગ્રતા પાછી મેળવવાનો. જીવનમાં શિસ્ત પાછી આવે અને સ્વાસ્થ્ય સારું થાય એ માટે તે એક્સરસાઇઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. એ માટે તેણે એક વર્ષ માટે ધ્યાન ભટકાવનારાં તમામ બાહ્ય પરિબળોથી જાતને કટઑફ કરવા માટે રૂમમાં પુરાઈ જવાનું નક્કી કર્યું છે. પોતે આ પ્રયોગ કરી રહ્યા છે એ વાતનો ભરોસો અપાવવા માટે તેઓ આખો દિવસ યુટ્યુબ પર લાઇવ રહેશે. લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં સ્કિપે પોતાનાં સંતાનો અને પત્નીને ગુડબાય કહીને રૂમમાં એન્ટ્રી મારી હતી. આ પ્રયોગ શરૂ કર્યા પછી તેને ધીમે-ધીમે એનાં પૉઝિટિવ પરિણામો જોવા મળી રહ્યાં છે. સ્કિપનો દાવો છે કે તેની મેન્ટલ હેલ્થ સારી થઈ છે અને તે પોતાને ખૂબ ઍક્ટિવ રાખી શક્યો છે.


