વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયાની બે દિવસની મુલાકાતે ભારત-મલેશિયા સંબંધોને મોટો વેગ આપ્યો છે.
ગઈ કાલે મલેશિયાના ક્વાલા લમ્પુરમાં ભારતીય સમુદાયની એક ઇવેન્ટમાં ડફલી વગાડતા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયાની મુલાકાતમાં ગઈ કાલનો દિવસ ખાસ અને ભાવનાત્મક હતો. ક્વાલા લમ્પુરમાં તેમણે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવી હતી એટલું જ નહીં, ભારતીય મૂળના લોકો અને ભારતની સ્વતંત્રતા સાથે સંકળાયેલી ઐતિહાસિક યાદોને પણ યાદ કરી હતી.
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે એક પ્રેસ-કૉન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ અર્થપૂર્ણ ચર્ચા કરી. વૈશ્વિક અસ્થિરતાના આ વાતાવરણમાં ભારત અને મલેશિયા વચ્ચે વધતી મિત્રતા બન્ને દેશો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે બન્ને માનીએ છીએ કે આજના પડકારોનો સામનો ફક્ત વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા દ્વારા જ થઈ શકે છે. અમે શાંતિ માટેના દરેક પ્રયાસને સમર્થન આપતા રહીશું. આતંકવાદ પર અમારો સંદેશ સ્પષ્ટ છે : કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નહીં, કોઈ સમાધાન નહીં.’
ADVERTISEMENT
ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું
નરેન્દ્ર મોદીએ ક્વાલા લમ્પુરના પેરદાના પુત્રા બિલ્ડિંગમાં મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને બન્ને દેશોના પ્રધાનો અને પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી હતી. તેમનું ગાર્ડ ઑફ ઑનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડા પ્રધાને માન્યો આભાર
મલેશિયામાં ગાર્ડ ઑફ ઑનર સાથે થયેલા સ્વાગત વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘તમે જે રીતે મારું અને મારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું અને આ થોડા કલાકોમાં પરંપરાગત રિવાજોથી અલગ થઈને મલેશિયાના જીવનને આટલી સુંદર રીતે રજૂ કર્યું એ બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે જે અદ્ભુત રીતે બધું ગોઠવ્યું એ હંમેશાં અમારી યાદોમાં કોતરાયેલું રહેશે. આ માટે હું તમારો હૃદયપૂર્વક અને ખાસ આભાર માનું છું.’
ભારતીયોને સંબોધન
ક્વાલા લમ્પુરમાં ભારતીય સમુદાયના હજારો સભ્યોને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે ભારત-મલેશિયા સંબંધો વિશ્વાસ, સંસ્કૃતિ અને આર્થિક મહત્ત્વાકાંક્ષા દ્વારા સંચાલિત નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. તેમણે ભારતીય ડાયસ્પોરાને જીવંત સેતુ તરીકે વર્ણવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સદીઓ જૂના તામિલ મૂળ, સહિયારી પરંપરાઓ અને સાંસ્કૃતિક સાતત્યની ઉજવણી કરી હતી. તેમણે મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમની પ્રશંસા કરી હતી.
INAના સૈનિક સાથે મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયન નૅશનલ આર્મી (INA)ના અનુભવી સૈનિક જયરાજ રાજા રાવને મળ્યા હતા. આ મુલાકાત બાદ વડા પ્રધાને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક ફોટો શૅર કર્યો હતો અને નેતાજી સુભાષચંદ્ર બોઝના વારસાને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે ‘INAના અનુભવી જયરાજ રાજા રાવને મળવું ખૂબ જ ખાસ રહ્યું. તેમનું જીવન અદમ્ય હિંમત અને બલિદાનનું પ્રતીક છે. તેમના અનુભવો સાંભળવાથી પ્રેરણા મળી. આપણે હંમેશાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને INAના બહાદુર પુરુષો અને મહિલાઓના ઋણી રહીશું, જેમની બહાદુરીએ ભારતનું ભાગ્ય ઘડવામાં મદદ કરી છે.’
ભારતીય મૂળના નેતાઓ પર ગર્વ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના પ્રધાનમંડળ અને સંસદમાં ભારતીય મૂળના નેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ નેતાઓનું ભારત સાથે ઊંડું ભાવનાત્મક જોડાણ સ્પષ્ટપણે દેખાય છે. બીજા દેશમાં જવું, એના લોકોની સેવા કરવી અને આવાં ઉચ્ચ પદો પર પહોંચવું એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે.’
અનવર ઇબ્રાહિમ સાથે ફ્યુચર ડીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન સેરી પરદાના ખાતે મળ્યા હતા. બન્ને નેતાઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા અને બાયોટેક્નૉલૉજી જેવાં ક્ષેત્રોમાં વિકાસ સહયોગની સમીક્ષા કરી હતી. બન્ને દેશો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર અને સંરક્ષણ ટેક્નૉલૉજીમાં સહયોગ વધારવા સંમત થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત અને મલેશિયા દરિયાઈ પાડોશી છે અને એમની મિત્રતા જૂની છે.
હવે UPI મલેશિયામાં
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ ટૂંક સમયમાં મલેશિયામાં કાર્યરત થશે, જેનાથી ચુકવણી સરળ બનશે. સામાજિક સુરક્ષા-કરાર કરવામાં આવવાથી કામદારોને ફાયદો થશે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે મફત ઈ-વીઝા શરૂ થશે.’
UPI મલેશિયામાં આવવાના સમાચારથી વેપારી સમુદાય ઉત્સાહિત છે, કારણ કે એ બન્ને દેશો વચ્ચે વ્યવહારો અને પર્યટનને મોટા પ્રમાણમાં સરળ બનાવશે.
ભારત-મલેશિયા વચ્ચે છ કરાર થયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયાની બે દિવસની મુલાકાતે ભારત-મલેશિયા સંબંધોને મોટો વેગ આપ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે છ મુખ્ય કરારો પર હસ્તાક્ષર કર્યા હતા, જે ભારત અને મલેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને ફરીથી મજબૂત બનાવે છે. બન્ને નેતાઓએ સુરક્ષા, સંરક્ષણ, ગુપ્ત માહિતી શૅરિંગ, સેમિકન્ડક્ટર્સ, AI, ડિજિટલ ટેક્નૉલૉજી, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષામાં સહયોગનો વિસ્તાર કરતી વખતે તામિલ ભાષા અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પ્રત્યેના તેમના સહિયારા પ્રેમ પર ભાર મૂક્યો હતો.
આ સમજૂતીકરારોમાં સામાજિક સુરક્ષા, આરોગ્ય-સંભાળ અને વ્યાવસાયિક શિક્ષણ પરના મુખ્ય દસ્તાવેજો ઉપરાંત ઑડિયો-વિઝ્યુઅલ સહઉત્પાદન, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ, ભ્રષ્ટાચાર સામે લડવા, યુનાઇટેડ નેશન્સ પીસકીપિંગ અને સેમિકન્ડક્ટર સહયોગનો સમાવેશ થાય છે. બન્ને પક્ષો વેપારને વેગ આપવા, સ્થાનિક ચલણના વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક આદાનપ્રદાનને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા હતા, જેનાથી દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળશે.
MOU પર હસ્તાક્ષર
ઑડિયો-વિઝ્યુઅલ સહનિર્માણ
ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સહયોગ
ભ્રષ્ટાચાર સામે લડવામાં સહયોગ
સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષા
સેમિકન્ડક્ટર સહયોગ
ચાર મુખ્ય દસ્તાવેજોનું આદાનપ્રદાન
મલેશિયામાં ભારતીય નાગરિકો માટે સામાજિક સુરક્ષા પર એક મેમોરેન્ડમ
વ્યાવસાયિક તાલીમ અને શિક્ષણ પર સહયોગ
સુરક્ષા-સહયોગ પર નોટ્સનું આદાનપ્રદાન
આરોગ્ય-સંભાળ સહયોગ પર નોટ્સનું આદાનપ્રદાન


