છાતી પર ડિમ્પલભાભીનું ટૅટૂ કોતરાવ્યું અને અખિલેશ યાદવની સભામાં પહોંચીને કહ્યું આવું
યુવાનનો પ્રેમ અને સમર્પણ જોઈને અખિલેશ યાદવ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા
રાજકારણમાં નેતા અને કાર્યકર વચ્ચેના સંબંધનું અનોખું ઉદાહરણ આઝમગઢમાં જોવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના જનસંપર્ક કાર્યક્રમમાં એક ચાહકની દીવાનગીએ સૌકોઈને ચોંકાવી દીધા હતા. ભીડ વચ્ચે એક યુવાને અચાનક પોતાના શર્ટનાં બટન ખોલી નાખ્યાં અને છાતી પર કોતરાવેલું સંસદસભ્ય ડિમ્પલ યાદવનું ટૅટૂ બતાવીને અખિલેશને કહ્યું, ‘ભૈયા, તમે વચન આપ્યું હતું... ભાભીને મળાવો.’ ટૅટૂ બતાવતાં જ યુવાનની આંખો ભરાઈ આવી. તેણે ભાવુક અવાજે કહ્યું, ‘ભૈયા, તમે કહ્યું હતું કે જીત્યા પછી ભાભીને લઈને આવશો અને અમને મળાવશો. આજે એ વચન પૂરું કરો. મારે બસ એક વાર ભાભીને મળવું છે.’
યુવાનનો પ્રેમ અને સમર્પણ જોઈને અખિલેશ યાદવ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે હસતા ચહેરે યુવાનના ખભે હાથ મૂક્યો અને પીઠ થપથપાવીને સાંત્વન આપ્યું હતું. આ આખી ઘટનાનો વિડિયો ત્યાં હાજર કોઈએ મોબાઇલમાં કેદ કરી લીધો, જે હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
ADVERTISEMENT
આ યુવક ડિમ્પલ યાદવને પોતાની સગી ભાભી માને છે અને તેમના પ્રત્યેના આદર અને પ્રેમને કારણે જ તેણે આ ટૅટૂ કરાવ્યું છે. એક વાર ડિમ્પલભાભી રૂબરૂ મળી જાય અને આશીર્વાદ આપે એવી ઇચ્છા તે ધરાવે છે.
