મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના એક ગામમાં આ ટોટકા પછી હવે લોકો માને છે કે બહુ જલદીથી મેઘરાજા તેમના ગામે પણ દસ્તક દેશે.
શબયાત્રા
ઉત્તર ભારતનાં કેટલાંય ગામો જળબંબાકાર થઈને પૂરથી ઝૂઝી રહ્યાં છે ત્યારે મધ્ય પ્રદેશનાં કેટલાંક ગામો પૂરતા વરસાદના અભાવે ટટળી રહ્યાં છે. તેમના ગામે પણ વરસાદની પધરામણી થાય એ માટે ગામલોકોએ જાતજાતના ટોટકા અપનાવવાનું શરૂ કરી દીધું છે. આ ટોટકા મુજબ ગામમાં જીવતા માણસની શબયાત્રા કાઢવામાં આવી હતી. જીવિત માણસને અરથી પર સુવાડીને એની શબયાત્રા ગામમાં ફેરવવામાં આવી. તેની અરથી પાસે બેસીને લોકોએ આંસુ પણ સાર્યાં અને ગામની બહાર જઈને એને દાહસંસ્કાર પણ આપવામાં આવ્યા. અલબત્ત, છેલ્લે જ્યારે દાહ સંસ્કાર આપવાના હતા ત્યારે જીવતા માણસની જગ્યાએ નકલી પૂતળું મૂકી દેવામાં આવ્યું અને અરથી પર સૂતેલા માણસના લાંબા જીવન માટે પ્રાર્થના કરવામાં આવી. ગામલોકોને કહેવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિની અંતિમયાત્રામાં આખા ગામના લોકો ભેગા થઈને પ્રાર્થના કરશે તો પાક સૂકવી નાખે એવી ગરમી ઘટશે અને વરસાદ આવશે. મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના એક ગામમાં આ ટોટકા પછી હવે લોકો માને છે કે બહુ જલદીથી મેઘરાજા તેમના ગામે પણ દસ્તક દેશે.


