સોશ્યલ મીડિયા પર ઝોમાટોએ મૂકેલી પોસ્ટને ૭ લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા
ઝોમાટોએ ગ્રાહકોને બપોરના સમયે ફૂડ ઑર્ડર ન કરવા વિનંતી કરી
ભારતમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે અને બને ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીનો પારો વધી જતાં ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોએ પોતાના ગ્રાહકોને વિનંતી કરી છે કે જો અનિવાર્ય હોય તો જ બપોરના કલાકો દરમ્યાન ફૂડ ઑર્ડર કરજો. આવું ઝોમાટોએ એટલા માટે કહ્યું હતું જેથી ડિલિવરી-બૉયે ભરબપોરે ઑર્ડર પહોંચાડવા બહાર નીકળવું ન પડે. સોશ્યલ મીડિયા પર ઝોમાટોએ મૂકેલી પોસ્ટને ૭ લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. આ વાઇરલ પોસ્ટ પર લોકોએ હકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની કમેન્ટ કરી હતી.
એક વ્યક્તિએ લખ્યું હતું કે ‘ભાઈ તમે ફૂડ સર્વિસ બિઝનેસમાં છો અને લોકો ત્યારે જ ફૂડ ઑર્ડર કરતા હોય છે જ્યારે જરૂરી હોય. જો તમને ખરેખર કર્મચારીઓની ચિંતા હોય તો તમારે એવું લખવું જોઈએ કે બપોરના સમયે અમારી સર્વિસ ઉપલબ્ધ નહીં હોય.’ અન્ય એક વ્યક્તિએ કહ્યું કે ‘બપોરે ૧૨થી ૪ વાગ્યા દરમ્યાન સર્વિસ બંધ કરી દેવી જોઈએ. ક્યારેક તો પ્રૉફિટ પહેલાં માણસનું વિચારો.’ અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે ‘મેં આ જ કારણસર બપોરે મૅગી બનાવીને ખાઈ લીધી હતી.’

