તેજતર્રાર વાક્ચાતુર્ય, કોઈની પણ સાડાબારી ન રાખે એવો સ્વભાવ અને સોશ્યલ મીડિયા સ્ટાર નેહા બોરા સાથે વાત કરો ત્યારે પણ તેનો લીડરશિપનો સ્વભાવ સતત ઝળક્યા કરે
જેન-ઝી
ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના શાસન સામે છેલ્લાં થોડાં વર્ષોમાં ઊભા થયેલા સૌથી ગંભીર જનપડકારનો પ્રમુખ ચહેરો.
૧૧ ઑક્ટોબરે ઇન્ટરનૅશનલ ન્યુઝ-એજન્સી રૉઇટર્સ આ હેડલાઇન સાથે ન્યુઝ ફૉર્વર્ડ કરે છે. ન્યુઝમાં આગળ લખ્યું છે કે સામાન્ય વાતચીતમાં અત્યંત શાંત લાગતી નેહા બોરા માઇક્રોફોન સામે આવતાં જ આક્રમક અને તેજ બની જાય છે. હવે વાત કરીએ BBCની. ‘નરેન્દ્ર મોદી સામે લડત આપતી ૨૯ વર્ષની લડાયક જેન-ઝી પ્રદર્શનકારી એટલે નેહા બોરા’. BBCએ આ હેડલાઇનવાળા પોતાના રિપોર્ટ સાથે મોકલેલા ફોટોમાં રસ્તા પર ઢસડાતી કે પોલીસ-વૅનમાં બેસતી વખતે નેહા બોરાના ફેસ પર રહેલું સ્માઇલ સ્પષ્ટ દેખાય છે. ‘ધ ગાર્ડિયન’ પણ આ જ કહે છે અને આ બ્રિટિશ ન્યુઝપેપર લખે છે, ‘નેહા, નાઓ ધ રિયલ જેન-ઝી રાઇઝિંગ.’
ADVERTISEMENT
બૅરિકેડ પર ચડી ગયેલી નેહાના કમરે રાખેલા હાથ સાથેના ટશનવાળા લુકના ફોટો સાથે જર્મનીનું ‘ડૉઇચે વેલે’ જુદી વાત કરે છે. જર્મન મીડિયા નેહા પર આરોપ મૂકતાં કહે છે કે સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટને સાંપ્રદાયિક રંગ આપીને નેહા બોરા ઇન્ડિયામાં અરાજકતા ફેલાવવામાં નિમિત્ત બની રહી છે. જોકે કહેવું રહ્યું કે ‘ડૉઇચે વેલે’એ નેહાની નોંધ લેવી પડી તો એ પણ કહેવું પડે કે ‘ધી ઇન્ડિપેન્ડન્ટ’ ન્યુઝપેપર નેહાના જ ક્વોટને હેડલાઇન બનાવીને લખે છે, ‘જેમ ભય ચેપી હોય છે એમ આશા પણ ચેપી હોય છે.’
નેહા બોરા.
સોશ્યલ મીડિયાથી લઈને પ્રિન્ટ મીડિયા, દેશનાં ન્યુઝપેપરોથી લઈને વિદેશી ન્યુઝપેપરોમાં સ્પેસ મેળવતી જતી ૨૯ વર્ષની આ છોકરીને હજી જૂન પહેલાં તો કોઈ ઓળખતું પણ નહોતું. કૉક્રૉચ જનતા પાર્ટીએ પેપર-લીક સામે આંદોલન કર્યું અને એ આંદોલનમાં સોનમ વાંગચુક સાથે નેહા બોરા પણ જંતર મંતર પર અનશન બેઠી અને નેહાનું નામ ધીમે-ધીમે ગુંજવાનું શરૂ થયું. જોકે નેહાનું નામ ચર્ચામાં એ દિવસે આવ્યું જે દિવસે મંચ પર આવીને શબાના આઝમી તેની પાસે બેઠાં, તેના માથા પર કિસ કરી અને નેહાને વહાલ કર્યું. એ વહાલમાં શું તાકાત હતી કે એ દિવસ અને આજની ઘડી, નેહા ક્યાંય અટકી નથી. દેશની સરકાર સામે વણથંભી આગળ વધતી જતી, ડિટેન્શન પર ડિટેન્શન સહન કરતી જતી અને એ પછીયે સહેજ પણ ડર વિના પોતાનું કામ કરતી જતી આ નેહા બોરાને નજીકથી જાણવા જેવી છે.
વાત શરૂઆતની...
મૂળ ઉત્તરાખંડના ખટીમા ગામની વતની નેહા પોતાના અડગપણા માટે ‘મિડ-ડેને કહે છે, ‘પહાડી ક્યારેય સરળતાથી ઝૂકે નહીં. બસ, હું પણ કદાચ એવી જ છું, ઝૂકતી નથી.’
નેહાનો ઉછેર લશ્કરી વાતાવરણમાં થયો હતો. તેના પપ્પા ભારતીય સેનામાં ઑફિસર હતા, જેને લીધે પપ્પાની દરેક ટ્રાન્સફર સાથે નેહાનું બાળપણ પણ દેશનાં અલગ-અલગ શહેરોમાં થતું રહ્યું. ટેન્થમાં આવી ત્યારે નેહાના પપ્પાની ટ્રાન્સફર પશ્ચિમ બંગાળમાં થઈ. ત્યાં ટ્વેલ્થ સુધી નેહાએ એજ્યુકેશન લીધું. આ એ દિવસો જેણે નેહાની આજની વિચારધારાનું ઘડતર કર્યું. કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) એટલે કે CPI (ML)ના ચારુ મજુમદાર, ચિલીના ક્રાન્તિકારી કવિ પાબ્લો નેરુદા અને અરુંધતી રૉયના સાહિત્યે તેની વિચારસરણીનો પાયો ઘડ્યો અને એ પછી નેહા દિલ્હી આવી. દિલ્હી યુનિવર્સિટીની મિરાંડા હાઉસ કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા પછી તેણે ડૉ. બી. આર. આંબેડકર યુનિવર્સિટીમાંથી પર્ફોર્મન્સ સ્ટડીઝમાં માસ્ટર્સ કર્યું અને હવે તે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ આર્ટ્સ ઍન્ડ ઍસ્થેટિક્સમાંથી થિયેટર ઍન્ડ પર્ફોર્મન્સ સ્ટડીઝમાં PhD કરે છે.
હા, થિયેટર અને ઍક્ટિંગ નેહાનો પહેલો શોખ છે અને એ શોખને લીધે જ તેની સ્પીચ, તેના હાવભાવ અને તેના વ્યવહારમાં નાટ્યાત્મકતા સ્પષ્ટ દેખાતી હોય છે. નેહા કહે છે, ‘જ્યારે આંખમાં આંખ નાખીને વાત કરો ત્યારે તમારા શબ્દો, તમારા વિચારો સામેની વ્યક્તિને ધારની જેમ વાગે. આ વાત હું પર્ફોર્મિંગ આર્ટ્સ અને સ્ટેજ પર શીખી છું.’
નેહાનો મૂળ શોખ રંગમંચ. દિલ્હીના જાણીતા સ્ટ્રીટ થિયેટર ગ્રુપ સંગવારી સાથે જોડાઈને તેણે લાંબા સમય સુધી લોકોના પ્રશ્નો દર્શાવતાં શેરીનાટકો કર્યાં તો અમુક કમર્શિયલ નાટકો પણ કર્યાં. નેહા કહે છે, ‘રંગમંચ તમને એવાં પાત્રો જીવતાં શીખવે છે જેમની સાથે વાસ્તવિક જીવનમાં તમે કદાચ સંમત ન હો, પરંતુ એનાથી એ સમજાય છે કે સામેવાળી વ્યક્તિ કયા સામાજિક અને રાજકીય બૅકગ્રાઉન્ડમાંથી આવે છે.’
આ સંવેદનશીલતા જ નેહાને સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ તરફ લઈ ગઈ. આપણે ભલે નેહાને છેલ્લા ચાર-છ મહિનાથી ઓળખતા થયા હોઈએ, હકીકતમાં નેહા રસ્તા પર તો ૨૦૧૯-’૨૦ના વર્ષથી જ ઊતરીને આંદોલન કરવા માંડી હતી. આ એ તબક્કાની વાત છે જ્યારે દેશમાં સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) સામે સ્ટુડન્ટ્સ આંદોલન શરૂ થયું. એ વખતે નેહા પહેલી વાર ક્લાસરૂમ છોડીને રસ્તા પર ઊતરી અને તેણે સ્ટુડન્ટ્સનું નેતૃત્વ સંભાળ્યું.
આ તેના જીવનનો સૌથી મહત્ત્વનો ટર્નિંગ પૉઇન્ટ.
પપ્પા સાથે છે અબોલા
નેહા બોરાના જીવનનું સૌથી મોટું ખેંચાણ તેનો પરિવાર છે અને એ પછી પણ નેહાને છેલ્લા એક દશકથી તેના પપ્પા સાથે બોલવાનો વ્યવહાર નથી. તેના પપ્પા સેનાના નિવૃત્ત અધિકારી છે અને તેનો આખો પરિવાર ભારતીય જનતા પાર્ટી તથા નરેન્દ્ર મોદીનો પ્રખર સમર્થક છે. આ મુદ્દે નેહાને વારંવાર ઘરમાં દલીલો થતી, ઝઘડા થતા.
એક તરફ સેનાની શિસ્ત, જ્યાં સત્તા અને સિસ્ટમ સામે સવાલ ઉઠાવવા પર મનાઈ હોય અને બીજી તરફ સત્તા સામે રસ્તા પર ઊતરીને બગાવત કરતી દીકરી. નેહાના પપ્પાનું માનવું છે કે નેહા જેને અધિકારોની લડાઈ ગણે છે એ હકીકતમાં ખોટો રસ્તો છે. આ વિચારભેદ એટલો ગંભીર બન્યો કે બાપ-દીકરી વચ્ચે વાતચીતનો વ્યવહાર તૂટી ગયો. મમ્મી પણ મૂક રહી. હા, અનશન વખતે અને પોલીસ-કાર્યવાહી દરમ્યાન તેની મમ્મીએ દિલ્હી આવીને નેહાના સંઘર્ષને ટેકો આપ્યો હતો એ પણ એટલું જ સાચું છે. નેહા કહે છે, ‘હું વિચારોને માન આપું છું. તમને એક વ્યક્તિ સારી લાગે છે, મને એ જ વ્યક્તિ ખોટી લાગે છે તો તમને તમારી વાત કહેવાનો હક હોય અને મને મારી વાત કહેવાનો હક હોય. આ જે ભેદ છે એમાં મારે શું કામ તમારી વાતમાં ઇચ્છા ન હોય તો પણ
સહમત થવાનું?’
નેહા મૂળભૂત રીતે લેફ્ટી એટલે કે ડાબેરી વિચારધારા ધરાવે છે. તે સ્વીકારે છે કે કામ કરે એનાથી જ ભૂલ થાય, પણ સાથોસાથ એ પણ કહે છે ભૂલ મર્યાદામાં થવી જોઈએ. આ સરકારે અગણિત ભૂલો કરી છે અને એટલે જ તે ક્લિયર-કટ બહાર આવી છે. CPI-ML (લિબરેશન) દ્વારા પ્રેરિત વિદ્યાર્થી સંગઠન ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન એટલે કે AISA સાથે છેલ્લા એક દસકથી જોડાયેલી છે અને અત્યારે તે નૅશનલ ચૅરપર્સન છે. નેહા કહે છે, ‘કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં લીડરે બહાર આવવું જોઈએ અને એટલે જ હું સૌથી પહેલી બહાર આવું છું. પોલીસના દંડા પણ હું જ પહેલાં ખાઉં છું અને પછી મારા સ્ટુડન્ટ્સ સાથીઓ પર એ આવે છે.’
ભગત સિંહ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને પોતાના આંદોલનનો આધાર માનતી નેહા કહે છે કે દેશમાં સામાજિક કે રાજકીય ક્રાન્તિ લાવવાનું કામ ક્યારેય સંસદમાં બેઠેલા લોકો કરી ન શકે, ક્રાન્તિ રસ્તા પર ઊતરતી જનતાના અવાજથી જ આવે. નેહા પોતાના સાથીઓને મળે ત્યારે એકબીજાને ‘લાલ સલામ’ કહે છે. કોઈ તેને નક્સલવાદી કહે તો પણ નેહાને ફરક નથી પડતો. નેહા કહે છે, ‘એ તેની વિચારધારા છે. જો કોઈના વિચારોને મહત્ત્વ આપવા માંડું તો પછી હું મારી વાત ક્યારે મૂકીશ?’
નેહા પોતાની ફૅમિલી વિશે, મમ્મી-પપ્પા વિશે વાત કરવા રાજી નથી. તેને ખાતરી છે કે જો પોતે જાહેરમાં તેમના વિશે વાત કરશે તો તેમને હેરાન કરવાના રસ્તા વિરોધીઓ વિચારશે. નેહા કહે છે, ‘તેઓ કોઈ મારી સાથે જોડાયેલા નથી. હા, બાયોલૉજિકલ પેરન્ટ્સ છે એટલે મને તેમના માટે રિસ્પેક્ટ છે; પણ હું તેમની સાથે મારા મનની વાત, મારા વિચારોની વાત નથી કરતી અને એને લીધે જ અમારાં રિલેશન થોડાંઘણાં ટકી રહ્યાં છે.’
નેહા આજે પૉલિટિકલ સ્ટાર ગણાય છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે માર્ચમાં સૌથી આગળ ચાલે છે અને સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સમાં દેખાવા માંડી છે. આ જ કારણે BJP તેને વિપક્ષના આંદોલનની પોસ્ટરગર્લ તરીકે ગણાવે છે. અલબત્ત, નેહાને એનાથી કોઈ ફરક નથી પડતો. નેહા કહે છે, ‘એ તેમના વિચારો છે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. હા, એક વાત સાચી છે કે હું મારી વાતમાં ક્લિયર છું. અત્યારે દેશમાં અરાજકતા છે અને એને દૂર કરવા માટે હું જે કંઈ કરવું પડે એ કરીશ. મારી એક જ વાત છે કે બાબાસાહેબ આંબેડકરે લખેલા સંવિધાનની રક્ષા થવી જોઈએ.’
પોતાના ભવિષ્ય અને ચૂંટણી લડવા વિશે નેહા બોરાની વાત સ્પષ્ટ છે. નેહા કહે છે, ‘મારા માટે પૉલિટિક્સનો અર્થ માત્ર ઇલેક્શન લડવું એટલો નથી. ત્યાંથી તો કામની શરૂઆત થાય છે. જો મારા સાથીઓને લાગશે કે અમારી આ લડતને સંસદીય સ્ટેજ દ્વારા આગળ વધારવી જરૂરી છે અને તો જ એ આગળ વધશે અને ન્યાય મળશે તો જ હું ઇલેક્શનના પૉલિટિક્સમાં પ્રવેશ કરીશ. બાકી રસ્તા પરનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે.’
નેહાની સૌથી મોટી જો કોઈ ખાસિયત હોય તો એક જ છે કે તે કોઈનાથી ડરતી નથી અને કોઈનાથી પણ ન ડરતી વ્યક્તિથી સૌકોઈએ ડરવું જોઈએ એવું તો ચાણક્ય પણ કહી ગયા છે.
સરકાર સામે વિરોધ કઈ વાતનો?
નેહાનો આરોપ છે કે ઇલેક્શન કમિશન અને નૅશનલ ટેસ્ટિંગ એજન્સી જેવી સંસ્થાઓ નિષ્પક્ષ હોવી જોઈએ, પણ એ અત્યારની સરકારના હિતમાં કામ કરે છે જે ડેમોક્રસી માટે નુકસાનકર્તા છે.
નેહાનું માનવું છે કે બેરોજગારી, પેપર-લીક અને આર્થિક અસમાનતા જેવા મૂળભૂત પ્રશ્નો પરથી યુવાનોનું ધ્યાન હટાવવા માટે હિન્દુ-મુસ્લિમનું નૅરેટિવ ઊભું કરવામાં આવ્યું છે. આ નૅરેટિવે દેશને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. નેહા આ બાબત માટે BJP અને સંઘને સરખા જવાબદાર માને છે.
નેહાનો આક્ષેપ છે કે શાંતિપૂર્ણ વિરોધ કરવાના બંધારણીય અધિકાર દેશના તમામ નાગરિકોને છે, જ્યારે સરકારે એ અધિકારો છીનવી લીધા છે.
સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદમાં નેહાનું કહેવું છે કે કરોડો ગરીબ અને વંચિત નાગરિકોનાં નામ મતદારયાદીમાંથી જાણીજોઈને હટાવીને લોકશાહીને નબળી પાડવામાં આવી છે અને સરકારે પોતાનું શાસન ગોઠવ્યું છે. એના માટે નેહાની માગણી છે કે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે અને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન રદ કરવામાં આવે.
વિરોધનો વિરોધ
એવું નથી કે નેહા પાછળ દેશભરના લોકો પાગલ થયા છે. અઢળક લોકો એવા છે જેમણે નેહાના વિરોધનો પણ વિરોધ કર્યો છે. જંતર મંતર પર ૨૩ દિવસની ભૂખહડતાળ દરમ્યાન ૮ કિલો વજન ગુમાવનારી નેહા ઝારખંડમાં ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) પરીક્ષામાં ગેરરીતિ સામેના પ્રદર્શનમાં ગઈ ત્યારે ત્યાં એક વ્યક્તિએ તેના મોં પર શાહી ફેંકી હતી. નેહાએ આ ઘટના પછી પણ વિરોધ ચાલુ રાખીને એ જ અવસ્થામાં પ્રેસ-કૉન્ફરન્સ પણ કરી હતી. નેહાના વિરોધ એકધારા ચાલુ જ રહ્યા છે. છેલ્લા બે મહિનામાં તે જેટલી પણ જગ્યાએ સ્પીચ આપવા માટે ગઈ છે ત્યાં તેનો વિરોધ થયો છે. અમુક જગ્યાએ તો લોકોએ રીતસર તેને ધક્કે ચડાવી છે, પણ નેહા કોઈ
પણ જાતનો ડર રાખ્યા વિના પોતાના કામ માટે આગળ વધતી રહી છે.
હમણાં બંગલાદેશના સોશ્યલિસ્ટ સ્ટુડન્ટ્સ ફ્રન્ટને મોકલેલા વિડિયો-સંદેશમાં નેહાએ કહ્યું કે ભારતમાં ચાલી રહેલું આંદોલન બંગલાદેશના જેન-ઝી આંદોલનથી પ્રેરિત છે. આ નિવેદન પછી BJPએ આરોપ લગાવ્યો છે કે ડાબેરી સંગઠનો ભારતમાં બંગલાદેશની જેમ અરાજકતા ફેલાવીને સત્તાપલટો કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે.
આ વિરોધ સાથે હવે BJP અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ રસ્તા પર ઊતરવાની તૈયારી કરે એવી સંભાવના ઊભી થઈ છે.
જેટલી ગાળો એટલો જ પ્રેમ પણ મળ્યો
નેહાને સોશ્યલ મીડિયા પર ગાળો ભાંડનારાઓ પણ છે અને નેહાની હિંમતની સરાહના કરનારાઓ પણ અઢળક છે. નેહાને સોશ્યલ મીડિયામાં ‘ઍન્ટિ-નૅશનલ’ કહેનારા લોકો પણ છે અને બીજી તરફ સામા પ્રવાહે લડવાની તેની નીડરતા અને બેબાકપણાને જોઈને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે દીકરી હોય તો આવી. નેહા પર સોશ્યલ મીડિયા પર શાયરી પણ લખાય છે અને ગીતો પણ લખાયાં છે. એમાંથી અમુક ગીતો ખરેખર માણવા જેવાં છે...
એક લડકી કો દેખા તો ઐસા લગા....
જૈસે ઝિદ્દી પહાડ, જૈસે શેર કી દહાડ
જૈસે સૂરજ કી આગ, જૈસે જીત કા હો રાગ
જૈસે તપતી સી ધૂપ, જૈસે દુર્ગા કા રૂપ
જૈસે આંખો મેં ઉતરી હોં સૌ આંધિયાં...
આ સિવાય એક ગીતમાં નેહાને શહીદ ભગત સિંહ સાથે સરખાવવામાં આવી છે અને લખવામાં આવ્યું છે...
ઝરૂરી નહીં કિ ભગત સિંહ હર બાર લડકા હી હો,
કભી ઇન્કલાબ કા ચેહરા બનકે યે લડકી ભી આતી હૈ.
પહાડોં સે નિકલી, દિલ્હી મેં ગરજી,
સત્તા કી આંખોં મેં આંખેં ડાલકર બોલી.
પેપર-લીક પે ચુપ્પી સાધી જબ વઝીરોં ને,
ભૂખહડતાલ કી આગ મેં અપની કાયા હોમી.
રંગમંચ સે સીખા જિસને દિલ કા દર્દ સુનના,
વો નેહા આજ સડકોં પે તારીખ લિખ જાતી હૈ.
નેહાની અટકાયત કરવામાં આવી ત્યારે કોઈએ સોશ્યલ મીડિયા પર ગીત લખ્યું...
હિરાસત મેં હૈ જિસ્મ મગર, આંદોલન અબ ભી આઝાદ હૈ,
મુસ્કુરાહટ સે ડર ગઈ વર્દી, યે કૈસા ઇન્સાફ હૈ?
કનૉટ પ્લેસ કી સડકોં પે જો આંધી બનકર દૌડી થી,
તખ્ત હિલા દે સત્તા કા, વો લડકી નહીં ફૌલાદ હૈ!
વાતમાં આટલી અસરકારકતા શું કામ?
નેહા બોરાની સ્પીચ તમે સાંભળો તો ચોક્કસપણે તમને એવું જ લાગે કે તેણે ક્યાંક આની ટ્રેઇનિંગ લીધી છે. જોકે નેહા આ વાત સાંભળીને હસી પડે છે. નેહા કહે છે, ‘ના, એવું કશું નથી. આ જે કંઈ છે એ કાં તો મારા રીડિંગને આભારી છે અને કાં તો થૅન્ક્સ ટુ થિયેટર. થિયેટરમાં એવું કહેવાય છે કે તમારી પાસે વિચારવાનો પણ સમય નથી હોતો. સ્ટ્રીટ-પ્લે અને થિયેટરની અનઑફિશ્યલ ટ્રેઇનિંગના આધારે મેં શીખ્યું છે કે જો તમે મનની વાત કરો, દિલની વાત કરો અને એ પણ આંખમાં આંખ પરોવીને કહો તો એની અસર થાય જ થાય. હા, તમારે તમારાં એક્સપ્રેશન અને આઇ-કૉન્ટૅક્ટ તોડવાનાં નહીં. હું એ ઇન્ટેન્શ્ન્લી નથી કરતી. બસ, મારા મનની વાત કહેતી હોઉં છું એટલે એ થઈ જાય છે અને લોકો સુધી એ પહોંચે છે.’
નેહાની વાત સાચી છે. તમે નેહાને રૂબરૂ સાંભળશો કે પછી તેના વિડિયો જોશો તો તમને એમાં સીધો પ્રહાર દેખાશે. એક એવો પ્રહાર જે દિલ-દિમાગ પર ઘા કર્યા વિના રહે નહીં.
