Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વન પીસ : ઍનિમેટેડ કાર્ટૂનમાંથી આંદોલનોનું ઇન્ટરનૅશનલ સિમ્બૉલ

વન પીસ : ઍનિમેટેડ કાર્ટૂનમાંથી આંદોલનોનું ઇન્ટરનૅશનલ સિમ્બૉલ

Published : 18 October, 2026 12:28 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી જનરેશન જ્યારે પણ રણમાં ઊતરી છે ત્યારે એ એની પોતાની ભાષા અને પોતાનું વર્તન લાવી છે.

ખોપડીનું આ સિમ્બૉલ જૉલી રૉજર તરીકે ઓળખાય છે.

ખોપડીનું આ સિમ્બૉલ જૉલી રૉજર તરીકે ઓળખાય છે.


નવી જનરેશન જ્યારે પણ રણમાં ઊતરી છે ત્યારે એ એની પોતાની ભાષા અને પોતાનું વર્તન લાવી છે. ઘાસની ટોપીવાળી ખોપરી, કાળા ઝંડા અને લાલ ટી-શર્ટ આજની જેન-ઝીની બોલી છે અને આ બોલી દ્વારા તે કહેવા માગે છે કે અમારે રાજા નથી બનવું, પણ અમે કોઈના ગુલામ બનીને પણ રહેવાના નથી

દિલ્હીમાં જંતર મંતર પર તાજેતરમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને રાજકીય કાર્યકરોનું વિશાળ વિરોધ-પ્રદર્શન યોજાયું હતું. ઇલેક્શન કમિશને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR દરમ્યાન લાખો મતદારોનાં નામ ગાયબ કર્યાના આક્ષેપ સાથે ચીફ ઇલેક્શન કમિશનરને પદ પરથી હટાવવાની માગણી સાથે વાતાવરણમાં ભારોભાર ગરમી આવી ગઈ એવા સમયે દિલ્હીના રસ્તા પર કૅમેરાના લેન્સ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશનની ચૅરપર્સન નેહા બોરાના ટી-શર્ટ પર અટકી ગયા.



સામાન્ય રીતે પૉલિટિકલ પ્રોટેસ્ટમાં લાલ ઝંડા, ભગત સિંહ, ડૉ. બાબાસાહેબ આંબેડકર કે મહાત્મા ગાંધીના ફોટો અને બંધારણની નકલો જોવા મળતી હોય છે; પરંતુ એ દિવસે નેહા બોરાના લાલ ટી-શર્ટ પર અણધાર્યું હતું. એ ટી-શર્ટ પર પીળા રંગની ઘાસની સ્ટ્રૉ હૅટ તરીકે ઓળખાતી હૅટ પહેરેલી એક કાર્ટૂનિશ ખોપરી અને ક્રૉસ થયેલાં બે હાડકાં દોરેલાં હતાં, જેની સાથે મોટા અક્ષરે લખ્યું હતું - ONE PIECE.


જેઓ આ સિમ્બૉલથી અજાણ હતા તેમને લાગ્યું કે નેહાએ કૅઝ્યુઅલ ફૅશન ટી-શર્ટ પહેર્યું છે; પણ વર્લ્ડ પૉલિટિક્સ, પ્રોટેસ્ટ અને ઇન્ટરનેટ જનરેશનની નાડી પારખનારા લોકો માટે આ નૉર્મલ ટી-શર્ટ નહોતું. આ એ સિમ્બૉલ હતું જેણે ગયા વર્ષે બંગલા દેશમાં શેખ હસીનાનું શાસન ઉથલાવતા સ્ટુડન્ટ્સમાં, નેપાલમાં અભિવ્યક્તિની આઝાદી માગતા યંગસ્ટર્સમાં, ફિલિપીન્સમાં ભ્રષ્ટાચાર સામે ઊકળતા લોકોમાં અને ફ્રાન્સની સડકો પર આર્થિક કાપ સામે લડતા પ્રદર્શનકારીઓમાં સનસનાટી મચાવી હતી. હા, આ એ સિમ્બૉલ હતું જે એક કાલ્પનિક જૅપનીઝ વાર્તાના કાર્ટૂનમાંથી આજે દુનિયાભરમાં સરકારો સામે લડતા જેન-ઝીનો ઇન્ટરનૅશનલ ક્રાન્તિ-ધ્વજ બની ગયું.

ચાંચિયાઓ અને જૉલી રૉજર


ખોપરી અને ક્રૉસ થયેલાં હાડકાંનો ઇતિહાસ છેક સત્તરમી અને અઢારમી સદીના દરિયાઈ સંઘર્ષો સાથે જોડાયેલો છે. કૅરિબિયન અને યુરોપિયન સમુદ્રમાં જ્યારે ચાંચિયાઓ પોતાના જહાજ પર કાળો ધ્વજ ફરકાવતા ત્યારે એ ધ્વજને પરંપરાગત રીતે જૉલી રૉજર કહેવામાં આવતો.

આ નામ પાછળ ફ્રેન્ચ ચાંચિયાઓનો ઐતિહાસિક ફાળો રહ્યો છે. ફ્રેન્ચ ભાષામાં લાલ રંગના ધ્વજ માટે વપરાતો શબ્દ હતો જૉલી રોગ, જેનો અર્થ થાય સુંદર ઘેરું લાલ. એનો અર્થ એવો થતો કે જો દુશ્મન શરણે નહીં આવે તો દયા વિના લોહીની નદીઓ વહેવડાવાશે. કાળક્રમે આ ફ્રેન્ચ શબ્દનો ઉચ્ચાર બદલીને જૉલી રૉજર બની ગયો.

ઇતિહાસમાં આ ચાંચિયાઓ કોઈ સામ્રાજ્ય કે રાજાના નિયમો માનતા નહીં. તેમના માટે આ ધ્વજ બે વાતોની ખુલ્લી જાહેરાત હતી. એક, તેમને રાજાની કે સત્તાની કોઈ સજા કે મોતની પરવા નથી. બીજું, તેઓ કોઈ શાહી કાયદાના ગુલામ બન્યા વગર પોતાની સંપૂર્ણ સ્વાયત્તતા અને મરજી મુજબનું જીવન જીવશે. સદીઓ પછી જપાનના ઇઇચિરો ઓડા નામના આર્ટિસ્ટે આ જ ઐતિહાસિક ફ્રેન્ચ ચાંચિયાઓનું પ્રતીક ઉઠાવ્યું, એના પર ઘાસની એક ટોપી મૂકી અને એ સિમ્બૉલ એકવીસમી સદીનું સૌથી શક્તિશાળી પ્રોટેસ્ટ-સિમ્બૉલ બની ગયું.

કોણ છે આ ઇઇચિરો ઓડા?

જેન-ઝી જે સિમ્બૉલ પાછળ ગાંડા થયા છે એ સિમ્બૉલ અને એની આખી વાર્તાના સર્જક છે જપાનના ખ્યાતનામ મંગા આર્ટિસ્ટ ઇઇચિરો ઓડા. મંગા એટલે કૉ‌મિક્સ ઇલેસ્ટ્રેટર ૧૯૭૫ની પહેલી જાન્યુઆરીએ જપાનના કુમામોટોમાં જન્મેલા ઇઇચિરો ઓડાને નાનપણથી ઍનિમેશન, વાઇકિંગ્સ અને દરિયાઈ ચાંચિયાઓની વાર્તાઓનું ગાંડપણ હતું. માત્ર ૪ વર્ષની ઉંમરે તેણે નક્કી કરી લીધું હતું કે નોકરી કરવાને બદલે તે મંગા આર્ટિસ્ટ બનશે અને અલગ-અલગ કૅરૅક્ટર બનાવશે. તમને જાણીને નવાઈ લાગશે કે ઇઇચિરો ઓડા ૧૭ વર્ષની ઉંમરે જપાનનો પૉપ્યુલર તેઝુકા અવૉર્ડ જીત્યા પછી ૧૯૯૭માં તેણે જપાનના ‘શોનેન જમ્પ’ નામના મૅગેઝિનમાં વન પીસ નામની સિરીઝ લખવાનું શરૂ કર્યું. આ વન પીસ એટલે આજના જેન-ઝીનો ફેવરિટ શબ્દ.

આ વન પીસ વાર્તા મંકી ડી. લફી નામના એક છોકરાની આસપાસ ફરે છે, જે વન પીસ નામનો ખજાનો શોધીને દરિયાનો રાજા બનવા નીકળે છે. લફી પોતાની એક ટીમ બનાવે છે, જેનું નામ રાખે છે સ્ટ્રૉ હૅટ પાઇરેટ્સ. વાર્તામાં લફીનો સાથી ઉસોપ આ વિશિષ્ટ ધ્વજ બનાવે છે. ખોપરી પર લગાવેલી પીળા ઘાસની ટોપી લફીને તેના ગુરુ શેન્ક્સ તરફથી વારસામાં મળેલી એક અમાનત છે, જેના માટે વચન લેવામાં આવ્યું છે કે જ્યારે લફી મહાન બનશે ત્યારે જ આ ટોપી તે પાછી સોંપશે.

આ વાર્તા એ હદે પૉપ્યુલર થઈ કે એની પચાસ કરોડથી વધારે નકલો વેચાઈ. તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ એક જ રાઇટર દ્વારા રચાયેલી કૉમિક બુક-સિરીઝની વિશ્વમાં સૌથી વધુ નકલો છપાવવા માટે ઇઇચિરો ઓડાનું નામ ગિનેસ બુકમાં નોંધાયું છે.

ઓડા આજે પણ હજી કામ કરે છે અને છેલ્લાં ૨૮ વર્ષથી તે રોજ માત્ર ત્રણથી ૪ કલાક ઊંઘીને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરે છે. એવું નથી કે આ વન પીસ વાર્તા માત્ર કૉમિક સ્વરૂપે જ આવી છે. આ સ્ટોરી ટીવી-ઍનિમેશન અને નેટફ્લિક્સની વેબ-સિરીઝને કારણે જગતભરના યુવાનો સુધી પહોંચી છે.

વન પીસનો સાચો હેતુ

જેઓ વન પીસને સામાન્ય કાર્ટૂન સમજે છે તેઓ એના ઊંડા રાજકીય સંદર્ભોથી અજાણ છે. ઓડાએ આ કથામાં વર્તમાન રાજકીય વ્યવસ્થાનો આબેહૂબ ચિતાર આપ્યો છે, જે આજના યુવાનોને સૌથી વધુ આકર્ષે છે.

આ વાર્તામાં સમગ્ર વિશ્વ પર ૨૦ રાજવંશોના ગઠબંધનવાળી વર્લ્ડ ગવર્નમેન્ટ રાજ કરે છે. એ બહારથી કાયદો, શાંતિ અને ન્યાયનો દાવો કરે છે પરંતુ અંદરખાને ક્રૂર સામંતશાહી અને સામાન્ય લોકોની ગુલામી પર ટકેલી છે. ૮૦૦ વર્ષ પહેલાં સત્તામાં આવેલા આ શાસકોએ પોતાનાં કાળાં કરતૂતો છુપાવવા માટે ૧૦૦ વર્ષનો આખો ઐતિહાસિક સમયગાળો પાઠ્યપુસ્તકો અને બીજા ડૉક્યુમેન્ટ્સમાંથી ભૂંસી નાખ્યો છે. જે કોઈ ઇતિહાસ જાણવાની કે બોલવાની કોશિશ કરે તેને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવામાં આવે છે.

લફીની વ્યાખ્યા સીધી અને સરળ છે. તે રાજમાં નથી માનતો, પણ સંપૂર્ણ આઝાદી તેનો સ્વભાવ છે. વાર્તામાં એક તબક્કે જ્યારે લફીને પૂછવામાં આવે છે કે તારે આખી દુનિયા પર રાજ કરવું છે? ત્યારે લફી કહે છે કે મારે કોઈના પર શાસન નથી કરવું, આ સમુદ્ર પર જે વ્યક્તિ સૌથી વધુ સ્વતંત્ર છે તે જ સાચો રાજા છે.

વાર્તામાં લફી જ્યાં પણ જાય ત્યાં તેની સાથે તેનો આ ખોપરીવાળો ધ્વજ હોય જ હોય અને લફી જ્યાં પણ પહોંચે છે ત્યાં તેઓ જુલમી તાનાશાહો સામે લડીને સામાન્ય ગરીબો, શોષિતો અને પીડિતોને આઝાદી અપાવે છે.

કેમ જેન-ઝીમાં પૉપ્યુલર?

આજના જેન-ઝીમાં આ સિમ્બૉલ અત્યંત પૉપ્યુલર છે એની પાછળ મહત્ત્વનાં ૩ કારણો છે : પહેલું કારણ છે આ સ્ટોરી સાથે ઊછરેલી જનરેશન. ૨૦૦૦ના દાયકા પછી ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની ક્રાન્તિ વચ્ચે મોટી થયેલી પેઢીએ ટીવી અને સ્ક્રીન પર વન પીસ જોઈ છે. તે લફીના બળવાખોર તેવર, મિત્રતા અને દૃઢતા સાથે સીધી જોડાયેલી છે.

બીજું કારણ છે જૂના પક્ષીય રાજકારણથી આવેલો કંટાળો. જેન-ઝીને પરંપરાગત રાજકીય પક્ષો, એના નેતાઓ અને જૂની લે‌ફ્ટિસ કે રાઇ‌ટિસ્ટ મેન્ટાલિટીનાં લેબલો પસંદ નથી. તે એવાં સિમ્બૉલ શોધે છે જે કોઈ ચોક્કસ ધર્મ કે પક્ષનાં નહીં પરંતુ સાચી વ્યક્તિગત સ્વતંત્રતા અને માનવઅધિકારની વાત કરતા હોય.

ત્રીજું કારણ ડિજિટલ મીમ અને
પૉપ-કલ્ચરની તાકાત. જેન-ઝી માટે રોષ વ્યક્ત કરવાનું સાધન ભારેખમ ભાષણો નથી. તેમની પાસે એટલું શબ્દવૈવિધ્ય જ નથી. હા, તે ઇન્ટરનેટ મીમ્સ, રીલ્સ અને પૉપ-કલ્ચરમાં માને છે. આ ઘાસની ટોપીવાળી ખોપરી લાંબી દલીલો વગર માત્ર એટલું કહે છે કે અમે તમારી સત્તા સામે ઝૂકવાના નથી.

દુનિયાના અનેક દેશોમાં જૉલી રૉજર ધ્વજ લહેરાઈ ચૂક્યો છે અને હવે આપણા જેન-ઝી પણ એ જ સંદેશો આપવાની કોશિશ કરે છે.

આ ક્રાન્તિની નવી ભાષા છે

નેહા બોરાનું એ લાલ ટી-શર્ટ માત્ર જોગાનુજોગ નથી, બદલાતા વૈશ્વિક રાજકારણનો અવાજ છે. વીસમી સદીમાં ક્રાન્તિ માટે ક્યુબાના ક્રાં‌તિકારી ચે ગુવેરાના ફોટો કે એ પછી વી ફૉર વેન્ડેટાના ગાય-ફોક્સ માસ્કનો ઉપયોગ થતો. આજે એ સ્થાન ઇઇચિરો ઓડાના વન પીસ અને સ્ટ્રૉ હૅટ જૉલી રૉજરે લીધું છે.

નવી જનરેશન જ્યારે સડક પર ઊતરે ત્યારે તે પોતાની ભાષા, પોતાની બોલી સાથે લાવે છે. આજના એકવીસમી સદીના ગ્લોબલાઇઝેશનના યુગમાં એ ભાષા એનાઇમ અને પૉપ-કલ્ચર છે. ઘાસની ટોપી પહેરેલી આ ખોપરી દુનિયાભરના સત્તાધીશો માટે ચેતવણી છે કે તમે ગમે એટલી સેન્સરશિપ લગાવો કે ત્રાસ આપો, જ્યાં સુધી માણસમાં આઝાદી અને ન્યાયની ઇચ્છા અકબંધ છે ત્યાં સુધી અન્યાયના આ રણમાં કોઈ ને કોઈ લફી રસ્તા પર ઊતરશે, ઊતરશે.

જૉલી રૉજર દ્વારા શું મેસેજ આપવા માગે છે?
કોઈ પ્રોટેસ્ટર જ્યારે પોતાના હાથમાં આ ધ્વજ લહેરાવે કે ટી-શર્ટ પહેરે ત્યારે તે સોસાયટીને પાંચ મેસેજ આપવા માગે છે :
સત્તાના દમનનો ભય ખતમ : ખોપરી એ વાતનું એલાન છે કે સત્તાના લાઠીચાર્જ, જેલ કે પોલીસકેસોથી હવે અમે ડરતા નથી. જેમ વાર્તામાં ચાંચિયાઓ સત્તાની ધમકીઓને હસી કાઢે છે એમ પ્રોટેસ્ટર પણ ન્યાય માટે બધું જ દાવ પર લગાવવા તૈયાર છે.
શાસકોને અરીસો બતાવવો : જેન-ઝી પોતાની સરકારોને મેસેજ આપે છે કે તમે લોકશાહીના નામે વર્લ્ડ ગવર્નમેન્ટ જેવા જુલમી બની ગયા છો, જે પ્રજાના સેવક બનવાને બદલે માત્ર પોતાના સ્વાર્થ માટે કાયદાઓ ઘડે છે.
અખંડ વ્યક્તિગત આઝાદી : કોઈ પણ શાસક નાગરિકો પાસેથી તેમનો અવાજ, મતાધિકાર કે વિચારવાની આઝાદી છીનવી શકે નહીં. આ પ્રતીક માનવગૌરવ અને સ્વતંત્રતાની અંતિમ માગણી છે.
આંતરરાષ્ટ્રીય એકતા : બંગલા દેશ, નેપાલ, પૅરિસ, મનીલા કે દિલ્હી. સરહદો ભલે ગમે એટલી દૂર હોય; મોંઘવારી, બેરોજગારી અને સરમુખત્યારશાહી સામે લડતા વિશ્વભરના જેન-ઝીનો સંઘર્ષ એક છે, જેનો જવાબ પણ એક જ છે - બળવો.
સેન્સરશિપ અને કાયદા સામે કટાક્ષ : કોઈ પણ સરકાર રાજકીય પક્ષોના ઝંડા કે ક્રાન્તિકારી બૅનરો પર આસાનીથી દેશદ્રોહનું લેબલ લગાવીને પ્રતિબંધ મૂકી શકે, પણ જ્યારે કોઈ ટીવી પર આવતા કાર્ટૂન કે એનાઇમનું ટી-શર્ટ પહેરીને સામે ઊભો રહે ત્યારે તેને જેલમાં ધકેલતાં સત્તા પોતે હાસ્યાસ્પદ સાબિત થાય છે.

કયા-કયા દેશોના પ્રોટેસ્ટમાં આ સિમ્બૉલ વપરાયું?
બંગલા દેશ : શેખ હસીના સરકાર સામે જ્યારે સ્ટુડન્ટ્સનું અનામતવિરોધી અને સરકારવિરોધી આંદોલન ઉગ્ર બન્યું ત્યારે ઢાકાની સડકો પર આંદોલનકારી યુવાનોના હાથમાં વન પીસનાં પોસ્ટર્સ અને જૉલી રૉજર ઝંડા જોવા મળ્યાં. વિદ્યાર્થીઓ સરમુખત્યારી સામે પોતાની લડાઈને વર્લ્ડ ગવર્નમેન્ટ સામેના લફીના સંઘર્ષ સાથે સરખાવતા હતા.
નેપાલ : ગયા સપ્ટેમ્બરમાં નેપાલમાં કે. પી. શર્મા ઓલીની સરકારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પ્રતિબંધો મૂક્યા ત્યારે કાઠમાંડુના રસ્તાઓ પર હજારો યુવાનો જૉલી રૉજર લઈને ઊતરી આવ્યા અને વાણીસ્વાતંત્ર્ય પરના હુમલા સામે આકરો પ્રતિકાર કર્યો અને સરકાર ઊથલાવી.
ફિલિપીન્સ : ગયા સપ્ટેમ્બરમાં જ મનીલાના લુનેટા પાર્કમાં હજારો યુવાનો એકઠા થયા. રાહતભંડોળમાં અબજો પેસોનો ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ સામે જૉલી રૉજર ફરકાવવામાં આવ્યો. ફિલિપીનો કાર્યકર્તા યુજેરો લિબેરાટોએ સ્પીચમાં કહ્યું હતું કે આપણી ભાષા ભલે અલગ હોય, પણ અન્યાય અને દમનની ભાષા સમગ્ર વિશ્વમાં એક છે અને હવે આપણે જૉલી રૉજરને આગળ ધરવાનો છે.
ઇન્ડોનેશિયા : ગયા વર્ષે ઑગસ્ટમાં ઇન્ડોનેશિયાના સ્વતંત્રતા-દિવસ પહેલાં સરકારી નીતિઓ અને વંશવાદ સામે યુવાનો જૉલી રૉજર સાથે રસ્તા પર આવ્યા. પરિસ્થિતિ એવી બની કે સરકાર એટલી ડરી ગઈ કે એક સંસદસભ્યે જાહેર નિવેદન આપવું પડ્યું કે જૉલી રૉજર ધ્વજ લહેરાવવો એ દેશદ્રોહસમાન છે અને એ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
ફ્રાન્સ અને યુરોપ : પૅરિસ અને બ્રસેલ્સમાં મોંઘવારી, પેન્શનસુધારા અને બજેટ પર કાપ મૂકવા સામે જ્યારે ટ્રેડ યુનિયનો અને વિદ્યાર્થીઓએ સંયુક્ત મોરચો માંડ્યો ત્યારે યુરોપની સડકો પર પણ આ જ જૉલી રૉજર ધ્વજ જોવા મળ્યો. મૂડીવાદી અસમાનતા સામે યુરોપિયન યુવાનોએ પણ આ જ જપાની કાર્ટૂન પ્રતીકનો આશરો લીધો હતો.
ભારત : નેહા બોરાએ લાલ ટી-શર્ટ પહેરીને જૉલી રૉજરને ભારતના વિરોધના મુખ્ય પ્રવાહમાં મૂકી દીધો, જ્યાં જૉલી રોજરે આંબેડકર અને ગાંધીજીના વિચારો પછીનું સ્થાન લેવાનું શરૂ કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2026 12:28 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK