જે રોહિંગ્યા પ્રવાસીઓ કે ગેરકાનૂની બંગલાદેશીઓ પાસે જરૂરી દસ્તાવેજો નહીં મળે તેમને પકડીને પૂરવામાં આવશે આ સેન્ટરમાં: આસામ જેવાં સેન્ટરો દરેક જિલ્લામાં બનશે
આસામનું હોલ્ડિંગ સેન્ટર
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બંગલાદેશીઓ અને રોહિંગ્યાઓ વિરુદ્ધ મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીની નવી સરકારે એક મોટો આદેશ જાહેર કર્યો છે. આસામના ‘હિમંતા બિસ્વા સર્મા મૉડલ’ની તર્જ પર હવે પશ્ચિમ બંગાળના દરેક જિલ્લામાં ગેરકાયદે વિદેશીઓ માટે હોલ્ડિંગ સેન્ટર સ્થાપવામાં આવશે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર આ અંગેનો સત્તાવાર નિર્દેશ જાહેર થયો છે.
મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ એક ઉચ્ચ સ્તરની સમીક્ષા-બેઠક બાદ અત્યંત મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવેથી રાજ્યમાં પકડાયેલા ગેરકાયદે બંગલાદેશી ઘૂસણખોરો પર લાંબો કોર્ટકેસ ચલાવવાને બદલે તેમને સીધા જ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ની ચોકીઓને સોંપી દેવામાં આવશે જેથી તેમને તેમના દેશમાં પાછા મોકલી શકાશે.
ADVERTISEMENT
આસામમાં કેવી વ્યવસ્થા છે?
આસામમાં શરૂઆતમાં જેલોની અંદર ૬ કામચલાઉ સેન્ટરો હતાં, જેમને હવે દેશના સૌથી મોટા હાઈ-ટેક ટ્રાન્ઝિટ કૅમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. આ કૅમ્પની ક્ષમતા ૩૦૦૦ બંદીઓની છે. બંગાળમાં પણ હવે આવાં જ સેન્ટરો ઊભાં કરવામાં આવશે. સામાન્ય જેલ ગુનેગારો માટે હોય છે, જ્યારે હોલ્ડિંગ સેન્ટર એવા વિદેશીઓ માટે છે જેમણે વીઝાના નિયમો તોડ્યા હોય કે ગેરકાયદે સરહદ પાર કરી હોય. તેમની પાસે પ્રમાણભૂત દસ્તાવેજો ન હોવાથી ડિપૉર્ટેશનની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અહીં રાખવામાં આવે છે.
