સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કારમો અકસ્માત : વાહનોની લાઇન ઊભી હતી એમાં પાછળથી આવી ટક્કર મારી, અનેક લોકો ગંભીર રીતે જખમી
અકસ્માતના કારણે વાહનોની થયેલી હાલત.
સમૃદ્ધિ એક્સપ્રેસવે તરીકે ઓળખાતા મુંબઈ-નાગપુર એક્સપ્રેસવે પર બુલઢાણામાં શુક્રવારે સવારે મોટો અકસ્માત થયો હતો જેમાં પૂરઝડપે આવતી ટ્રકે એક્સપ્રેસવે પર ઊભેલાં વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાવીસ જેટલાં વાહનોને નુકસાન થયું હતું અને અમુક વાહનોનો તો સાવ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તળેગાવ નજીક બનેલા આ અકસ્માતમાં વીસથી બાવીસ લોકો ઈજા પામ્યા હતા અને એમાંના પાંચથી ૬ની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
સવારે સાડાદસથી ૧૧ વચ્ચે બનેલી આ ઘટનાના કારણે કલાકો સુધી ટ્રાફિક થોભાવી દેવામાં આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર ઘટનાસ્થળે વહેલી સવારે ૬.૩૦ વાગ્યે એક ટૅન્કર ઊંધું વળી ગયું હતું જેને હટાવવાનું કામ શરૂ હોવાથી પોલીસે નાગપુરથી મુંબઈ આવતાં આશરે ૪૦થી ૫૦ વાહનોને રોકી રાખ્યાં હતાં. એ જ દરમ્યાન પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે વાહનોને અડફેટે લીધાં હતાં. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકની અડફેટે આવનારાં વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એની આગળ ઊભેલાં બાકીનાં વાહનો પણ એકબીજાં સાથે અથડાયાં હતાં. પહેલાંથી જ પોલીસ ત્યાં હાજર હોવાથી વધુ ઇમર્જન્સી ટીમ્સને તાત્કાલિક જાણ કરીને લોકોને બચાવવાની તથા જખમી થયેલાઓને હૉસ્પિટલ લઈ જવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તથા અન્ય ઇમર્જન્સી સર્વિસિસે લોકોને બચાવવા ઉપરાંત વાહનોને એક્સપ્રેસવે પરથી ખસેડવાનું કામ પણ શરૂ કર્યું હતું. આ ઘટનાના કારણે પહેલાંથી જ ટ્રાફિકમાં અટવાયેલા લોકોએ વધુ રાહ જોવી પડી હતી. હાલ પોલીસ ટ્રકનો ડ્રાઇવર જ્યારે અકસ્માત થયો ત્યારે નશાની હાલતમાં હતો કે નહીં એની તપાસ કરી રહી છે.
