વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના વિડિયો ઇન્સ્પેક્શનની કામગીરી મંગળવાર સુધીમાં પૂરી કરવાનો અદાલતનો આદેશ

પ્રતીકાત્મક તસવીર
વારાણસીમાં પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના સંબંધમાં સ્થાનિક અદાલત તરફથી મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. અદાલતે ગઈ કાલે આદેશ આપ્યો હતો કે આ મસ્જિદની વિડિયો ઇન્સ્પેક્શનની કામગીરી ચાલુ રહેશે અને એ મંગળવાર સુધીમાં પૂરી થઈ જવી જોઈએ.
અદાલતે જણાવ્યું હતું કે આ વિડિયોગ્રાફી અરજીકર્તાઓ દ્વારા માગણી કરવામાં આવેલાં તમામ સ્થળોએ કરી શકાય છે. અરજીકર્તાઓના વકીલોએ મસ્જિદના બેઝમેન્ટ સહિત એની અંદર વિડિયોગ્રાફી કરવાની માગણી કરી હતી.
અદાલતે પાંચ હિન્દુ મહિલાઓની અરજીઓ પર આ વર્ષે એપ્રિલમાં વિડિયો ઇન્સ્પેક્શનનો આદેશ આપ્યો હતો. આ પાંચ હિન્દુ મહિલાઓએ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સની પશ્ચિમ દીવાલની પાછળ હિન્દુઓ માટેના એક પવિત્ર સ્થાન ખાતે સમગ્ર વર્ષ દરમ્યાન પૂજા કરવાની મંજૂરી માગી હતી.
અરજીકર્તાઓના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘સર્વે કરનારાઓ માટે તાળાં તોડવામાં આવશે અને આ પ્રક્રિયામાં અવરોધરૂપ બનનારા તમામ લોકોની વિરુદ્ધ ઍક્શન લેવામાં આવશે.’ અદાલતે જણાવ્યું હતું કે આ સર્વેનું નિરીક્ષણ કરી રહેલા કમિશનરને નહીં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અદાલતે વધુ બે સર્વે કમિશનરની નિમણૂક કરી છે.