કપાટ ખૂલવાની તારીખો જાહેર : ૧૯ એપ્રિલે યમનોત્રી-ગંગોત્રી અને ૨૩ એપ્રિલે બદરીનાથ ધામ ખૂલશે, મહાશિવરાત્રિએ કેદારનાથ ધામનાં કપાટ ખૂલવાની તારીખ જાહેર થશે
ચમોલી
ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા શરૂ થવા વિશે કપાટ ખૂલવાની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. શિયાળાના ૬ મહિના મંદિરો બંધ રહે છે અને હવે આ જાહેરાતથી દેશભરના ભક્તોમાં ઉત્સાહ ફેલાયો છે. ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોનાં કપાટ ૧૯ એપ્રિલે અક્ષયતૃતીયાના રોજ ખૂલશે, જ્યારે બદરીનાથ ધામના દરવાજા ૨૩ એપ્રિલે સવારે ૬.૧૫ વાગ્યે બ્રહ્મકાલ મુહૂર્ત દરમ્યાન વિધિવત્ વિધિ સાથે ભક્તો માટે ખોલવામાં આવશે. જોકે રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ મહાશિવરાત્રિના રોજ જાહેર કરવામાં આવશે.
આ સંદર્ભમાં બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે ‘વસંતપંચમીના રોજ નરેન્દ્રનગરના ટિહરી પૅલેસમાં યોજાયેલી પરંપરાગત ધાર્મિક વિધિ દરમ્યાન કપાટ ખોલવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યાં હતાં. વસંતપંચમીના દિવસે ડિમરી ધાર્મિક કેન્દ્રીય પંચાયતના સભ્યો ગડુ ઘડા સાથે ડિમ્મરથી હૃષીકેશ જવા રવાના થયા હતા. શુક્રવારે પૂજારીઓ ગડુ ઘડા સાથે નરેન્દ્રનગર શાહી દરબારમાં પહોંચ્યા હતા. અહીં ભગવાન બદરીવિશાલ ધામના દરવાજા ખોલવાની તારીખ પરંપરાગત રીતે જાહેર કરવામાં આવી હતી. ગડુ ઘડા યાત્રા ૭ એપ્રિલથી શરૂ થશે.


