પોતાની લાઇસન્સવાળી ગનમાંથી ઓશિવરાના એક બિલ્ડિંગ પર ફાયરિંગ કરનારા કમાલ આર. ખાને કર્યો હાસ્યાસ્પદ બચાવ
કમાલ આર. ખાન
જે ફ્લૅટ તરફ ફાયરિંગ થયું એમાંથી એક રાઇટર-ડિરેક્ટરનો અને બીજો મૉડલનો, ૨૭ જાન્યુઆરી સુધી ભાઈસાહેબ ગયા પોલીસ-કસ્ટડીમાં
અભિનેતા અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર કમાલ આર. ખાન જે KRK તરીકે ઓળખાય છે તેની ઓશિવરા પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. અંધેરીના ઓશિવરા વિસ્તારમાં આવેલી એક રહેણાક ઇમારત પાસે ૧૮ જાન્યુઆરીએ ૪ રાઉન્ડ ફાયરિંગ કરવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમ્યાન KRKએ સ્વીકાર્યું હતું કે ફાયરિંગ તેની જ લાઇસન્સવાળી બંદૂકથી કરવામાં આવ્યું હતું. પોલીસે ઘટનામાં વપરાયેલી બંદૂક પણ જપ્ત કરી લીધી છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે રહેણાક વિસ્તારમાં આ રીતે ફાયરિંગ કરવાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ADVERTISEMENT
શું હતો મામલો?
ઓશિવરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૮ જાન્યુઆરીએ ઓશિવરા વિસ્તારમાં આવેલી નાલંદા સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની હતી જેની તપાસમાં બિલ્ડિંગના બીજા અને ચોથા માળે ગોળીઓનાં નિશાન મળી આવ્યાં હતાં. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે જે ફ્લૅટ પર ગોળી વાગી હતી એમાંથી એક ફ્લૅટ એક રાઇટર-ડિરેક્ટરનો છે અને બીજો એક મૉડલનો છે. શરૂઆતમાં CCTV કૅમેરાનાં ફુટેજમાંથી કોઈ પુરાવા મળ્યા નહોતા, પરંતુ ફૉરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગોળીઓ નજીકમાં આવેલા KRKના બંગલામાંથી છોડવામાં આવી હતી. આ માહિતીના આધારે શુક્રવારે અમે કમાલ ખાનની ધરપકડ કરીને તેની બંદૂક પણ જપ્ત કરી લીધી છે. આ કેસમાં વધારે તપાસ કરવામાં આવી રહી છે.’
KRKની સ્પષ્ટતા અને ધરપકડ
પોલીસ-પૂછપરછમાં KRKએ સ્વીકાર્યું હતું કે ફાયરિંગ તેની જ લાઇસન્સવાળી બદૂંકથી થયું હતું. તેણે બચાવમાં પોલીસને જણાવ્યું હતું કે ‘હું પોતાની ગન સાફ કરી રહ્યો હતો. ત્યાર બાદ એને ચેક કરવા માટે મેં હવામાં ફાયરિંગ કર્યું હતું. મેં ઘરની સામે આવેલા જંગલ તરફ નિશાન સાધ્યું હતું, પરંતુ એ સમયે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે ગોળીઓ સામેના બિલ્ડિંગમાં વાગી હતી.’
બૉલીવુડ પર લગાવ્યો ગંભીર આક્ષેપ
ધરપકડ બાદ KRKએ કોર્ટમાં અને મીડિયા સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો છે કે તેને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી (બૉલીવુડ)ના અમુક ઍક્ટર દ્વારા જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તે સતત ફિલ્મો, પ્રોડક્શન-હાઉસ અને કલાકારોની ટીકા કરે છે જેના કારણે ઇન્ડસ્ટ્રીના મોટા ગજાના લોકો તેનાથી નારાજ છે. તેણે દાવો કર્યો હતો કે આ ફાયરિંગની ઘટના માત્ર એક અકસ્માત હતી, પરંતુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અમુક લોકો તેની પાસે જૂનું વેર વસૂલવા માટે આ તકનો ઉપયોગ કરી રહ્યા છે.
કોર્ટની કાર્યવાહી
બાંદરા કોર્ટમાં સુનાવણી દરમ્યાન પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી કારતૂસ મળી આવી છે અને હજી ફાયરિંગ પાછળનો મુખ્ય હેતુ જાણવાનો બાકી છે. સામે KRKના વકીલે દલીલ કરી હતી કે તેમનો અસીલ વર્ષોથી મુંબઈમાં રહે છે અને તે ક્યાંય ભાગી જાય એવી શક્યતા નથી એટલે તેને જામીન આપવામાં આવે. જોકે કોર્ટે તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને KRKને 27 જાન્યુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો.


