Uttarakhand Bus Accident: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આજે સવારે મોટો અકસ્માત; મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં પડી; આ દુર્ઘટનામાં એકનું મોત; અનેક લોકો નદીમાં તણાઇ ગયા હોવાની આશંકા; ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઉત્તરાખંડ (Uttarakhand)માં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં અલકનંદા નદી (Alaknanda river)માં મુસાફરોથી ભરેલી બસ વહી ગઈ છે. ૧૧ થી વધુ મુસાફરો ગુમ છે. ઘણા લોકોના મોતની આશંકા છે. જ્યારે કેટલાક લોકો લાપતા થયા હોવાના સમાચાર છે. આ ઘટના ઘોલથિર (Gholtir)માં બની હતી.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ (Rudraprayag)માં એક મોટો અકસ્માત થયો, જ્યાં મુસાફરોથી ભરેલી બસ નિયંત્રણ બહાર થઈ ગઈ અને ઘોલથીર વિસ્તારમાં અલકનંદા નદીમાં પડી (Uttarakhand Bus Accident) ગઈ. અકસ્માત દરમિયાન લગભગ ચાર-પાંચ લોકો બસમાંથી નીચે પટકાયા. આ પછી, સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો. આ બસમાં લગભગ ૧૮થી ૨૦ મુસાફરો હતા, જેમાંથી આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બચાવ ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માત બદ્રીનાથ હાઇવે (Badrinath Highway) પર થયો હતો. જ્યાં ગોલથીર નજીક બસ નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં પડી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં મુસાફરો હતા. બસ ટેકરી પરથી નીચે ઉતરી ગઈ અને સીધી અલકનંદા નદીમાં પડી ગઈ. ખરાબ હવામાન અને પર્વતોમાં વરસાદને કારણે નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. અકસ્માત દરમિયાન, લગભગ ચાર-પાંચ લોકો બસમાંથી નીચે પડી ગયા હતા અને ટેકરીઓ પર ફસાઈ ગયા હતા. આ લોકોને પણ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ઘટનાની માહિતી મળતા જ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (State Disaster Response Force - SDRF) ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એકનું મોત થયું છે. નદીના પ્રવાહ ઝડપી હોવાને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે.
વરસાદને કારણે અલકનંદા નદીમાં જોરદાર પ્રવાહ હતો, તેથી મુસાફરો નદીમાં તણાઈ જવાની શક્યતા છે. આ બસ અકસ્માત અંગે માહિતી આપતાં ઉત્તરાખંડ પોલીસ (Uttarakhand Police) મુખ્યાલયના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ જણાવ્યું હતું કે, ‘રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથિર વિસ્તારમાં એક બસ નિયંત્રણ બહાર ગઈ અને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં ૧૮ લોકો સવાર હતા. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.’
કહેવામાં આવી રહ્યું છે કે, બસ ટેમ્પો ટ્રાવેલર્સની હતી. બધા મુસાફરો બદ્રીનાથના દર્શન કરવા જઈ રહ્યા હતા. બસમાં કુલ ૧૮ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું કહેવાય છે. જેમાંથી સાતને બહાર કાઢવામાં આવ્યા છે. છ ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે. આ ઘટના આજે સવારે લગભગ ૭.૪૦ વાગ્યે બની હતી.

