Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ-ડીલમાં કૃષિ અને ડેરીઉદ્યોગ સુરક્ષિત હોવાની સરકારની સ્પષ્ટતા

અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ-ડીલમાં કૃષિ અને ડેરીઉદ્યોગ સુરક્ષિત હોવાની સરકારની સ્પષ્ટતા

Published : 04 February, 2026 10:04 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ-ડીલમાં કૃષિ અને ડેરીઉદ્યોગ સુરક્ષિત હોવાની સરકારની સ્પષ્ટતા, પ્રતિબંધો નથી એવા દેશો પાસેથી ભારત તેલ ખરીદશે

ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી NDA પાર્લમેન્ટરી પાર્ટી મીટિંગમાં અમેરિકા સાથેની ટ્રેડ-ડીલ બદલ નરેન્દ્ર મોદીને વધાવવામાં આવ્યા હતા.

ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી NDA પાર્લમેન્ટરી પાર્ટી મીટિંગમાં અમેરિકા સાથેની ટ્રેડ-ડીલ બદલ નરેન્દ્ર મોદીને વધાવવામાં આવ્યા હતા.


અમેરિકા-ભારત વચ્ચે સોમવારે રાત્રે ટ્રેડ-ડીલની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ ડીલમાં કૃષિ અને ડેરીઉદ્યોગ સુરક્ષિત છે કે નહીં એ મુદ્દે ઘણા સવાલ ઊઠ્યા હતા, પણ સરકારનું કહેવું છે કે આ બે સેક્ટરો સુરક્ષિત છે. વળી ભારત સરકાર એવા દેશો પાસેથી તેલ ખરીદશે જેના પર પ્રતિબંધ લાદવામાં નથી આવ્યા. ભારત રશિયન તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે જે અમેરિકાના પ્રતિબંધ હેઠળ છે.

ભારત-અમેરિકાના ટ્રેડ-ડીલ વિશે કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને એક મજબૂત અને ભવિષ્યલક્ષી કરાર થયો છે. આ ડીલ ભારતનાં સંવેદનશીલ ક્ષેત્રો, જેમ કે કૃષિ અને ડેરીને સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે અને આ ટ્રેડ-ડીલ ભારતના આર્થિક ભવિષ્યને મજબૂત બનાવશે.



અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘વૉશિંગ્ટન ભારતીય માલ પરની ટૅરિફ વર્તમાન ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરશે, જેના બદલામાં નવી દિલ્હી રશિયન તેલની ખરીદી બંધ કરશે અને એને બદલે અમેરિકા અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે.


ભારત-અમેરિકા વચ્ચે ૫૦૦ અબજ ડૉલરનો વેપાર 

ટ્રેડ-ડીલના ભાગરૂપે ભારતે ટૅરિફ અને નૉન-ટૅરિફ અવરોધોને ઝીરો સુધી ઘટાડવા અને ઊર્જા, ટેક્નૉલૉજી, કૃષિ ઉત્પાદનો અને કોલસા સહિત ૫૦૦ અબજ ડૉલરથી વધુ અમેરિકન માલ ખરીદવા સહિતનાં અનેક પગલાં પર સંમતિ દર્શાવી છે. આ મુદ્દે સૂત્રોએ જણાવ્યું હતું કે આ આંકડો વિમાનસોદા અને અન્ય સંબંધિત રોકાણોમાં પ્રતિબિંબિત થાય છે. નવી ટ્રેડ-ડીલ ભારત માટે મોટા આર્થિક મૂલ્યને અનલૉક કરશે. અમેરિકન ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતા ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકૉમ, સંરક્ષણ, પેટ્રોલિયમ અને વિમાન જેવાં ક્ષેત્રોને આવરી લે છે. એ વર્ષોથી કરવામાં આવશે.


શશી થરૂરનો સવાલ: ૭૦૦ અબજ ડૉલરની કુલ આયાતમાં એકલા અમેરિકામાંથી જ ૫૦૦ અબજની આયાત કેવી રીતે થશે?

ભારત સાથે ટ્રેડ-ડીલની જાહેરાત કરતી વખતે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અબજ ડૉલરના યુએસ ઊર્જા, ટેક્નૉલૉજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણાં ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અંગે સ્પષ્ટતા માગતાં કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે સવાલ કર્યો હતો કે આપણું આખું આયાતબિલ ૭૦૦ અબજ ડૉલરનું છે, તો શું આપણે દરેક બીજા દેશ પાસેથી ખરીદી બંધ કરી દઈશું?

આ મુદ્દે શશી થરૂરે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું જાણવા માગું છું કે ટ્રેડ-ડીલમાં છે શું? વિપક્ષ ફક્ત સ્પષ્ટતા માગી રહ્યો છે. અમને ખબર નથી કે આ ડીલમાં શું છે? અમારી પાસે ટ્રમ્પનું ટ્વીટ અને વડા પ્રધાન મોદીનું ટ્વીટ છે; શું સંસદીય લોકશાહીમાં આટલું પૂરતું છે? શું ભારત સરકારે આવીને દેશના લોકોને સમજાવવું ન જોઈએ કે આ ડીલમાં શું છે? પ્રેસિડન્ટ ટ્રમ્પ કહે છે કે એ કૃષિ માટે છે, તો ભારતીય ખેડૂતો માટે શું રક્ષણ છે? ટ્રમ્પ કહે છે કે ૫૦૦ અબજ ડૉલર, આપણું આખું આયાતબિલ ૭૦૦ અબજ ડૉલર છે, તો શું આપણે દરેક બીજા દેશ પાસેથી ખરીદી બંધ કરીએ?’

રશિયન તેલની ખરીદી સ્થગિત કરવા વિશે ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થયું નથી ઃ રશિયાનો જવાબ

અમેરિકા સાથેની ટ્રેડ-ડીલ હેઠળ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવાનું બંધ કરશે એવા અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પના દાવા બાદ રશિયાએ આ સંદર્ભે પ્રતિક્રિયા આપી છે. ક્રેમલિને મંગળવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી એને માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયન તેલની ખરીદી સ્થગિત કરવા વિશે ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થયું નથી. તેમણે પુનરુચ્ચાર કર્યો છે કે ભારત સાથે રશિયાના સંબંધો વ્યૂહાત્મક અને લાંબા ગાળાના છે.

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે ઃ નરેન્દ્ર મોદીના સલાહકાર

સોમવારે ભારત અને અમેરિકા વચ્ચે સીમાચિહ્‍નરૂપ ટ્રેડ-ડીલની જાહેરાત થયા પછી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય સંજીવ સાન્યાલે એક નોટ શૅર કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે ‘દુનિયા ઝૂકતી હૈ, ઝુકાને વાલા ચાહિયે’ (દુનિયા ઝૂકતી હૈ, કોઈએ જાણવું જોઈએ કે એ કેવી રીતે પૂર્ણ કરવું).

ટ્રમ્પે રશિયન તેલની ખરીદી માટે ભારત પર લાદેલી ૨૫ ટકાની પેનલ્ટી-ટૅરિફ દૂર કરી

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પુષ્ટિ આપી હતી કે ‘પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલખરીદી પર ભારત પર લાદવામાં આવેલી પેનલ્ટી-ટૅરિફ દૂર કરી છે. ભારત પર કુલ ટૅરિફ હવે ૧૮ ટકા રહેશે. આ ટૅરિફ-સફળતા બન્ને નેતાઓ વચ્ચે ઘણાં વર્ષોથી વિકસિત મજબૂત મિત્રતાનું પરિણામ છે. આ એક એવી મિત્રતા છે જે ટકી રહી છે અને એને કારણે જ આ સોદો થયો છે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં અમર્યાદિત સંભાવનાઓ છે અને આ ટ્રેડ-ડીલ હવે આપણી વચ્ચે છે એ એક અદ્ભુત બાબત છે. એ આપણા બે મહાન દેશો વચ્ચેના સંબંધોના આગામી પ્રકરણને ખોલે છે. આગામી બે-ત્રણ દિવસમાં કેટલીક ટેક્નિકલ બાબતો પર કામ કરવામાં આવશે.’

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 10:04 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK