ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લૉન્ચ કર્યું ઑપરેશન લંગડા અને ઑપરેશન ખલ્લાસ
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના આદેશ પર ઉત્તર પ્રદેશ પોલીસે મોટા ઑપરેશનને પાર પાડ્યું છે. એનાથી આખા રાજ્યના બદમાશોમાં ખૌફ ફેલાઈ ગયો છે. ઉત્તર પ્રદેશની પોલીસે ૪૮ કલાકમાં લગભગ ૨૦ એન્કાઉન્ટર કર્યાં છે. ગુનેગારો પર કાર્યવાહી કરીને તેમને કાબૂમાં રાખવા માટે પોલીસે મેરઠથી લઈને મુઝફ્ફરનગર, ફરુખાબાદથી ફિરોઝાબાદ, મુરાદાબાદથી મથુરા, હરદોઈથી ઉન્નાવ, ઝાંસીથી બુલંદશહર અને લખનઉથી ગાઝિયાબાદ સુધી ઑપરેશન લંગડા અને ઑપરેશન ખલ્લાસ હાથ ધર્યું હતું. આ ઑપરેશન અંતર્ગત પોલીસને ચકમો આપવાની કોશિશ કરી રહેલા બદમાશોને પગમાં ગોળી મારવાનો એટલે કે ઑપરેશન લંગડા કરવાનો ઑર્ડર આપવામાં આવ્યો છે. તેમણે આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે અપરાધી ભાગવાની કોશિશ કરે તો તેને પગમાં ગોળી મારીને લંગડો કરવો અથવા તો ઑપરેશન ખલ્લાસ કરીને સીધો યમરાજ પાસે મોકલી દેવો.


