ઉદયપુરના દરજીની હત્યા પર બનેલી ફિલ્મ રિલીઝ કરાવવા તેની પત્નીએ નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માગ્યો
કનૈયાલાલ તેલી, કનૈયાલાલની પત્ની જશોદા
ઉદયપુરના દરજી કનૈયાલાલ તેલીની ક્રૂર હત્યા પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ પર દિલ્હી હાઈ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. એના વિરોધમાં કનૈયાલાલની પત્ની જશોદાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભાવનાત્મક પત્ર લખીને તેમને મળવા માટે સમય માગ્યો છે અને ફિલ્મ રિલીઝ કરવાની વિનંતી કરી છે. કોર્ટે પહેલાં આ ફિલ્મમાં ઘણા કાપ મૂકવાનું કહ્યું હતું. ત્યાર બાદ કોર્ટે આ મામલાની સુનાવણી કર્યા પછી ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલો હવે રાજકીય અને કાનૂની રીતે વધુ સંવેદનશીલ બની રહ્યો છે.
જશોદાએ પોતાના પત્રમાં લખ્યું છે, ‘મારા પતિની હત્યા પર આધારિત ફિલ્મને મુસ્લિમ સંગઠનો અને તેમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં અટકાવી દીધી છે. મેં પોતે ફિલ્મ જોઈ છે, એમાં કંઈ ખોટું નથી. આ મારા પતિની હત્યાની વાર્તા છે. મારા પતિની હત્યા ત્રણ વર્ષ પહેલાં થઈ હતી અને હવે જે લોકો તેમના હત્યારાઓને ટેકો આપે છે તેઓ કોર્ટમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે. કપિલ સિબ્બલ કહી રહ્યા છે કે જે બન્યું એ ફિલ્મમાં બતાવી શકાય નહીં. શું હવે સત્ય બતાવી શકાતું નથી? મારાં બાળકો મને કહી રહ્યાં છે કે હવે આ ફિલ્મ પર મોદી સરકાર નિર્ણય લેશે. તમને ખબર છે કે અમારી સાથે કેટલું ખોટું થયું છે. હું તમને વિનંતી કરું છું કે આ ફિલ્મ રિલીઝ કરો જેથી આખી દુનિયા સત્ય જાણી શકે. હું મારાં બે બાળકો સાથે દિલ્હી આવીને તમને મળવા માગું છું, કૃપા કરીને મને સમય આપો.’
ADVERTISEMENT
એક વિડિયો-નિવેદનમાં જશોદા કહે છે, ‘પહેલાં અમને કહેવામાં આવતું હતું કે ગુનેગારોને ચાર મહિનામાં ફાંસી આપવામાં આવશે. જોકે આ ઘટનાને ત્રણ વર્ષ થઈ ગયાં છે. અમને ન્યાય ક્યારે મળશે? લોકોને જાગૃત કરવા માટે ફિલ્મ રિલીઝ કરવી જરૂરી છે. આ ત્રણ વર્ષોમાં લોકો તેમની સાથે શું થયું એ ભૂલી ગયા છે.’
‘ઉદયપુર ફાઇલ્સ’નું પોસ્ટર
ફિલ્મ સામે કોણે કેસ કર્યો?
દિલ્હી હાઈ કોર્ટમાં દારુલ ઉલૂમ દેવબંદના મૌલાના અર્શદ મદનીએ જનહિત અરજી કરીને દાવો કર્યો હતો કે આ ફિલ્મ એવાં સંવાદો અને ઉદાહરણોથી ભરેલી છે જેના કારણે તાજેતરના ભૂતકાળમાં કોમી એખલાસનું વાતાવરણ ડહોળાયું હતું, આથી આવા સંવાદોને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવવા જોઈએ.
શું હતી ઘટના?
૨૦૨૨ની ૨૮ જૂને મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ નામના બે યુવાનો ઉદયપુરમાં કનૈયાલાલ તેલીની દુકાન પર ગ્રાહક તરીકે આવ્યા હતા અને જ્યારે કનૈયાલાલ માપ લઈ રહ્યો હતો ત્યારે તેનું ગળું ચીરીને કરપીણ હત્યા કરી હતી.
એક લાઇવ ટેલિવિઝન ચર્ચા દરમ્યાન BJPનાં પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી માટે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જોકે નૂપુર શર્માના સમર્થનમાં કરવામાં આવેલી પોસ્ટને કનૈયાલાલે શૅર કરી હતી. આથી બે આરોપીઓએ તેની હત્યા કરી હતી.

