ઉદયપુરના સોનાના શિલ્પી ડૉ. ઇકબાલ સક્કાએ સોનાની એક અદ્ભુત ચીજ બનાવીને એક નવો રેકૉર્ડ બનાવ્યો છે
ઉદયપુરના સોનાના શિલ્પી ડૉ. ઇકબાલ સક્કાએ સોનાની એક અદ્ભુત ચીજ બનાવી
મૂળ ઉદયપુરના સોનાના શિલ્પી ડૉ. ઇકબાલ સક્કાએ સોનાની એક અદ્ભુત ચીજ બનાવીને એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં રહેતા ડૉ. ઇકબાલના નામે સોનાનાં મિની શિલ્પો બનાવવાના ૧૦૦ વર્લ્ડ રેકૉર્ડ બોલે છે. તેમણે તાજેતરમાં ન્યાયનું ત્રાજવું શીર્ષક સાથે સોનાનું એક મિનિએચર ત્રાજવું બનાવ્યું છે. એમાં માત્ર ૫૦ મિલીગ્રામ સોનું વપરાયું છે અને એની સાઇઝ માત્ર ૩ મિલીમીટર જેટલી છે. ટૂંકમાં, નરી આંખે જોઈ પણ ન શકાય એટલું સૂક્ષ્મ કદનું ત્રાજવું બનાવ્યું છે જેને લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ ત્રાજવાથી ૧૦થી ૧૦૦ મિલીગ્રામ જેટલું વજન તોલી શકાય છે. ડૉ. ઇકબાલ સક્કા આ ત્રાજવું અલાહાબાદ હાઈ કોર્ટને ભેટ આપવા માગે છે. આ માટે તેમણે રાષ્ટ્રપતિ પાસે અનુમતિ માગી છે. આ ત્રાજવામાં ચીજો જોખવી હોય તો પરંપરાગત મિનીએચર સાઇઝનાં બાટ પણ બનાવેલાં છે. આ શિલ્પકામ કરતાં ડૉ. ઇકબાલને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.

