બબીતાદેવીનું થોડા દિવસ પહેલાં અવસાન થયું હતું. તેના પતિ રવીન્દ્ર સિંહનું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું
પ્રતીકાત્મક તસવીર
બિહારના સારણ જિલ્લાના મધૌરા બ્લૉકના જવઇનિયાં ગામમાં એક ગરીબ મહિલા બબીતાદેવીના મૃત્યુ પછી કોઈ સંબંધી, પાડોશી કે ગ્રામજનો તેના મૃતદેહને ઉઠાવવા કે સ્મશાનભૂમિ સુધી લઈ જવા માટે આવ્યા નહીં. અંતે તેની બે પુત્રીઓએ તેના મૃતદેહને ઉઠાવી લીધો અને અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહ પહોંચી હતી અને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
બબીતાદેવીનું થોડા દિવસ પહેલાં અવસાન થયું હતું. તેના પતિ રવીન્દ્ર સિંહનું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેના પતિના અવસાન પછી પરિવાર આર્થિક તંગીમાં હતો. રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરતી બબીતાદેવી કોઈક રીતે તેની દીકરીઓનો ઉછેર કરી રહી હતી. જોકે ગરીબી એટલી ગંભીર હતી કે સમાજ ધીમે-ધીમે આ પરિવારથી દૂર થઈ ગયો.
ADVERTISEMENT
જ્યારે બબીતાદેવીનું અવસાન થયું ત્યારે ગામમાંથી કોઈ મદદ કરવા આવ્યું નહીં કે કોઈએ પૂછ્યું નહીં કે પરિવારમાં કોણ બાકી છે. આ પછી દીકરીઓ માતાના પાર્થિવ દેહને સ્મશાનગૃહ લઈ ગઈ હતી અને ધ્રૂજતા હાથે ચિતાને અગ્નિદાહ આપ્યો હતો.
અંતિમ સંસ્કાર પછી પણ દીકરીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. હવે તેઓ માતાના તેરમા દિવસની વિધિ માટે ઘરે-ઘરે ભટકતી રહે છે. તેમની પાસે ઘરે પૈસા નથી, કોઈ ટેકો નથી અને મદદ કરવા માટે કોઈ નથી. તેમની આશા સરકારી પ્રશાસન અને સમાજ તરફ મંડાયેલી છે જેથી તેઓ તેમની માતાની શ્રાદ્ધવિધિ કરી શકે.


