કેન્યાની બિઝનેસવુમન પાસેથી ૬૬ લાખ રૂપિયાની લૂંટ, પોલીસે થાણેના આરોપીને પકડીને ૫૯ લાખ રૂપિયા રિકવર કર્યા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના ફોર્ટ વિસ્તારમાં બુધવારે બપોરે ધોળા દિવસે પોલીસના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ કેન્યાની ૨૬ વર્ષની મહિલા વેપારી સુમૈયા આબ્દીની ટૅક્સી અટકાવીને ચેકિંગ કરવાના બહાને ધમકાવીને તેની પાસેની ૬૬ લાખ રૂપિયાની માલમતા લૂંટી લીધી હતી. આ મામલે MRA માર્ગ પોલીસે ફરિયાદ નોંધી હતી અને આ ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને થાણેના સુરેશ ચવાણ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસને તેની પાસેથી લૂંટાયેલી રકમમાંથી ૫૯ લાખ રૂપિયા રિકવર કરવામાં સફળતા મળી છે જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
ઘટનાક્રમ : કઈ રીતે કરી લૂંટ?
ADVERTISEMENT
MRA માર્ગ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રદીપ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્યાના નાઇરોબીમાં નાનાં બાળકો માટેનાં કપડાંનો વ્યવસાય કરતી સુમૈયા આબ્દી તેની ફ્રેન્ડ્સ સાથે ૨૬ જાન્યુઆરીએ કપડાં ખરીદવા ભારત આવી હતી. તેઓ મોહમ્મદ અલી રોડ પરની એક હોટેલમાં રોકાઈ હતી. ૨૭ જાન્યુઆરીએ તેની ફ્રેન્ડ સાથે કાલબાદેવીથી કપડાની ખરીદી કરી હતી અને એ માટેના ૬૬ લાખ રૂપિયા બીજા દિવસે ચૂકવવાના હતા. બધી ફ્રેન્ડ પાસેથી ભેગા કરેલા ૬૬ લાખ રૂપિયા સુમૈયાએ પોતાની પાસે રાખ્યા હતા અને તેની એક ફ્રેન્ડ સાથે કાલબાદેવીથી ટૅક્સીમાં કોલાબા તરફ જઈ રહી હતી ત્યારે બપોરે પોણાત્રણ વાગ્યે ફોર્ટમાં અલાના સેન્ટર બિલ્ડિંગ પાસે બાઇક પર આવેલા બે યુવકોએ તેમની ટૅક્સીને આંતરી હતી. બાઇકસવારોના મોઢા પર માસ્ક હતો. યુવકોએ ડ્રાઇવરને પોતે પોલીસ હોવાનું કહીને ધમકાવ્યો હતો. ટૅક્સીનું ચેકિંગ કરવું છે કહીને તેમણે ડ્રાઇવરને નીચે ઉતાર્યો હતો અને ડિકી તપાસી હતી. ત્યાર બાદ આ નકલી પોલીસે પાછળ બેઠેલી સુમૈયા અને તેની ફ્રેન્ડ પાસે રહેલી બૅગમાં શું છે એવું પૂછીને તેમને ડરાવી દીધી હતી. ગભરાઈ ગયેલી મહિલાઓએ પોલીસ-સ્ટેશન જવું પડશે એવા ડરથી પૈસા ભરેલી બન્ને બૅગ આરોપી યુવકોને આપી દીધી હતી. એ પછી આરોપીઓ બૅગ લઈને બાઇક પર ફરાર થઈ ગયા હતા.’
પોલીસ-કાર્યવાહી અને ધરપકડ
પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રદીપ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટના બાદ ગભરાઈ ગયેલી મહિલાઓએ ટૅક્સી-ડ્રાઇવરને તરત હોટેલ લઈ જવા કહ્યું હતું પરંતુ ડ્રાઇવરે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરતાં બાતમીદારો અને CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી થાણેમાં રહેતા સુરેશ ચવાણની ધરપકડ કરી છે. તેની પાસેથી લૂંટાયેલી રકમમાંથી ૫૯ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લૂંટ પૂર્વયોજિત કાવતરાનો ભાગ હતી. આરોપીઓને પહેલેથી જ ખબર હતી કે વિદેશી મહિલા પાસે ઘણા રૂપિયા છે. લૂંટારાઓએ પોલીસ જેવા દેખાવા માટે ખાખી પૅન્ટ અને શૂઝ પહેર્યાં હતાં. હાલમાં પકડાયેલા સુરેશ ચવાણ ઉપરાંત આ ગુનામાં સામેલ અન્ય બે મુખ્ય આરોપીઓ ફરાર છે. તેમને પકડવા માટે અમારી ચાર ટીમ કામે લાગી છે.’
સુમૈયા આબ્દીએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં પોતાનો ડર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અગાઉ જ્યારે હું મુંબઈ ખરીદી માટે આવી હતી ત્યારે મારો અનુભવ ઘણો સારો રહ્યો હતો, પરંતુ તાજેતરમાં બનેલી આ ઘટનાએ મને અને મારી મિત્રોને ધ્રુજાવી દીધી છે. લૂંટારાઓ અમારી બૅગમાં રહેલા બધા રૂપિયા લઈ ગયા હોવાથી અમારી પાસે રોકાવા માટે પૈસાની સગવડ નહોતી એને લીધે ડરના માર્યા અમે પોલીસ-ફરિયાદના બીજા જ દિવસે પાછાં કેન્યા ચાલ્યાં ગયાં હતાં. મારી પોલીસને નમ્ર વિનંતી છે કે તેઓ આ કેસમાં કડક કાર્યવાહી કરે અને અમારી લૂંટાયેલી રકમ અમને પાછી અપાવવામાં મદદ કરે.’
અપીલ- પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ સિવિલ ડ્રેસમાં પોલીસ તરીકે ઓળખ બતાવે તો તેની પાસેથી પહેલાં આઇ-કાર્ડ માગવું અને નજીકના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરવો.


