સરકારને કોઈ વ્યક્તિના મૃત્યુની જાણકારી મોટા ભાગે ડેથ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના માધ્યમથી મળે છે.
પ્રતીકાત્મક તસવીર
સરકારે આધાર સિસ્ટમને વધુ સેફ અને ચોક્કસ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. એણે અત્યાર સુધીમાં ૨.૫ કરોડથી વધુ આધાર કાર્ડ બંધ કરી દીધાં છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ ફ્રૉડથી બચવા માટે અઢી કરોડ લોકો જેઓ મૃત્યુ પામ્યા છે તેમનો આધાર નંબર ડેટાબેઝમાંથી ડિલીટ કરી દીધો છે.
કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેનો આધાર નંબર ડીઍક્ટિવેટ કરાવવો બહુ જ જરૂરી છે. એનાથી તેમની ઓળખનો ઉપયોગ કરીને થનારો ફ્રૉડ રોકી શકાય છે અને સાથે સરકારી યોજનાઓનો ગેરકાનૂની ઉપયોગ થતો અટકાવી શકાય છે.
ADVERTISEMENT
સરકારને કોઈ વ્યક્તિના મૃત્યુની જાણકારી મોટા ભાગે ડેથ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના માધ્યમથી મળે છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારે ડેથ-સર્ટિફિકેટ બનાવવાનું રહે છે. એ ડેટા સરકારી ડેટાબેઝમાં નોંધાઈ જાય છે.
કઈ રીતે ઓળખપત્રો નિષ્ક્રિય કરાવાય?
આધાર કાર્ડ ઃ આધાર કાર્ડ નિષ્ક્રિય કરવા માટે UIDAIએ MyAdhaar પોર્ટલ પર રિપોર્ટ ડેથ ઑફ અ ફૅમિલી મેમ્બર નામની સુવિધા શરૂ કરી છે. પરિવારનો કોઈ સભ્ય ડેથ સર્ટિફિકેટ અને આધાર નંબર એન્ટર કરીને કાર્ડ નિષ્ક્રિય કરી શકે છે.
ચૂંટણી ઓળખપત્ર ઃ ચૂંટણીપંચ હવે ડાયરેક્ટ ડેથ રજિસ્ટ્રેશનનો ડેટા વાપરી શકે છે. આ ઉપરાંત પરિવારના સભ્યો ચૂંટણી-કાર્યાલયમાં જઈ ફૉર્મ-નંબર ૭ ભરીને નામ હટાવી શકે છે.
પૅન કાર્ડ ઃ મૃત પરિવારજનનો પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) પરિવારના સભ્યે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં જઈને મૅન્યુઅલી સરેન્ડર કરવાનો હોય છે.
પાસપોર્ટ ઃ પાસપોર્ટની વૅલિડિટી પૂરી થતાં જ અમાન્ય થઈ જાય છે, પરંતુ જો એ પહેલાં પાસપોર્ટ સરેન્ડર કરવો હોય તો પાસપોર્ટ ઑફિસમાં ડેથ-સર્ટિફિકેટ લઈને અરજી કરવાની રહે છે.


