APMCના દાણાબજારના વેપારીએ ૩૬.૨૮ લાખ રૂપિયાની રકમ ગુમાવી સાઇબર ઠગાઈમાં
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના APMCના દાણાબજારમાં વેપાર કરતા ૪૭ વર્ષના કચ્છી વેપારી સાથે સોશ્યલ મીડિયા મારફત સંપર્કમાં આવેલી એક વિદેશી મહિલાએ ફૉરેક્સ ટ્રેડિંગમાં વધુ નફાનું આકર્ષણ બતાવીને ૩૬,૨૮,૦૦૦ રૂપિયા સાઇબર ઠગાઈ કરીને પડાવી લીધા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ મામલે કચ્છી વેપારીએ APMC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીનો ઇન્સ્ટાગ્રામ પર લીલા ગુપ્તા નામની મહિલાએ સંપર્ક કર્યો હતો. પછીથી વેપારી લીલા સાથે વધુ વાતચીત કરવાની લાલચમાં તેના કહેવા મુજબ ફૉરેક્સ ટ્રેડિંગ કરવા તૈયાર થયો હતો. ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ મારફત વિશ્વાસ કેળવીને લીલાએ ૨૦૨૫ની ૨૭ સપ્ટેમ્બરથી ૧૫ જાન્યુઆરી દરમ્યાન પૈસા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
ADVERTISEMENT
વેપારી વર્ષોથી APMC માર્કેટમાં અનાજ-કઠોળનો વ્યવસાય કરે છે અને શૅર માર્કેટમાં પણ અનુભવ ધરાવે છે. ૨૯ સપ્ટેમ્બરે તેના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર લીલા ગુપ્તા નામની મહિલા તરફથી સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બન્ને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ અને મહિલાએ પોતે ફૉરેક્સ ટ્રેડિંગથી મોટો નફો કમાતી હોવાનું જણાવ્યું.
મહિલાએ લંડનમાં રહેતા તેના કાકા શૅરમાર્કેટમાં ટ્રેડિંગ કરતા હોવાનું કહીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. એ સમયે વેપારી મહિલા સાથે વાત આગળ વધારવા માટે તેના કહેવા મુજબ ફૉરેક્સ ટ્રેડિંગ કરવા તૈયાર થયો હતો.
ત્યાર બાદ મહિલાએ એક લિન્ક મોકલીને ફૉરેક્સ ટ્રેડિંગ પ્લૅટફૉર્મ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં વેપારીને ૪૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ થોડો નફો તેમના ખાતામાં જમા થતાં વેપારીને તેના પર વિશ્વાસ બેઠો અને તેણે અલગ-અલગ સમયે અલગ-અલગ બૅન્ક-ખાતાંઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી.
પ્લૅટફૉર્મ પર લાખો રૂપિયાનો પ્રૉફિટ દેખાડવામાં આવતો હતો પરંતુ જ્યારે વેપારીએ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ટૅક્સના બહાને વધુ રકમ માગવામાં આવી. જોકે એ પછી આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો અને તમામ લિન્ક બંધ થઈ ગઈ હતી એથી વેપારીને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ મામલે વેપારીએ સાઇબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી અને APMC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મોબાઇલ નંબર, ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ અને બૅન્ક-ટ્રાન્ઝૅક્શનના આધારે તપાસ શરૂ કરી છે.


