રાજસ્થાનમાં સ્કૂલનું બિલ્ડિંગ ધરાશાયી,૭ સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યા, ૨૯ ઘાયલ
ગઈ કાલે રાજસ્થાનમાં તૂટી પડેલું સ્કૂલ બિલ્ડિંગ.
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદ ગામમાં સરકારી સ્કૂલની ઇમારતનો એક ભાગ ગઈ કાલે સવારે ૭.૪૫ વાગ્યે તૂટી પડતાં ઓછામાં ઓછા સાત સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યા હતા અને ૨૯ અન્ય ઘાયલ થયા હતા, જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે. સવારની પ્રાર્થના માટે સ્ટુડન્ટ્સ ભેગા થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
આ સંદર્ભમાં દાંગીપુરા પોલીસ-સ્ટેશનના સ્ટેશન હેડ ઑફિસર (SHO) વિજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘ધોરણ ૬ અને ૭ના ક્લાસનો એક ભાગ તૂટી પડ્યો ત્યારે ઓછામાં ઓછા ૧૭ સ્ટુડન્ટ્સ બિલ્ડિંગની અંદર હાજર હતા. કાટમાળ નીચે ફસાયેલા તમામ સ્ટુડન્ટ્સને બહાર કાઢવામાં આવ્યા હતા અને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
આ ઘટના બાદ મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ઝાલાવાડની ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. ઘાયલ બાળકો માટે યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં
આવી છે.’
ચીફ મિનિસ્ટર્સ ફન્ડમાંથી જીવ ગુમાવનારાં બાળકોના પરિવારને બે લાખ રૂપિયાની અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી ૫૦,૦૦૦ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી હતી.
ખૂબ જ દુખદ : નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી અને કહ્યું હતું કે ‘અધિકારીઓ શક્ય એટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં મારા વિચારો અસરગ્રસ્ત સ્ટુડન્ટ્સ અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું.’
કંઈ નહીં થાય, ક્લાસમાં બેસો
ઘટનાની મિનિટો પહેલાં બે વિદ્યાર્થીઓએ પથ્થર પડતા હોવાની કરેલી ફરિયાદ સામે શિક્ષકોએ આવો જવાબ આપ્યો હતો
ગઈ કાલે સવારે ૭.૪૫ વાગ્યે સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓ ક્લાસમાં પ્રાર્થના માટે ભેગા થયા એ જ સમયે છત પડવાની ઘટના બની હતી. બે વિદ્યાર્થીઓએ એવો દાવો કર્યો હતો કે તેમણે ઘટનાની મિનિટો પહેલાં છત પરથી પથ્થરો પડતા જોયા હતા અને એ વિશે શિક્ષકોને જઈને ફરિયાદ કરી હતી. જોકે શિક્ષકોએ તેમની ફરિયાદ અવગણી હતી. એક શિક્ષકે તો એવું કહી દીધું હતું કે કંઈ નહીં થાય, ક્લાસમાં બેસો.


