હોટેલમાં જ થઈ ગયા છે ફ્રીઝ : દરેક હોટેલની બહાર દોઢ ફુટ જેટલો બરફ : ગઈ કાલે ફરી સ્નોફૉલ અને થન્ડરિંગ શરૂ થયાં એટલે પરિસ્થિતિ ફરી વિકટ બની
કેવિન શાહ અને તેમના ફ્રેન્ડ સપરિવાર, સુમિત કડકિયા, સિદ્ધાર્થ રાઠોડ
શુક્રવારથી મનાલી અને એની આસપાસના વિસ્તારોમાં હેવી સ્નોફૉલ થઈ રહ્યો છે એને લીધે ત્યાં ફરવા ગયેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાના વિડિયો છેલ્લા કેટલાક દિવસથી ટીવી અને સોશ્યલ મીડિયા પર ફરી રહ્યા છે. જોકે ગઈ કાલે બપોર પછી મનાલી સહિત શિમલામાં પણ હેવી સ્નોફૉલ શરૂ થતાં ટૂરિસ્ટોની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. અહીંના કેટલાક વિસ્તારોમાં તો ટૂરિસ્ટ્સ હોટેલની બહાર પણ નીકળી નથી શકતા. એ સંદર્ભે વધુ માહિતી મેળવવા ‘મિડ-ડે’એ શિમલા અને મનાલી ફરવા ગયેલા મુંબઈના કેટલાક ગુજરાતી લોકો સાથે વાત કરીને તેમની હાલત જાણી હતી.
કાંદિવલીમાં રહેતા કેવિન શાહ ફૅમિલી સાથે શિમલા ગયા છે. તેઓ જે દિવસે પહોંચ્યા એ દિવસે પણ તેમની હાલત કફોડી થઈ હતી અને હવે જ્યારે તેઓ ત્યાંથી નીકળવા માગે છે ત્યારે પણ ત્યાં એટલો સખત સ્નોફૉલ થઈ રહ્યો છે કે તેમને હવે ચિંતા થઈ રહી છે કે તેઓ રિટર્ન આવવા માટેની ફ્લાઇટ પકડી શકશે કે નહીં? પોતાની આપવીતી વિશે વધુ માહિતી આપતાં કેવિન શાહ કહે છે, ‘અમે બે કપલ શિમલા ફરવા આવ્યાં છીએ. અમારી બુધવારની મુંબઈ આવવા માટેની ફ્લાઇટ છે અને અત્યારે જે રીતે બરફ પડી રહ્યો છે એ જોતાં અમને ચિંતા થઈ રહી છે કે અમે સમયસર ઍરપોર્ટ પહોંચી શકીશું કે નહીં. બધા રસ્તા બરફને લીધે બ્લૉક છે. નીચેથી કોઈને આજે પણ ઉપર આવવા દેવાતા નથી એટલે કે શિમલા સુધી કોઈને આવવા દેવાતા નથી. હેવી સ્નોફૉલને લીધે અહીં હોટેલમાં રોકાયેલા ટૂરિસ્ટો પણ રૂમમાં જ બેસી રહ્યા છે. એવામાં ફરી બરફ પડવાનું શરૂ થઈ ગયું છે. અમારી સાથે બાળકો પણ છે એટલે ટેન્શન છે, કેમ કે અમે જ્યારે શનિવારે આવ્યા ત્યારે ખૂબ હેરાન થઈને આવ્યા હતા. ગાડીને ધક્કો મારી-મારીને શિમલા સુધીનો રસ્તો પાર કર્યો હતો. અનેક વખત અમારી ગાડી બરફમાં ફસાઈ ગઈ હતી. અમે અમારી ગાડી તો કાઢી હતી અને સાથે બીજા લોકોને ગાડીને બહાર કાઢવામાં મદદ કરી હતી. બધાની ગાડી ટૂ-બાય-ટૂ હતી એટલે વધારે હેરાન થયા. બે-ત્રણ ટનલ પાસે તો અમારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. ૭-૮ કિલોમીટર લાંબો ટ્રાફિક હતો. એ દિવસની વાત કરું તો અમે શનિવારે ચંડીગઢથી સવારે ૮ વાગ્યે કારમાં નીકળ્યા હતા અને લગભગ ૧૩ કલાક પછી અમારી શિમલાની હોટેલમાં રાતે ૯.૩૦ વાગ્યે પહોંચ્યા હતા. અમે ત્યાં જઈને જોયું તો હોટેલમાં પહોંચનારા અમે જ પહેલા હતા. બીજા લોકો રસ્તામાં અટવાયેલા હતા. ઘણા લોકો તો મોડી રાતે હોટેલ પહોંચ્યા હતા. કેટલાક સિનિયર સિટિઝન પણ હતા જેઓ અનેક કિલોમીટર ચાલીને હોટેલ પહોંચી શક્યા હતા.’
ADVERTISEMENT
અમે મનાલી સિટીથી લગભગ ૨૦ કિલોમીટર દૂર નગર પાસે છીએ જ્યાં અમારે ૫૭ કલાક અંધકારપટનો સામનો કરવો પડ્યો હતો એમ જણાવતાં મુંબઈનાં સુમીત કડકિયા કહે છે, ‘હું બે મહિનાથી અહીં કામસર આવ્યો છું. સ્નોફૉલમાં કેવી તકેદારી રાખવી જોઈએ એની મને જાણ હતી એટલે મને કશો વાંધો ન આવ્યો. નો ડાઉટ સ્નોફૉલને લીધે અમે બીજી રીતે ઘણા હેરાન થયા હતા જેમ કે શુક્રવારે વીજળીના થાંભલા અફેક્ટ થતાં ૫૭ કલાક સુધી અમારે લાઇટ વગર ચલાવવું પડ્યું. રવિવાર-સોમવારે તડકો નીકળતાં પરિસ્થિતિ સુધરી હતી, પરંતુ ગઈ કાલે ફરી હેવી સ્નોફૉલની સાથે થન્ડરિંગ શરૂ થઈ ચૂક્યું છે. અમે જ્યાં છીએ ત્યાં હજી પણ ગાડી આવતી નથી એટલે અમારે કોઈક વસ્તુ જોઈએ તો ત્રણ-ચાર કિલોમીટર ચાલીને આસપાસના ગામડામાંથી લઈ આવીએ છીએ. રાતે સ્ટ્રૉન્ગ સ્ટૉર્મ આવવાનાં એંધાણ છે. જો સ્નોફૉલ સાથે થન્ડરિંગ પણ ચાલુ રહેશે તો અહીંની સ્થિતિ ચિંતાજનક બની શકે છે.’
હાઈ ઍટિટ્યુડ એરિયામાં ટૂર ઑર્ગેનાઇઝ કરતા બૅગપૅકર XPના સિદ્ધાર્થ રાઠોડ કહે છે, ‘અહીં સ્નોફૉલ થાય છે પરંતુ આ વખતે વધારે થયો છે. એ ઉપરાંત થોડા સમય પહેલાં અહીં ફ્લૅશ ફ્લડ આવ્યાં હતાં જેને લીધે ઑલરેડી ત્યાં ઘણી જગ્યાએ રસ્તા તૂટી ગયા છે જેને લીધે બરફ હટાવવામાં વિલંબ થઈ રહ્યો છે. એ ઉપરાંત સ્નોફૉલ શરૂ થયો છે એવા સમાચાર આસપાસના એરિયામાં ફેલાતાંની સાથે ટૂરિસ્ટોનો ધસારો શરૂ થઈ ગયો હતો જેને લીધે પરિસ્થિતિ વધુ બગડી છે. સમયની સાથે ટૂરિસ્ટોની થોડી બેદરકારી અને લાપરવાહીને લીધે પણ સ્થિતિ વધુ ખરાબ બની છે, જેમ કે ઘણા ટૂરિસ્ટ સ્નીકર્સ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરીને ચાલતા હતા જે બરફમાં સ્લિપ જ થાય. બીજું, જ્યારે તમે બરફીલા વિસ્તારમાં ફરવા જાઓ ત્યારે સ્નોચેઇન હોવી જોઈએ જે બધા પાસે નથી. એ સિવાય તમારું સાધન પણ એવું હોવું જોઈએ જે સ્કિડ ન થાય અને બરફમાં આગળ વધી શકે. એને લીધે ઘણી ગાડીઓ બંધ પડી ગઈ હતી અને લોકોએ કેટલાંય કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું હતું. અત્યારની પરિસ્થિતિની વાત કરું તો અટલ ટનલ હજી પણ બંધ છે. લાહોલમાં નેટવર્ક અને પાવરની સમસ્યા હજી યથાવત્ છે. સોલાગ વૅલીથી નીચે ઊતરતા ટૂરિસ્ટ્સ પણ બે દિવસથી ફસાયા હતા તેમને હવે કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો ખૂબ હેલ્પ કરી રહ્યા છે.’
મનાલીમાં આવેલી હેવન વ્યુ હોટેલના ઓનર જુગલ કિશોર કહે છે, ‘હાલમાં રસ્તા પર દોઢ ફુટ જેટલો બરફ છે. મનાલી બસ-સ્ટૉપથી લઈને ૧૧ કિલોમીટર નીચે સુધી બધે બરફ જ બરફ છે. એટલે ફોર-બાય-ફોરની ગાડી જ ચાલી રહી છે, બીજી કોઈ ગાડી અત્યારે કામ નથી આવતી. ટ્રાફિક ફુલ છે. આવી પરિસ્થિતિમાં જો ટૂરિસ્ટ સાવચેત રહીને અને પ્રશાસનની વાત સાંભળીને રહે તો તેમને કોઈ વાંધો આવતો નથી. બાકી જેઓ ખોટું સાહસ કરવા જાય છે અને વધારે જોશમાં આવીને ધમાલ કરે છે તેમને વધારે તકલીફ થઈ રહી છે. બાકી સ્નોફોલ આ વખતે વધારે જ છે.’
===------===


