Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આખો દિવસ ઊથલપાથલ દાખવી બજાર ૩૨૦ પૉઇન્ટના સુધારામાં

આખો દિવસ ઊથલપાથલ દાખવી બજાર ૩૨૦ પૉઇન્ટના સુધારામાં

Published : 28 January, 2026 09:13 AM | IST | Mumbai
Anil Patel

નફામાં ૩ ટકા વધારામાં ઍક્સિસ બૅન્ક દોઢ વર્ષની ટોચે જઈને સવાચાર ટકા વધી : શુક્રવારની સાગમટે ખરાબી બાદ અદાણીના શૅર બાઉન્સ બૅક, નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ તો સેન્સેક્સમાં અદાણી પોર્ટ્‍સ ટૉપ ગેઇનર

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. ચોખ્ખા નફામાં મોટા ધોવાણ વચ્ચે રેમન્ડ તથા રેમન્ડ લાઇફ સ્ટાઇલમાં મજબૂતી
  2. મેટલ ઇન્ડાઇસિસ ૩ ટકાના જમ્પમાં નવી સર્વોચ્ચ સપાટીએ, તાતા સ્ટીલ ઑલટાઇમ હાઈ, પરિણામ છઠ્ઠીએ
  3. માથે પરિણામ વચ્ચે ITC ૪૧ મહિનાના તળિયે : ૪ બૅન્ક-શૅર દ્વારા બજારને ૪૭૦ પૉઇન્ટનો ફાયદો

બજારમાં ૪ દિવસના ટૂંકા સપ્તાહની શરૂઆત બેતરફી ઊથલપાથલ સાથે પૉઝિટિવ વલણથી થઈ છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૦૧ પૉઇન્ટની નરમાઈમાં ૮૧,૪૩૭ નીચે ખૂલી છેવટે ૩૨૦ પૉઇન્ટ વધી ૮૧,૮૫૭ તથા નિફ્ટી ૧૨૭ પૉઇન્ટ વધીને ૨૫,૧૭૫ મંગળવારે બંધ થયો છે. નબળી શરૂઆત બાદ શૅરઆંક નીચામાં ૮૧,૦૮૮ થઈ ત્યાંથી ૮૧૧ પૉઇન્ટ ઊંચકાઈ ઉપરમાં ૮૧,૮૯૯ વટાવી ગયો હતો. ખૂલતાંની સાથે એકાદ કલાકમાં જ ઇન્ટ્રાડે બૉટમ અને હાઈનાં આ લેવલ દેખાડ્યા પછી આખો દિવસ માર્કેટ ઉપર-નીચે થતું રહ્યું હતું. ઇક્વલ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૩૨ શૅર સામે ૧૫૬૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના સુધારામાં ૪૫૩.૬૭ લાખ કરોડ રહ્યું છે. ૨ જાન્યુઆરીએ રોજ સેન્સેક્સ ૮૫,૭૬૨ બંધ થયો હતો ત્યારે બજારનું માર્કેટકૅપ ૪૮૧.૨૫ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ ગયું હતુ. ત્યાર પછી કામકાજના માત્ર ૧૫ દિવસમાં સેન્સેક્સ ૩૯૦૫ પૉઇન્ટ ઘટીને ૮૧,૮૫૭ બંધ થયો છે, એમાં રોકાણકારોના ૨૭.૫૮ લાખ કરોડ રૂપિયા હોમાઈ ગયા છે. બાય ધ વે, ૨ જાન્યુઆરીએ નિફ્ટી ૨૬,૩૨૮ની વિક્રમી સપાટીએ બંધ થયો. ગઈ કાલે એ ૨૫૧૭૫ બંધ થતાં ૧૫ દિવસમાં ૧૧૫૩ પૉઇન્ટ ઘટી ચૂક્યો છે. છેલ્લો કલાક એક તરફી સુધારાનો હતો, શૅરઆંક ૮૨,૦૮૫ની ઇન્ટ્રાડે ટોચે ગયો હતો.

યુરોપિયન યુનિયન સાથે થયેલા ફ્રી-ટ્રેડના કરારના ભાગરૂપે ભારત ખાતે ત્યાંથી આયાત કરાતી કાર ઉપર ૧૧૦ ટકાને બદલે ૪૦ ટકાની ડ્યુટી લાગુ થવાની છે. આના પગલે ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ એક ટકા કે ૫૭૬ પૉઇન્ટ કપાયો છે. મહિન્દ્ર ૩૩૪૫ની ઇન્ટ્રાડે બૉટમ બાદ ૪.૨ ટકા કે ૧૪૮ રૂપિયા ગગડી ૩૩૯૪ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની બજારને ૧૧૨ પૉઇન્ટ નડી છે. મારુતિ સુઝુકી ૧.૪ ટકા કે ૨૨૯ રૂપિયા, તાતા મોટર્સ પૅસેન્જર સવા ટકો, હ્યુન્દાઇ ૪ ટકા ડૂલ થઈ છે. આઇશર અઢી ટકા વધીને ૭૧૫૫ હતી. તાતા મોટર્સ દોઢેક ટકા ડાઉન તો અશોક લેલૅન્ડ ફ્લૅટ બંધ રહી છે. SML મહિન્દ્ર પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૩૪૭૮ તો ફોર્સ મોટર્સે ૩ ટકા કે ૫૭૯ રૂપિયા તૂટી ૧૮,૭૯૭ બંધ આપી છે.



તથાકથિત ફ્રૉડ અને રુશવતખોરીના કેસમાં અદાણી સામે સીધી કાર્યવાહી કરવા અમેરિકન અદાલતની પરવાનગી માગવાના સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ના પગલાના ફફડાટથી શુક્રવારે અદાણીના તમામ ૧૩ શૅર પટકાયા હતા. ગ્રુપનું માર્કેટકૅપ ૧.૧૨ લાખ કરોડથી વધુ સાફ થઈ ગયું હતું. ગૌતમ અદાણીએ SECના પગલા સામે કાનૂની રક્ષણ મેળવવા દયાની અરજી કરવાની હિલચાલ આદરી છે. એના પગલે ગઈ કાલે અદાણી એન્ટર. સવાપાંચ ટકા, અદાણી પોર્ટ્સ ૪.૫ ટકા, અદાણી પાવર એક ટકો, અદાણી એનર્જી સવાચાર ટકા, અદાણી ગ્રીન ૩.૫ ટકા, અદાણી ટોટલ પોણાબે ટકા, એસીસી દોઢ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૨.૪ ટકા, NDTV ફ્લૅટ, PSP પ્રોજેક્ટ્સ પોણાપાંચ ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ ૨.૮ ટકા, ઓરિએન્ટ સિમેન્ટ્સ ૩ ટકા બાઉન્સ થઈ છે. સેમિઇન્ડિયા પ્રોજેક્ટ્સ ૫૨૫ના લેવલે ફ્લૅટ હતી.


સ્ટેટ બૅન્ક ૨.૩ ટકાની આગેકૂચમાં ૧૦૫૩ થઈ છે. ICICI બૅન્ક દોઢ ટકા વધીને ૧૩૬૩ હતી. HDFC બૅન્ક ૧.૨ ટકા વધીને ૯૨૭ રહી છે. ઍક્સિસ બૅન્ક ૪.૩ ટકા વધી હતી. આ ૪ શૅર બજારને કુલ ૪૭૦ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. કોટક બૅન્ક ૩.૧ ટકા ગગડીને ૪૦૯ થઈ છે. રિલાયન્સ નજીવી ઘટીને ૧૩૮૫ હતી. ITC ૩૧૮ની મ​લ્ટિયર બૉટમ બનાવી દોઢેક ટકાની નરમાઈમાં ૩૧૯ રહી છે. એશિયન પેઇન્ટ્સ ૨.૮ ટકા, એટર્નલ બે ટકા, વિપ્રો ૧.૧ ટકા ઘટી છે. JSW સ્ટીલ ૪.૪ ટકા, ગ્રાસિમ ૩.૫ ટકા, તાતા સ્ટીલ અઢી ટકા વધી છે. 

આજે ૩ નવાં ભરણાં ખૂલશે, એમએફ ઇક્વિપમેન્ટ્સમાં ફૅન્સી


આજે ૩ SME IPO ખૂલશે. નવી દિલ્હીની એમએફ ઇક્વિપમેન્ટ્સ ૧૦ના શૅરદીઠ ૧૨૩ની અપરબૅન્ડમાં ૬૬૪૨ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ આજે લાવશે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની વિવિધ પ્રકારની લૅડર્સ (નિસરણી) સહિત ઊંચાઈ ઉપર કામકાજ કરતી વખતે સલામતી માટેનાં ઇક્વિપમેન્ટ બનાવીને વેચે છે, ભાડે આપે છે. ગયા વર્ષે ૪૮ ટકા વધારામાં ૭૧૬૨ લાખની આવક ઉપર ૯૮ ટકા વૃદ્ધિદદરથી ૧૩ કરોડ નફો કરનારી આ કંપનીએ ચાલુ વર્ષના ૬ મહિનામાં ૪૯૦૭ લાખની આવક અને ૧૦૫૦ લાખ ચોખ્ખો નફો બતાવ્યો છે. દોઢ વર્ષમાં દેવું ૪૬ ટકા વધીને ૩૭૬૭ લાખ થયું છે. ઇશ્યુમાંથી OFS પેટે ૧૨ કરોડ રૂપિયા પ્રમોટર્સના ઘરમાં જવાના છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૯.૩નો પીઇ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૭થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૧૪ બોલાય છે. બીજી કંપની જોધપુરની કનિષ્ક ઍલ્યુમિનિયમ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૭૩ના ભાવે ૨૯૨૦ લાખનો BSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૨૨માં સ્થપાયેલી ઍલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રોડક્ટ્સ બનાવતી આ કંપનીએ ગયા વર્ષે નજીવા વધારામાં ૬૦૧૩ લાખ આવક ઉપર ૧૦૦ ટકા વૃદ્ધિદરથી ૩૦૪ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આવક ૨૯૨૫ લાખ અને નફો ૨૧૫ લાખ થયો છે. દેવું ૨૬ ટકા વધીને ૨૫૫૫ લાખ થયું છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૩૨.૩નો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ નથી. ત્રીજી કંપની અમદાવાદની ઍક્રિશન ન્યુટ્રાવેદા ૧૦ના શૅરદીઠ ૧૨૯ની અપરબૅન્ડમાં કુલ ૨૪૭૭ લાખનો BSE SME ઇશ્યુ કરશે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની આયુર્વેદિક તથા ન્યુટ્રાન્સ્યુટિકલ પ્રોડક્ટ્સ બનાવે છે, કૉન્ટ્રૅક્ટ ડેવલપમેન્ટ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ ઑર્ગેનાઇઝેશન અર્થાત્ CDMO તરીકે પણ કામકાજ કરે છે. ગયા વર્ષે ૨૦૯ ટકા વધારામાં ૧૬૦૬ લાખની આવક ઉપર ૨૧૮ ટકા વૃદ્ધિદરથી ૨૬૧ લાખ નફો બતાવી દીધા પછી ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં કંપનીએ ૧૪૦૭ લાખની આવક ઉપર ૨૩૩ લાખનો નફો કરી નાખ્યો છે. દેવું દોઢ વર્ષમાં ૧૦૪ ટકા વધીને ૪૪૩ લાખ થયું છે. કંપની ૧૮ કર્મચારીથી ચાલે છે. છેલ્લા દોઢ વર્ષનો સુપર-પ્રૉફિટને લઈને ઇશ્યુ પ્રાઇસ ગયા વર્ષની કમાણી પ્રમાણે ૩૫.૭૩નો તથા ૬ મહિનાના નફા મુજબ ૨૦ પ્લસનો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. 

પરિણામ પાછળ MCX બમણા વૉલ્યુમે ૬ ટકાની તેજીમાં

સ્વાન ડિફેન્સ ઍન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝને યુરોપિયન કંપની તરફથી ૬ કેમિકલ ટૅન્કર્સ બાંધવાનો ૨૦૮૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. શૅરનું ટ્રેડિંગ રીસ્ટ્રેક્ટેડ લિસ્ટમાં ભાવ બે ટકાના વધારામાં ૧૮૦૦ બંધ થયો છે. આ કંપની મૂળ પીપાવાવ શિપયાર્ડ્સ તરીકે ઓળખાતી હતી. પછીથી અનિલ અંબાણી ગ્રુપે ટેક-ઓવર કરતાં નામ બદલીને રિલાયન્સ નેવલ ઍન્ડ એન્જિનિયરિંગ કરાયું હતું. અનિલ અંબાણી ગ્રુપની અવદશા થતાં કંપની નાદારીમાં ગઈ હતી. એને સ્વાન ગ્રુપે હસ્તગત કરીને હાલનું નવું નામ આપ્યું હતું. અત્યારે કંપનીમાં સ્વાન ગ્રુપની સ્વાન કૉર્પોરેશન હેઝલ ઇન્ફ્રા લિમિટેડ મારફત અહીં ૯૪.૯ ટકા હોલ્ડિંગ ધરાવે છે. શૅરનો ભાવ વર્ષ પહેલાં ૩૬ની અંદર હતો એ વધતો રહીને ૨૦૨૬ની ૧૨ જાન્યુઆરીએ ૨૦૫૧ના શિખરે ગયો હતો. ૨૦૧૯ની બે સપ્ટેમ્બરે શૅરમાં ૯૦ પૈસાનું ઑલટાઇમ તળિયું બન્યું હતું. કંપનીએ ગયા વર્ષે ૭ કરોડની આવક ઉપર ૧૮૧ કરોડની નેટલૉસ કરી છે. ઇ​ક્વિટી ૫૨૬૮ લાખની છે.

MCX તરફથી ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૨૧ ટકા વધારામાં ૬૬૫ કરોડ પ્લસની આવક ઉપર ૧૫૧ ટકા વૃદ્ધિદરથી ૪૦૧ કરોડ નેટ પ્રૉફિટ હાંસલ કરાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૪૪૫ થઈ ૬.૧ ટકા વધીને ૨૪૨૨ હતો. BSE લિમિટેડનાં રિઝલ્ટ ૮ ફેબ્રુઆરીએ છે. શૅર ગઈ કાલે ૨.૮ ટકા વધીને ૨૭૬૧ હતો. મ​લ્ટિપ્લેક્સ કંપની PVR INOX દ્વારા પૉપકૉર્ન બ્રૅન્ડ ૪૭૦૦ બીસીની માલિકી ધરાવતી ઝિયા મેઇઝમાંનું ૭૦ ટકા હો​લ્ડિંગ આશરે ૨૨૭ કરોડમાં મારિકોને વેચવાના કરાર થયા છે. આ હો​લ્ડિંગ તેણે ૨૦૧૫માં માત્ર પાંચ કરોડમાં લીધું હતું. PVR INOX ગઈ કાલે ઉપરમાં ૯૬૫ થઈ સવાબે ટકા વધીને ૯૫૩ રહી છે. મારિકો લિમિટેડ પોણો ટકો સુધરીને ૭૪૭ હતી. 

શૅડોફૅક્સનું આજે લિસ્ટિંગ થશે, ગ્રેમાર્કેટમાં ૪ રૂપિયા ડિસ્કાઉન્ટ

ગઈ કાલે બરોડાની સાયોના એ​ન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૧૪૪ના ભાવનો ૧૪૮૬ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૩.૭ ગણા સહિત કુલ સાડાપાંચ ગણા તેમ જ મદુરાઈ ખાતેની હન્નાહ જોસેફ હૉસ્પિટલનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૪૨ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં સવા ગણા સહિત કુલ ૧.૩ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ હન્નાહ જોસેફમાં અને સાયોના એન્જિનિયરિંગમાં ઝીરો પ્રીમિયમ છે. મહારાષ્ટ્રના અમરાવતી ખાતેની કસ્તુરી મેટલ કમ્પોઝિટનો ૧૦ના શૅરદીઠ ૬૪ની અપરબૅન્ડ સાથેનો કુલ ૧૭૬૧ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૨૪ ટકા સહિત કુલ એકગણો પ્રતિસાદ મેળવવામાં સફળ થયો છે. પ્રીમિયમ બોલાતું નથી. મેઇનબોર્ડની શૅડોફૅક્સ ટેક્નૉલૉજીઝ તથા SME કંપની ડિજિલૉજિક સિસ્ટમ્સનું લિસ્ટિંગ આજે થવાનું છે. હાલ શૅડોફૅક્સમાં ૪ રૂપિયાનું ગ્રેમાર્કેટમાં ડિસ્કાઉન્ટ ચાલે છે. અહીં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૬થી શરૂ થયું હતું.

નવી દિલ્હીની ડૉ. લાલચંદાની લૅબ્સ ૧૦ના શૅરદીઠ ૧૦ના ભાવે શૅરદીઠ એકના પ્રમાણમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે સાડાત્રણ ટકા વધીને ૧૬ રહી છે. કલકત્તાની ટ્રાવેલ્સ ઍન્ડ રેન્ટલ્સ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૫ના ભાવથી શૅરદીઠ એકના પ્રમાણમાં બુધવારે એક્સ રાઇટ થવાની છે. ભાવ ગઈ કાલે પાંચ ટકા તૂટીને ૧૮ ઉપર બંધ હતો. આ કંપની ઑગસ્ટ ૨૦૨૪ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૪૦ના ભાવે ૧૨ કરોડનો BSE SME IPO લાવી હતી. ઇશ્યુ રીટેલમાં ૪૩૦ ગણા સહિત કુલ ૬૦૮ ગણો છલકાયો હતો. ૨૦૨૪ની પાંચ સપ્ટેમ્બરે લિ​સ્ટિંગમાં ભાવ ૫૮ નજીક બંધ થયા પછી સડસડાટ વધતો રહીને ૨૦૨૪ની ૩૦ સપ્ટેમ્બરે ૧૫૮ નજીક ઑલટાઇમ હાઈ થઈ ગયો હતો. ત્યાંથી સતત ધોવાણ શરૂ થતાં તાજેતરમાં ૧૬ જાન્યુઆરીના રોજ એમાં ૧૮નું વર્સ્ટ લેવલ દેખાયું હતું. 

નવી મુંબઈની વનસોર્સ સ્પેશ્યલિટી ફાર્મા ઑલટાઇમ તળિયે જઈને ૨૬૯ રૂપિયા તૂટી

સ્ટ્રાઇડ ફાર્માના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી વનસોર્સ સ્પેશ્યલિટી ફાર્માનું વેચાણ ૨૬ ટકા ઘટીને ૨૯૦ કરોડ તથા નેટ લૉસ ૨૯ ટકા જેવી વધીને ૮૮૭૦ લાખ થઈ છે. શૅર ૨૨ ગણા વૉલ્યુમે ૧૧૪૬ના વર્સ્ટ લેવલે જઈને ૧૮.૮ ટકા કે ૨૬૯ રૂપિયા તૂટી ૧૧૬૪ બંધ થયો છે. ડીમર્જરમાં સ્ટ્રાઇડ ફાર્માના બે શૅરદીઠ વનસોર્સનો એક શૅર અપાયો હતો. લિસ્ટિંગ જાન્યુઆરી ૨૦૨૫માં થયું હતું. શૅર ૧૮ જૂનના રોજ ૨૨૫૦ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો. ફેસવૅલ્યુ એકની છે. રેમન્ડ લિમિટેડની આવક ૧૯ ટકા વધીને ૫૫૭ કરોડ થઈ છે, નફો ૯૦ ટકા ગગડી ૭૧૦ લાખ થયો છે. શૅર ૧૨ ગણા કામકાજે ઉપરમાં ૪૧૯ વટાવી પાંચ ટકા વધીને ૩૮૮ બંધ હતો. રેમન્ડ લાઇફ સ્ટાઇલની આવક ૫.૪ ટકા વધીને ૧૮૪૯ કરોડ તથા નફો ૩૩ ટકા ઘટીને ૪૨૮૬ લાખ થયો છે. શૅર નીચામાં ૮૮૮ બતાવી ૩ ટકા વધીને ૯૪૦ રહ્યો છે.

ડિફેન્સ કંપની અવાન્ટેલની આવક ૨૬.૮ ટકા ઘટીને ૫૧૭૧ લાખ થઈ છે, નફો ૮૬ ટકા ગગડી ૨૭૪ લાખ થયો છે. શૅર નીચામાં ૧૨૨ થઈ ૫.૪ ટકા ઘટીને ૧૨૯ બંધ રહ્યો છે. ગ્રેન્યુઅલ ઇન્ડિયાએ અગાઉના ૧૧૭ કરોડ સામે ૧૫૦ કરોડ ત્રિમાસિક નફો બતાવતાં શૅર ઉપરમાં ૫૮૭ થઈ ૨.૩ ટકા વધીને ૫૭૮ હતો. થોડાક દિવસ પહેલાં લિસ્ટેડ થયેલી વીવર્ક ઇન્ડિયાની આવક ૨૯ ટકા વધી ૬૩૪ કરોડની થઈ છે. કંપની ૮૩ કરોડની નેટ લૉસમાંથી પોણાસત્તર કરોડના નફામાં આવી છે. શૅર ૫૯૦ વટાવી પોણો ટકો સુધરી ૫૮૪ રહ્યો છે. તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દ્વારા આવકમાં ૧૮ ટકા વધારા સામે ૧૦ ટકાના વધારામાં ૩૯૭ કરોડ નેટ નફો કર્યો છે. ભાવ ઉપરમાં ૧૨૦૦ બતાવી ૨.૯ ટકા વધીને ૧૧૮૬ થયો છે.

ઇન્ડ્સઇન્ડ બૅન્ક દ્વારા ૮૮ ટકા ઘટાડામાં ૨૧૮ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર નીચામાં ૮૪૯ થઈ નજીવો સુધરીને ૮૯૫ બંધ આવ્યો છે. ઍક્સિસ બૅન્કે ઍસેટ્સ ક્વૉલિટીમાં સુધારા સાથે ૬૦૫૪ કરોડની એકંદર ધારણા સામે ૬૪૯૦ કરોડ નેટનફો કર્યો છે. શૅર ૧૩૩૩ની દોઢ વર્ષની ટોચે જઈ ૪.૩ ટકા વધીને ૧૩૧૪ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે સેકન્ડબેસ્ટ ગેઇનર બન્યો છે. ૨૦૨૪ની ૮ જુલાઈએ ભાવ ૧૩૪૦ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો. ઍ​ક્સિસ બૅન્કની તેજી બજારને ૧૩૧ પૉઇન્ટ ફળી છે. 

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2026 09:13 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK